મહિલા સશક્તિકરણના ભાગરૂપે લેવાયેલો નિર્ણય
અગાઉ પુરૃષો વિદેશી મહિલા સાથે લગ્ન કરે તો તેમના સંતાનોને યુએઈના તમામ અધિકારો મળતા હતા, મહિલાઓ માટે એવી જોગવાઈ ન હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સંયુક્ત આરબ અમિરાતે મહિલા સશક્તિકરણને લગતો એક મહત્વનો નિર્ણય લીધો છે. જે મહિલાઓ વિદેશી પુરૃષ સાથે લગ્ન કરશે તેના સંતાનોને પણ યુએઈનું નાગરિકત્વ મળશે. અગાઉ આ અધિકાર માત્ર પુરૃષોને જ મળતો હતો. યુએઈના આ સુધારાવાદી નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે.
યુએઈમાં અત્યાર સુધી એવો કાયદો હતો કે યુએઈનો પુરૃષ કોઈ વિદેશી મહિલા સાથે લગ્ન કરે તો તેના સંતાનોને યુએઈનું નાગરિકત્વ ઉપરાંત શિક્ષણ-સ્વાસ્થ્યનો અધિકાર મળતો હતો. એવો કાયદો મહિલાઓ માટે ન હતો. યુએઈની મહિલા કોઈ વિદેશી પુરૃષ સાથે લગ્ન કરે તો તેના સંતાનોને શિક્ષણ-સ્વાસ્થ્ય કે નાગરિકત્વ મળતું ન હતું. હવે યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. એ પ્રમાણે મહિલાઓ વિદેશી પુરૃષ સાથે લગ્ન કરશે તો તેમના સંતાનોને પણ એવો જ અધિકાર મળશે, જે પુરૃષ નાગરિકોને મળે છે. મહિલા વિદેશી સાથે લગ્ન કરે તે પછી પણ તેમના સંતાનોને યુએઈનું નાગરિકત્વ મળશે અને મૂળભૂત અધિકારો મળશે. યુએઈની સરકારે આવો સમાનતાને લગતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાથી એને આવકારવામાં આવ્યો છે.
લોકોએ કહ્યું હતું કે આ નિર્ણય સમયસર લેવાયો છે. હવે બદલતા જમાનામાં પુરૃષો જેટલો જ અધિકાર મહિલાઓને મળવો જોઈએ. યુએઈના ઉપપ્રમુખ અને પ્રમુખને લગતા નિયમો પાળવાની જવાબદારી જેમના પર છે એ મંત્રાલયોને તુરંત નોટિફિકેશન આપી દેવાયું છે.