અધેળાઈ, કેરિયા ઢાળ તથા ઘોઘા રો-પેક્સ ટર્મિનલ ખાતે પણ થશે મુસાફરોના કોવિડ ટેસ્ટ

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી અમલમાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્રારા તેને કોરોના મહામારી જાહેર કરેલ છે. છેલ્લા સાત માસથી સમગ્ર વહીવટી તંત્ર કોરોના રોગચાળાને નાથવા દિનરાત મહેનત કરી રહ્યુ છે જેના થકી સદર રોગચાળો જિલ્લામાં હાલ અંશતઃ કાબુમાં છે. આગામી દીવસોમાં દીવાળીના તહેવારનો પ્રારંભ થનાર છે. ત્યારે આ તહેવારો દરમિયાન જિલ્લામાં લોકોનું આવાગમન વધે એ સ્વાભાવિક છે.ત્યારે જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો ન થાય તેમજ કોરોના સંક્રમણ આગળ ન વધે તે આશયથી ભાવનગર જિલ્લાના બે મુખ્ય પ્રવેશદ્રાર અધેલાઇ અને કેરીયાઢાળ ખાતે ર૪× ૭ રેપીડ એન્ટીજન ટેસ્ટ તથા ધોધા ખાતે હાલમાં શરૂ થયેલ ધોધા-દહેજ રો-પેકસ ફેરી સર્વીસના ધોધા(ભાવનગર) પહોંચવાના સમયે તમામ મુસાફરોનો ફરજીયાત રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવાની કામગીરી જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાની સુચના અન્વયે પ્રારંભ કરવામાં આવેલ છે. સાથે સાથે તહેવારો દરમ્યાન કોરોનાનો રોગચાળો વધતો અટકાવવા લોકો માસ્ક પહેરે, સેનીટાઇઝરનો નિયમીત ઉપયોગ કરે તથા સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવે આ મુળ ત્રણ બાબતોનો ખાસ અમલ કરવા પણ જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્રારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે. જેથી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવી શકાય અને ભાવનગર જિલ્લો જલ્દીથી કોરોના મહામારીમાંથી મુક્ત બની શકે.