શેર માથે સવા શેર થવા ભાજપાની રાજનીતિ
ભાજપના નવનિયુકત પ્રદેશાધ્યક્ષ સીઆર પાટિલે તેમની સૌ-પ્રથમ સૌરાષ્ટ્ર-યાત્રામાં ગોરધનભાઈ ઝડફિયાને જ કેમ સાથે રાખ્યા?
વિસાવદર પછી લેઉઆ પટેલ માટે સેફ ગણાતી ગોંડલની બેઠક પટેલને ફાળવવા આડે જે કંઈ વિઘ્ન છે તેને બા-કાયદા દૂર કરવાની કવાયત
અનિરુદ્ધ નકુમ
રાજય સરકારનો ધ્યેય ગુનાખોરી-મુકત્ત ગુજરાતનો હોય તે આવકાર્ય ગણાય પણ ધ્યેયનાં ધારા-ધોરણ જુદાં-જુદાં હોવાથી શંકા ઉપજે છે રાજય સરકારે જમીન-જાગિર પચાવી પાડનારાને 14 વર્ષ સુધીની જેલ, જંતરીની કિંમતનો દંડ અને માત્ર 6 મહિનામાં જ કેસનો નિવેડો લાવવા નિર્ણય કર્યોે. આવકારદાયક ગણાય. તે પછી ગઈકાલે (શનિવારે) જૂગાર, સાયબર ક્રાઈમ, નાણા ધિરધાર કરી ગેરકાયદે હપ્તા વસુલી વગેરે સામે પાસાનું શસ્ત્ર મજબુત કરવા પણ નિર્ધાર કર્યોે. આ બન્ને પરિવર્તનો નિ:સંદેહ પ્રજા-લક્ષી લાગતાં હતાં. રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાની વાડીએ (વર્ષોેથી ચાલતી) જુગારની કલબ પર રાતોરાત રેડ પાડવી અને સુરતના બિલ્ડર પાસેથી કરોડોની ખંડણી ઉઘરાવવાના કેસમાં પણ રીબડાનાં અનિરૂદ્ધસિંહ સામે ગુનો નોંધવાની કાર્યવાહી રાજય સરકારના નિર્ણયને સરાહનીય ઠેરવત ખરા પણ થોડી ખામી રહી ગઈ ! રાજય સરકારે જિલ્લા કક્ષાએ પોલીસ કમ્પલેઈન ઓથોરિટીની પણ ગત તા.23મી ઓગષ્ટ આસપાસ રચના કરી હતી. ઉદેશ જે-તે જિલ્લામાં અસામાજિક તત્વો, પૈસાદારો અને વગદારોના કારણે પીડિત કે અસરગ્રસ્ત લોકોની ફરિયાદ નોંધવામાં પોલીસ આના-કાની કરે તો જે-તે પોલીસથાણાનાં ઈન્ચાર્જ સામે કાર્યવાહી કરી શકાય. આવી જ એક ઓથોરિટી પોરબંદર જિલ્લા માટે પણ રચાઈ છે. અને તેના વડેરા બનાવાયા કુતિયાણાના ધારાસભ્ય અને ભાજપનાં માનનીય સમર્થક કાંધલ સરમણ જાડેજા! બોલો, હવે કંઈ કહેવું છે?
કાયદો-વ્યવસ્થાના નામે ધોકા-પછાડી સંવેદનશીલ સરકાર ગુજરાતની રાજનીતિમાં આમૂલ ફેરફાર લાવવા જઈ રહી હોવાના સંકેત મળી રહ્યા છે. રૂપાણી સરકારનું મિશન સફળ થશે કે કેમ તે સમય કહેશે પણ સૌથી વધુ અસર જયાં થવાની છે તે ગોંડલ પંથકમાં તેના અત્યારથી જ એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજનીતિના જાણકાર અને શાસક પક્ષની અંદરની રણનીતીથી બ-ખુબી પરીચિત સૂત્રો જણાવી રહ્યા છે કે ગુજરાતની ભાજપ સરકાર ફરીથી પટેલિઝમ ને પ્રાધાન્ય આપી પોતાની કમિટેડ વોટબેન્કને પુન: સ્થાપિત કરવા માગે છે. ખાસ કરીને પક્ષના પ્રમુખપદે પ્રથમવાર એક મહારાષ્ટ્રીયન (સી.આર.પાટીલ)ની નિયુકિત પછી પક્ષની પરંપરાગત પટેલ-વોટ બેન્કમાં જન્મેલી આશંકા દૂર કરવા ભાજપે નથી જ થિયરી પર કામ કરવું શરૂ કર્યું છે. અને એ થિયરી છે. પટેલોને જેમની સામે વિવિધ કારણોસર નારાજગી છે તેવા ક્ષત્રિય-દરબારોને ભીંસમાં લઈ રાજકીય તખ્તાપરથી હાંસિયામાં ધકેલવાની!
નોંધનીય છે કે સી.આર. પાટીલે તેનો ગંભીર ચમકારો દાખવી જ દીધો.પક્ષ પ્રમુખ બન્યા બાદની સર્વપ્રથમ સૌરાષ્ટ્ર-યાત્રા દરમિયાન જૂનાગઢથી રાજકોટ પરત ફરતાં સી. આર. પાટીલે વચ્ચે જૂનાગઢ, વીરપુર, ગોંડલ વગેરે સ્થળે પક્ષના સમર્થકોનું માન રાખી અભિવાદન ઝીલ્યું-હારતોરા સ્વીકાર્યા. આવી જ તૈયારી રીબડાના પાદરે અનિરૂદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા-ગૃપે કરી હતી પરંતુ સીઆર પાટીલનો કાફલો રીબડા હાઈવે પરથી વણથંભ્યો પસાર થઈ ગયો હતો! આ ઘટના ક્રમની રાજકીય વિશ્ર્લેષકોએ જબરી નોંધલીધી હતી. કેમ કે પક્ષની ભાવિ રણનીતિનોેએ જબરો સંકેત હતો.
ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિ ફેકટરથી સૌરાષ્ટ્રની કોઈ બે બેઠકો સિકયોર માનતી હોય તો તેમાં પ્રથમ ક્રમે આવે વીસાવદર અને બીજા ક્રમે ગોંડલ ! વીસાવદરમાં 65 ટકા મતદારો પટેલ છે. ગોંડલમાં 52 ટકા. નરેન્દ્ર મોદીનો સૂર્ય મધ્યાહને તપતો હતો ત્યારે તેમની વિરૂદ્ધમાં ગુજરાત પરિવર્તન પાર્ટીના બેનર હેઠળ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ વીસાવદરથી ચૂંટાઈ આવ્યા હતાં. કંઈક આવી જ ગણતરીએ જીપીપી ઉભી કરનારા પૂર્વ ગ્રહ રાજયમંત્રી ગોરધન ઝડફિયાએ ગોંડલની બેઠક પર પસંદગી ઉતારી હતી. ગોંડલમાં દરબારોનાં મતો કેવળ 7900 છે જયારે પટેલોનાં 65000 અને અન્ય સમાજનાં પણ 60,000 જેટલા મતો છે. જો કે આ બેઠક પર ગોરધનભાઈ સામે જયરાજસિંહ જાડેજા જીતી ગયા એનું કારણ જુદું હતું. જયરાજસિંહે મતદારોને ભારપૂર્વક કહ્યું હતું કે જ્ઞાતિ નહીં પક્ષ સામે જોવાનું છે. પાણીમાં રહીને મગર સાથે વેર બાંધવામાં નહીં માનનારા પટેલ સમુદાયે કહ્યું માન્યું અને રિઝર્લ્ટ જુદું એટલે કે ભાજપની ફેવરમાં આવ્યું પરંતુ અહી ભાજપની શાખ કરતાંય જયરાજસિંહની ધાક વધુ કામે લાગી હોવાનું સહુ સ્વીકારે છે. ત્યારથી આજપર્યંત ગોંડલ વિધાન સભાની બેઠક ભાજપા માટે ખટકા સમાન બની ગઈ હતી કેમ કે પટેલોના પ્રભુત્વ છતાં અહી પટેલને ઉમેદવારી કરાવી શકવી સંભવ નહોતી. વચ્ચે 2007માં ચંદુભાઈ વઘાસીયા પણ એનસીપીમાંથી અપક્ષ ચૂંટાયા હતાં.
ભાજપ પાસે આ સ્થિતિ સહન કર્યેં છુટકો હતો પરંતુ પક્ષનું સૂકાન સી.આર.પાટીલે સંભાળતાં જ પક્ષની રણનીતિ અને કાર્યશેલી પણ બદલાઈ ગઈ. બલ્કે વધુ આક્રમક બની પટેલ સમાજને આશ્ર્વાસન મળે તે માટે ગોરધનભાઈ ગડફીયાને વિશેષ-સાથે રાખી સૌરાષ્ટ્ર-યાત્રા કાઢવામાં આવી. આમપણ ગોંડલના વતની અને અમિતભાઈ શાહના ખાસમ ખાસ એવા રમેશભાઈ ધડૂક પોરબંદરના સાંસદ બન્યા ત્યારે જ પક્ષે મન બનાવી લીધું હતું કે ગોંડલની બેઠક પરથી લેઉલા પટેલ સમાજના ઉમેદવારને જ લડાવવા, આ માટે જયરાજસિંહ જાડેજાને સમજાવવા સહેલા હતા પરંતુ અનિરૂદ્ધસિંહ જાડેજાને મનાવવા કોઈનું ગજૂં ન્હોતું કેમ કે અનિરૂદ્ધસિંહ પણ પોતાના પુત્રને ચૂંટણી લડાવવા ઝ-ઝૂમતા હતાં. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ પૂણ્યતિથિએ અનિરૂદ્ધ સિંહે પાઠવેલી ફુલપેજ અખબારી શ્રદ્ધાંજલિને પણ એ રીતે જ જોવામાં આવી હતી. આખરે રૂપાણી સરકાર એકશનમાં આવી અને અનિરૂદ્ધસિંહ જાડેજાની વાડીએ જૂગારની રેડથી માંડી સુરતના ખંડણી કાંડ જેવા કિસ્સા બન્યા, અને સ્થિતિ એવી બે-કાબૂ બની કે સોશિયલ મીડિયામાં અનિરૂધ્ધસિંહના સમર્થનની રીતસર ઝુંબેશ શરૂ કરવામાં આવી. અનિરૂદ્ધસિંહે ભાજપાને જૂનાગઢ નગરપાલિકામાં સત્તા અપાવવામાં કિંમતી જવાબદારી લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હોવા છતાં ભાજપાએ આક્રમક વલણ અખત્યાર કરતા સમૂચા સૌરાષ્ટ્રમા ચકચાર મચી છે અને ભારેલો અગ્નિ ગમ્મે ત્યારે ભભૂકી ઉઠે તેવી પૂરી શકયતા છે શાયદ એ જએંધાણે ગુજરાત સરકારે કાયદો- વ્યવસ્થાને વધુ ચૂસ્ત દુરસ્ત કરવા માડયો લાગે છે. જમીન-જાગિર પચાવી પાડનારા સામે લેન્ડ ગ્રેબિંગ એકટ જાહેર કર્યાના ગણતરીના જ દિવસોમાં ગઈકાલે (શનિવારે) જુગાર, સાયબર ક્રાઈમ,નાણા ધિરધાર અને ગેરકાયદે હપ્તા વસુલી વગેરે સામે પાસાનું શસ્ત્ર ઉગામવાનો નિર્ણય પણ આ જ નજરે જોવામાં આવી રહ્યો છે.
વધુ કડક પાસાસ્ત્ર કોના પર વિંઝાશે?
હવે ગુજરાતમાં જુગાર-સાયબર ક્રાઇમ-નાણાં ધિરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા તેમજ સ્ત્રીઓની જાતિય સતામણી જેવા ગુના આચરનારાઓ સામે પાસાના કડક કાયદાનો અમલ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ગુનેગારો સામે કડક હાથે કામ લેવા નિર્ધાર કર્યો છે. પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી-મહત્વપૂર્ણ સુધારા કરાશે. હવે જુગારની પ્રવૃત્તિ કરવી, સાયબર ક્રાઇમ આચરવા, નાણાં ધિરનાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા શારીરિક હિંસા, ધાક ધમકી આપવી, જાતિય સતામણી કરવી જેવા ગુના કરનાર તત્વો સામે પાસાનું શસ્ત્ર રાજ્ય સરકાર અપનાવશે.
અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનેગારો સામે સખ્તાઈથી કામ લેવા પાસાના કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓના વટહુકમની દરખાસ્ત મુખ્યમંત્રી મંત્રીમંડળની આગામી બેઠકમાં કરશે. જે અંતર્ગત જુગારનો અડ્ડો ધરાવનારા વ્યકિત સામે કાર્યવાહી થશે. આઈટી એક્ટ જોગવાઇઓ વિરૂદ્ધની સાયબર ક્રાઇમ પ્રવૃત્તિઓ કરનારાઓને સાયબર ઓફન્ડર ગણી સજા થશે. જાતિય ગુનાઓ સંદર્ભે નપોકસોથના કાયદા અન્વયે કાર્યવાહી હાથ ધરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની શાંત, સલામત અને સુરક્ષિત રાજ્યની આગવી ઓળખને વધુ સુદ્રઢતાથી આગળ ધપાવવાની નેમ સાથે નપાસાથ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો છે.પાસા કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને હવે સાયબર ક્રાઇમ આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસુલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી, જાતિય ગુનાઓ-જાતિય સતામણી જેવી અસાસાજિક પ્રવૃત્તિઓને પણ આવરી લઇ આવા ગૂનેગારોને કડક સજા માટે નપાસાથ એકટમાં સુધારાઓ કરવાનું શસ્ત્ર અપનાવવાનો અડગ નિર્ધાર કર્યો છે.