નાગરિક ઉડ્ડયન વિભાગે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કેસ્ટ્રેલ એવિએશન કંપનીની કેદારઘાટીની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો
કેદારનાથ ધામમાં ગઇકાલે પાયલોટની સમજદારીથી મોટી દુર્ઘટનાં સર્જાતા રહી ગઈ હતી. જોકે હવે આ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેદારનાથમાં હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગ બાદ કાર્યવાહી કરતાં નાગરિક ઉડ્ડયન વિભાગે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કેસ્ટ્રેલ એવિએશન કંપનીની કેદારઘાટીની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં યાત્રાળુઓની મુશ્કેલીઓ વધી શકે છે.
- Advertisement -
વિગતો મુજબ ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA)ના CEO સી રવિશંકરના જણાવ્યા અનુસાર DGCAને આ અંગે જાણ કરવામાં આવી છે. ગયા વર્ષે પણ આ જ કંપનીના હેલિકોપ્ટરની ટક્કરથી UCADA ફાઇનાન્સ કંટ્રોલર અમિત સૈનીનું મૃત્યુ થયું હતું. ત્યારે પણ કંપનીની સેવાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, કેદાર ખીણની હવાઈ મુસાફરી માત્ર 10 મિનિટની છે પરંતુ પ્રવાસનો સમય હૃદયના ધબકારા વધારે છે. ઘણી વખત ખરાબ હવામાનના કારણે પાયલટને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડે છે. કેદારનાથમાં દિવસભર નવ હેલિકોપ્ટર એક પછી એક ઉડાન ભરે છે. ગુપ્તકાશી હેલિપેડથી કેદારનાથ પહોંચવામાં 10 મિનિટ અને શેરસીથી સાડા સાત મિનિટ લાગે છે.
નોંધનિય છે કે, ગઇકાલે કેદારનાથ ધામમાં સવારે દર્શનાર્થીઓને લઈ ઉડનાર હેલિકોપ્ટરની પાયલોટે શુક્રવારે સવાર 7.05 વાગ્યે ઈમરજન્સી લેન્ડીગ કર્યું હતું. હેલિકોપ્ટરમાં ટેકનિકની પ્રોબ્લેમ થતા પાયલટે ધીરજતાથી સુરક્ષિત હેલિકોપ્ટરનું લેન્ડીંગ કર્યું હતું. જેનાથી 6 લોકોનો જીવ બચી ગયો હતો. હેલિકોપ્ટરે સેરસીથી કેદારનાથ ધામ માટે ઉડ્યું હતું.