અમદાવાદમાં પત્રકારત્વની શરૂઆતનાં પત્રો
અમદાવાદમાં પહેલું મુદ્રણાલય, પહેલું માસિક અને પહેલું વર્તમાનપત્ર શરૂ કરનાર હતી, વર્નાક્યુલર સોસાયટી
- Advertisement -
ગુજરાતી પત્રકારત્વના ઉદભવ બાદ અમદાવાદમાં અખબારો અને સામયિકોની શરૂઆત મોડી થવા પામી હતી. ગુજરાતી પત્રકારત્વની પ્રથમ સદીમાં અમદાવાદ મુખ્યત્વે સામયિકોનું કેન્દ્ર રહ્યું હતું. અહીં અખબારોનો વિકાસ મંદ રહ્યો હતો. જો ગુજરાતી પત્રકારત્વના પ્રથમ સદીના ઈતિહાસનો અભ્યાસ કરીએ તો અમદાવાદમાંથી સામયિકોની તુલનાએ અખબારો બહું જ ઓછા બહાર પડતા હતા. આજે ભલે અમદાવાદ ગુજરાતી પત્રકારત્વમાં પ્રમુખસ્થાન ધરાવતું હોય, ગુજરાતી મીડિયાનું મુખ્યકેન્દ્ર બની ગયું હોય પરંતુ આજથી દોઢ સદી અગાઉ અમદાવાદ હજુ પત્રકારત્વના ક્ષેત્રમાં પાપાપગલી કરતું હતું. ગુજરાતી પત્રકારત્વના શરૂઆતના તબક્કામાં અહીંથી કોઈ મોટા – માતબાર અખબારો – સામયિકો પ્રગટ થતા ન હતા. હા, અમદાવાદ સાહિત્ય વિષયક સામયિકના પ્રકાશનમાં ચોક્કસથી અગ્રેસર રહેતું આવ્યું છે.
અમદાવાદમાં પહેલું મુદ્રણાલય, પહેલું માસિક અને પહેલું વર્તમાનપત્ર શરૂ કરનાર વર્નાક્યુલર સોસાયટી હતી. 1849માં અહીંથી પ્રથમ પત્ર અમદાવાદ વર્તમાનપત્ર પ્રસિદ્ધ થવાનું શરૂ થયું હતું. અમદાવાદ સોસાયટી વતી અમરેશ્ર્વર કુબેરદાસ દ્વારા આ પત્ર દર બુધવારે પ્રગટ થતું હોવાથી બુધવારીયું કહેવાતું હતું. અમદવાદ વર્તમાનપત્રનું વાર્ષિક લવાજમ છ રૂપિયા હતું અને તેની 125 નકલ બહાર પડતી હતી. અમદાવાદ વર્તમાનપત્ર બાદ બીજું એક પત્ર મોહનલાલ ઘેલશાનું ખબરદર્પણ હતું. ખબરદર્પણ એ સામયિક હતું જે મંગળવાર અને શનિવાર એમ અઠવાડિયામાં બે વાર પ્રસિદ્ધ થતું હતું. 1854માં લલ્લુભાઈએ શમશેર બહાદુર બહાર પાડ્યું હતું. અમદાવાદમાં જ 1860થી લલ્લુ સૂરચંદનું અઠવાડિક પત્ર અમદાવાદ સમાચાર અને 1863થી સરૂપચંદ દલીચંદનું પત્ર પ્રજાભિલાષ શરૂ થયું હતું, તેનું વાર્ષિક લવાજમ પાંચ રૂપિયા હતું. ગુજરાતી પત્રકારત્વના ઉદભવ બાદ અમદાવાદમાંથી પ્રારંભ થયેલા આ પત્રો અલ્પજીવી હતા, તેની ખાસ ગણના થઈ નથી. અમદાવાદમાંથી 1854માં શરૂ થયેલું બુદ્ધિપ્રકાશ સામયિક ગુજરાતી પત્રકારત્વમાં નોંધપાત્ર રહ્યું હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી – ગુજરાત વિદ્યાસભાનું મુખપત્ર એટલે બુદ્ધિપ્રકાશ. 1850માં બુદ્ધિપ્રકાશ નામના એક મંડળે બુદ્ધિપ્રકાશ નામથી જ એક ચોપાનિયું બહાર પાડ્યું હતું. એ 16 પાનાંનું પાક્ષિક હતું, તેની કિંમત દોઢ આનો હતી અને તે લિથોમાં છપાતું હતું. આ બુદ્ધિપ્રકાશ લાંબુ ન ચાલ્યું અને બંધ પડ્યું, ત્યારબાદ સોસાયટીના સહારે 1854માં વિદ્યાભ્યાસક મંડળે તે પ્રસિદ્ધ કર્યું. બુદ્ધિપ્રકાશ પાક્ષિકમાંથી માસિક બન્યું. આ માસિકનું વાર્ષિક લવાજમ આગોતરા ગ્રાહકો માટે પોણો રૂપિયો હતું અને પાછળથી ગ્રાહક થાય તેને માટે દોઢ રૂપિયો હતું. બુદ્ધિપ્રકાશ માસિક નિયમિત રીતે ચલાવવાની જવાબદારી મંડળને ભારે પડવા માંડી એટલે ખુદ સોસાયટીએ જ તે માસિક પોતાને હસ્તક લીધું અને તેનું સંપાદનકાર્ય તે વખતના સોસાયટીના સહાયક મંત્રી હરિલાલ મોહનલાલને સોંપ્યું,
હરિલાલ મોહનલાલ બાદ મગનલાલ વખતચંદે તેનું તંત્રીપદ સંભાળ્યું અને અંતે 1855માં દલપતરામે બુદ્ધિપ્રકાશનું તંત્રીપદ સંભાળી લીધું હતું.
1862માં મહિપતરામ રૂપરામ નિલકંઠે શિક્ષણને લગતું સરકારી સામયિક ગુજરાત શાળાપત્ર અમદાવાદ વર્નાક્યુલર કોલેજમાંથી પ્રકાશિત કર્યું હતું
- Advertisement -
વર્તમાન સમયમાં ગુજરાતી પત્રકારત્વની કલ્પના
અમદાવાદનાં પત્રકારત્વ વિના કરવી અશક્ય છે, સૌરાષ્ટ્રના પત્રકારત્વ બાદ અમદાવાદનું પત્રકારત્વ ગુજરાતી પત્રકારત્વની દશા અને દિશા ઘડી રહ્યું છે
હરિલાલ મોહનલાલ બાદ મગનલાલ વખતચંદે તેનું તંત્રીપદ સંભાળ્યું અને અંતે 1855માં દલપતરામે બુદ્ધિપ્રકાશનું તંત્રીપદ સંભાળી લીધું હતું.
1862માં મહિપતરામ રૂપરામ નીલકંઠે શિક્ષણને લગતું સરકારી સામયિક ગુજરાત શાળાપત્ર અમદાવાદ વર્નાક્યુલર કોલેજમાંથી પ્રકાશિત કર્યું હતું. શિક્ષણ અને કેળવણીના પ્રશ્નોની ચર્ચા કરવા, શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધો વિકસાવવા, શિક્ષણક્ષેત્રે થતાં સંશોધનો અને નવા પ્રયોગોની શિક્ષકોને જાણકારી આપવા માટે મુંબઈ સરકારના શિક્ષણખાતા દ્વારા ગુજરાત શાળાપત્ર સામયિકનો પ્રારંભ થયો હતો. ડેમી કદના આ પત્રના મુખપૃષ્ઠ પર શિક્ષકની ફરજ સમજાવતો નવલરામે લખેલો દોહરો છપાતો તેમજ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં સામયિકનું નામ અને અનુક્રમ છપાતાં હતા. 1870માં આ પત્રનું તંત્રીપદ કેળવણી ખાતાએ નવલરામને સોંપ્યું હતું. 30 રૂપિયાનું વાર્ષિક મહેનતાણું લઈને તંત્રીપદ સંભાળનાર નવલરામ ગુજરાત શાળાપત્રનો ઘણીવાર આખોય અંક લખી નાખતા. શિક્ષકો અને વિદ્યાર્થીઓને લગતા સંખ્યાબંધ લેખો ગુજરાત શાળાપત્રમાં પ્રગટ થયેલા હતા. ગુજરાત શાળાપત્ર મૂળ તો 1862માં અમદાવાદમાંથી શરૂ થયેલું હતું. 1876માં નવલરામ રાજકોટ આવ્યા અને 1888માં તેમનું અવસાન થયું ત્યાં સુધી ગુજરાત શાળાપત્ર રાજકોટથી બહાર પડતું રહ્યું હતું.
અમદાવાદથી 1871માં માસિકમિત્ર નામનું માસિક પ્રગટ થવાનું શરૂ થયું હતું. નામ મુજબ આ પત્ર માસિક હતું અને તેનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું હતું. માસિકમિત્ર મેળવવા માટે બહારગામના વાંચકોને 12 આના ટપાલ ખર્ચ વધુ ચૂકવવો પડતો હતો. કાયદા, કેળવણી અને સાધારણ સરકારી ઠરાવ સંબંધિત માહિતીઓ ફેલાવવાના હેતુસર માસિકમિત્ર બહાર પાડવામાં આવતું હતું. એ જ રીતે ખેતી વિષયક માહિતીના ફેલાવા માટે 1879માં ખેડા ખેતીવાડી પત્ર નામનું ચોપનીયું અમદાવાદથી પ્રસિદ્ધ કરવામાં આવતું હતું. ખેડા ખેતીવાડી પત્રમાં ખેડૂત અને ખેતી વિષયક લેખો છપાતા હતા, આ પત્ર અમદાવાદ અને આસપાસના ગામના ખેડૂતો માટે ખૂબ ઉપયોગી બની રહ્યું હતું. તો અમદાવાદથી જ 1902માં આનંદશંકર ધ્રુવે સાહિત્યિક સામયિક વસંત શરૂ કર્યું હતું. વસંતનો ઉદ્દેશ ગુજરાતી વાંચકોમાં સાહિત્ય અને ભાષાની જાણકારીને મજબૂત બનાવવાનો હતો. ગુજરાતી સાહિત્યિક સામયિક ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતા વસંતે ગુજરાતી ગદ્યના વિકાસમાં નોંધપાત્ર નામના મેળવી હતી. વસંતમાં વિજ્ઞાન વિષયક લેખો પ્રકાશિત કરવામાં આવતા હતા. કેટલાંક વર્ષો બરાબર ચાલ્યા બાદ વસંતનું પ્રકાશન અનિયમિત થઈ ગયું હોવાથી 1936માં એ ત્રૈમાસિક બન્યું અને 1939માં એનું પ્રકાશન બંધ થઈ ગયું હતું.
રામમોહનરાય જસવંતરાય દેસાઈના તંત્રીપદે 1904માં સુંદરી સુબોધ માસિક શરૂ થયેલું હતું. આ સામયિક અમદાવાદના બંધુસમાજનું મુખપત્ર હતું. સ્ત્રીસમાજની નિરાશાજનક અને અજ્ઞાનભરી સ્થિતિને સુધારવાના લક્ષ્યાંકથી બંધુસમાજે સુંદરી સુબોધ શરૂ કર્યું હતું. સુંદરી સુબોધનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા અને આઠ પૈસા હતું. સુંદરી સુબોધ સામયિકના પ્રથમ પૃષ્ઠ ઉપર સ્ત્રી ઉન્નતિ માટેના સાહસિક ગોવર્ધન ત્રિપાઠીના વિચારો ઘણા વર્ષો સુધી પ્રસિદ્ધ થતા રહ્યા હતા. સુંદરી સુબોધમાં સ્ત્રીઓને અનુકૂળ આનંદદાયક, સદબોધક વાચનસામગ્રી પ્રકાશિત કરવામાં આવતી હતી. આ સામયિકની વિશિષ્ટ વાત એ હતી કે, તેમાં સ્ત્રીઓને લેખ, કાવ્ય અને અનુભવ લખી મોકલવાની અપીલ કરવામાં આવતી હતી. આ સાથે જ જુદીજુદી લેખન સ્પર્ધા દ્વારા સ્ત્રીઓને લખવા માટે પ્રેરણાદાયી વાતાવરણ ઊભું કરવામાં આવતું હતું. મહિલા વાંચકો પણ સુંદરી સુબોધમાં પોતાના લખાણ મોકલતી હતી, અનેક સ્ત્રીઓનાં લખાણો આ સામયિકમાં આવતા હતા. 1907માં બ્રહ્મક્ષત્રિય ત્રિમાસિક પત્ર, 1909માં બુદ્ધિપ્રભા સામયિક, 1913માં ભાગ્યોદય માસિક, 1915માં ધર્મપ્રકાશ સામયિક, 1919માં ડાહ્યાભાઈ મનોરદાસ પટેલનું સેવક સામયિક અમદાવાદમાંથી બહાર પડતા હતા. આ સિવાય આજે સો વર્ષનો પ્રકાશનકાળ વટાવી ચૂકેલું નવચેતન સામયિક પણ 1922માં અમદાવાદમાંથી જ બહાર પડવાનું શરૂ થયું હતું. ભારતના મેન્ચેસ્ટર તરીકે ખ્યાતિ પામેલાં અને સાબરમતીના કિનારે આવેલાં અમદાવાદ શહેરની ભૂમિએ ઘણા પત્રકારો – લેખકોને જન્મ આપ્યો છે તો બધા લેખકો – પત્રકારોને ઘડવામાં પણ સારો એવો ભાગ ભજવ્યો છે. વર્તમાન સમયમાં ગુજરાતી પત્રકારત્વની કલ્પના અમદાવાદના પત્રકારત્વ વિના કરવી અશક્ય છે, સૌરાષ્ટ્રના પત્રકારત્વ બાદ અમદાવાદનું પત્રકારત્વ ગુજરાતી પત્રકારત્વની દશા અને દિશા ઘડી રહ્યું છે.
વધારો : ગુજરાતી પત્રકારત્વની પ્રથમ સદીમાં અમદાવાદમાં અખબારોનો વિકાસ મંદ રહ્યો હોવા પાછળનું એક કારણ એ પણ છે કે, અહીં મુંબઈ અને સૌરાષ્ટ્રમાંથી પત્રો આવતા હતા. અહીંની આબોહવામાં પણ સમાચાર કરતા સાહિત્ય વધુ ફેલાયેલું હતું. વેપાર અને વાણિજ્યના આ શહેરમાં વેપારીઓ – ઉદ્યોગપતિઓને કાગળ કરતા કાપડના ધંધામાં વધુ રસ રહ્યો હતો. શિક્ષિત અને સમૃદ્ધ અમદાવાદીઓનો અખબારો કરતા સામયિકો પ્રત્યે ઝોક વધુ રહેતો આવ્યો છે. સમયની સાથે અમદાવાદના પત્રકારત્વમાં સાહિત્ય ભળ્યું એટલે આઝાદીકાળ આસપાસ અહીંથી નવા બહાર પડવાના શરૂ થયેલા અખબારો સચવાઈ ગયા અને સમગ્ર રાજ્યમાં સ્વીકૃત બન્યા. હવે મોટા ગજાના દર બીજા-ત્રીજા બિઝનેસમેન અમદાવાદના મીડિયામાં ઝંપલાવી રહ્યા છે. અત્યારે અમદાવાદ ગુજરાતી પત્રકારત્વમાં અવ્વલ દરજ્જો ધરાવતા અખબારો, સામયિકો, રેડિયો અને ન્યૂઝ ચેનલ્સનું હબ બની ચૂક્યું છે. એક સમયે જે અમદાવાદમાંથી કોઈ ખાસ અખબાર બહાર પડતું નહતું તે અમદાવાદમાં આજે દરેક આમ ઔર ખાસ અખબારથી લઈ સામયિકો, રેડિયો અને ન્યૂઝ ચેનલ્સનું કાર્યાલય આવેલું છે.