ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
2024 લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે આવકવેરા વિભાગે તેના તમામ બેંક ખાતા સીઝ કરી દીધા છે અને કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે તે હવે ચૂંટણી પ્રચાર માટે પૈસાની ગંભીર અછતનો સામનો કરી રહી છે. પાર્ટીને આવકવેરા રિટર્ન ન ભરવા બદલ રૂ. 3567 કરોડની નોટિસ ફટકારાઈ હતી. દરમિયાન કોંગ્રેસ બાદ વધુ બે રાજકીય પક્ષો આવકવેરા વિભાગ(ઈંઝ) ના રડાર પર છે. આઈટી વિભાગ તેમને ટૂંક સમયમાં નોટિસ ઈશ્યુ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. સહકારી બેંકોમાં જમા કરાયેલા 380 કરોડ રૂપિયા અંગે આ બંને પક્ષો સામે તપાસ ચાલી રહી છે.
- Advertisement -
અહેવાલ મુજબ, આ મામલો તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના બે પ્રાદેશિક પક્ષોને લગતો છે. તેમના પર નાણાકીય વર્ષ 2020-21 અને 2022 દરમિયાન સહકારી બેંકોમાં 380 કરોડ રૂપિયા જમા કરાવવાનો અને તેમના ટેક્સ રિટર્ન ભરવાનો આરોપ છે. આવકવેરા વિભાગે આ બંને પક્ષો સામે તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આ મામલે નોટિસ પણ જારી કરવામાં આવી શકે છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “બંને પક્ષો દ્વારા સહકારી બેંકોમાં જમા કરવામાં આવેલી રકમમાં કેટલીક અનિયમિતતાઓ મળી આવી છે. તેથી તેની તપાસ કરવામાં આવી રહી છે.” આઈટી વિભાગ અગાઉના વર્ષોમાં આ બંને પક્ષો દ્વારા કરવામાં આવેલા વ્યવહારોની પણ તપાસ કરી રહ્યું છે. આ બંને પક્ષોના નામ જાહેર થઈ શક્યા નથી પરંતુ એવું ચોક્કસ જાણવા મળ્યું છે કે આ પક્ષો તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ સાથે સંકળાયેલા છે.આઇટી તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિભાગ કોંગ્રેસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે નહીં. ITએ કહ્યું કે તે ચૂંટણી દરમિયાન કોઈપણ પક્ષ માટે મુશ્કેલી ઊભી કરવા માગતા નથી.
આ કેસની સુનાવણી જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચમાં થઈ હતી. વિભાગની દલીલ બાદ સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી જુલાઈ માટે નક્કી કરી છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ આવકવેરા વિભાગે કોંગ્રેસને નવી નોટિસ આપી હતી, જેમાં વર્ષ 2014થી 2017 માટે 1745 કરોડ રૂપિયાના ટેક્સની માગ કરવામાં આવી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, 2014-15 માટે 663 કરોડ રૂપિયા, 2015-16 માટે 664 કરોડ રૂપિયા અને 2016-17 માટે રૂપિયા 417 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ કોંગ્રેસને મોકલવામાં આવી છે. કોંગ્રેસ સાથે સંકળાયેલા સૂત્રોનો દાવો છે કે IT વિભાગે રાજકીય પક્ષોને આપવામાં આવતી ટેક્સ રિબેટ નાબૂદ કરી દીધી છે અને સમગ્ર કલેક્શન માટે પાર્ટી પર ટેક્સ લાદ્યો છે.
- Advertisement -
અહેવાલો એમ પણ કહે છે કે તપાસ એજન્સીએ દરોડામાં કોંગ્રેસના નેતાઓ પાસેથી જપ્ત કરાયેલ ડાયરીઓમાં ત્રીજા પક્ષકારો દ્વારા કરવામાં આવેલી એન્ટ્રીઓ પર પણ ટેક્સ લાદ્યો છે.