એ પુરુષ કેવી રીતે કોઈને મરાવી શકે કે મારી શકે ?
કથામૃત
અમેરિકામાં ગૃહયુદ્ધની આગ લાગી હતી તે સમયની આ વાત છે. અબ્રહામ લિંકન તે સમયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા. આખો દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો, સરકાર સમર્થક અને સરકાર વિરુદ્ધ.
એક દિવસ લિંકન આ ગૃહયુદ્ધમાં ઘાયલ થયેલા સરકાર સમર્થક લોકોની ખબર પૂછવા માટે ઘાયલ લોકોની જ્યાં સારવાર ચાલી રહી હતી ત્યાં આવ્યા. લિંકન ઘાયલ સૈનિકો અને લોકોને રૂબરૂ મળ્યા અને એમની રાષ્ટ્રભક્તિની પ્રશંસા કરી તથા તેઓ ખૂબ જલ્દી સ્વસ્થ થઈ જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરીને શુભેચ્છાઓ પાઠવી. રાષ્ટ્રપ્રમુખ છાવણીની મુલાકાતે આવ્યા એટલે આખી છાવણીમાં ચેતના આવી ગઈ.
બીજી છાવણીમાં સરકારનો વિરોધ કરનારા ઘાયલ થયેલા લોકો હતા. લિંકને સાથે રહેલા અધિકારીઓને કહ્યું કે મારે એ છાવણીની મુલાકાતે પણ જવું છે. સેનાના અધિકારીએ એમને રોકતા કહ્યું કે ’ એ છાવણીમાં એવા લોકો છે જે તમારા અને દેશના દુશ્મન છે. તમારે ત્યાં ન જવું જોઈએ.’ લિંકને એ અધિકારી સામે જોઇને કહ્યું, ’ એ છાવણીમાં કોણ છે એની મને ખબર છે અને એટલે જ માટે એ લોકોના ખબર પૂછવા જવું છે.’
અબ્રાહમ લિંકન એમની સરકારનો વિરોધ કરનાર લોકોની છાવણીમાં આવી પહોંચ્યા. બધાના ખબર અંતર પૂછ્યા અને એમની સારવારમાં કોઈ કચાશ ન રહે તેવી વ્યવસ્થા કરવા માટે સૂચના આપી. ઘાયલ લોકોને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે પણ યોગ્ય વ્યવસ્થા કરાવી. રાષ્ટ્રપ્રમુખને પોતાની છાવણીમાં જોઈને વિરોધી લોકોને આશ્વર્ય થયું અને એમાં પણ જ્યારે લિંકને એમની સારવાર અને ભોજન અંગે સૂચનાઓ આપી ત્યારે બધા આભારવશ બનીને ગદગદ થઈ ગયા.
લિંકન જ્યારે છાવણીમાંથી બહાર આવ્યા ત્યારે એક વૃદ્ધા લિંકન પાસે પહોંચી ગઈ અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું , ’સરકારનો વિરોધ કરનારા લોકોને તમે કેમ મળ્યા ? જેને ખતમ કરી દેવા જોઈએ એને સાજા કરવા માટેની સુચનાઓ તમે કેમ આપી ?’ લિંકને બહુ પ્રેમથી એ વૃદ્ધાને કહ્યું, ’માં તમારી વાત સાથે હું 100% સહમત છું. એ આપણાં શત્રુઓ છે અને શત્રુઓને ખતમ જ કરવા જોઈએ. પરંતુ હું શત્રુને ખતમ કરવાને બદલે શત્રુતાને ખતમ કરવા માંગુ છું. જો શત્રુતા જ નહિ હોય તો શત્રુઓ ક્યાં રહેવાના ?’
- Advertisement -
બોધામૃત
તમારા વિરોધીઓ તમારો સહયોગ કરવા માંડે અને તમારા શત્રુઓ તમારા મિત્ર બની જાય, એનાથી મોટી ઉપલબ્ધી બીજી કઈ હોઈ શકે ? માણસ દરેક શરીરમાં રહેલા આત્માને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવ્યય માનતો હોય, તો ક્યારેય કોઈને મારવાનો વિચાર સુદ્ધા ન આવે.
અનુભવામૃત
નબળો માણસ ક્યારેય માફી ન આપી શકે. માફ કરવું એ શુરવીરની નિશાની છે.
-ગાંધીજી