ગામડાઓમાં કિટની અછતને કારણે ટેસ્ટિંગ અટકી પડ્યા છે
રાજકોટમાં 24 કલાકમાં 57 દર્દીના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 66 દર્દીના મોત થયા હતા. જે પૈકી 23 દર્દીના કોરોનામાં મોત થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું હતું. શહેરમાં આજે બપોર સુધીમાં 148 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 33052 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4180 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 702 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જરૂર ન હોવા છતા માગ કરતી 14 હોસ્પિટલના ઓક્સિજન સપ્લાયમાંથી વહીવટી તંત્રએ નામ કટ કર્યા છે
- Advertisement -
ડોક્ટર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
રેજન્સી લગૂન હોટલમાં ડો.કે.કે.રાવલના દિકરાના લગ્નમાં 50થી વધુ લોકોને ભેગા કરતા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે હોટલ માલિક, સંચાલકો અને ડોક્ટર સહિતનાઓ પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ રેસકોર્સ રિંગ રોડ પર વહેલી સવારે લારીઓ પર સુપ, કઠોળ તથા અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરી ભીડ એકઠી કરતા 9 શખ્સ વિરૂદ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
14 હોસ્પિટલને ઓક્સિજન પુરો પાડવામાંથી બાકાત કરવામાં આવી
રાજકોટમાં ઓક્સિજનની જરૂર ન હોવા છતાં માગ કરતી 14 હોસ્પિટલ સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. 14 હોસ્પિટલને ઓક્સિજન પુરો પાડવામાંથી બાકાત કરવામાં આવી છે. બે દિવસ પહેલા 102 હોસ્પિટલને ઓક્સિજનનો પુરવઠો આપવામાં આવ્યો હતો. છતાં 14 હોસ્પિટલ પાસે ઓક્સિજન હોવા છતાં માગ કરી હતી. વહીવટી તંત્રએ 14 હોસ્પિટલના નામ કટ કર્યા છે. હવે 88 હોસ્પિટલને પુરવઠો આપવામાં આવી રહ્યો છે. બીજી તપ ઓક્સિજનની સ્થિતિ ધીમે ધીમે થાળે પડતી હોવાનો તંત્રએ દાવો કર્યો છે.
ગામડાઓમાં કિટની અછતથી ટેસ્ટિંગ અટકી પડ્યા
કિટની અછતને લઇ અનેક ગામોમાં ટેસ્ટિંગ અટકી પડ્યા છે, તો બીજી તરફ શાસક પક્ષના લોકો પોતાના મત વિસ્તાર માટે જ જાણે કામ કરી રહ્યા હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. આ કિસ્સામાં જિલ્લા પંચાયતના પ્રમુખ પણ બાકાત રહ્યાં નથી. આ મુદ્દે તેમની સાથે વાત કરાતા તેઓએ જણાવ્યું હતું કે, હાલ કિટની અછત સો ટકા વર્તાઈ રહી છે, ત્યારે અમારે અમારા ગામના લોકો કે જેમને મત આપી અમને દાન આપ્યું છે, ત્યારે અમારે પણ તેમનું ઋણ ચૂકવવું પડે. હા,રાજકીય લોકો અત્યારે લાચાર છે એટલે જ અમારે નબળી વાત કરવી પડે છે અને કિટ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે અન્ય સામે હાથ પણ લંબાવો પડે છે.
- Advertisement -
કુવાડવા ગામે ઔદ્યોગિક એકમોએ ટેસ્ટિંગ કિટ માટે આગળ આવવું જોઈએ
રાજકોટ જિલ્લામાં ટેસ્ટિંગ પર્વ તો શરૂ થયો પણ જે ગતિએ ચાલવું જોઈએ તે ચાલી શક્યું નથી, બીજી તરફ જિલ્લાના 11 તાલુકામાંથી ઘણા એવા તાલુકા છે, જ્યાં ટેસ્ટિંગ કિટની અછત સતત જોવા મળી રહી છે, જે અંગેની રજૂઆત કરવા છતાં હજુ સુધી કિટનો પૂરતો જથ્થો મળ્યો નથી. આ તકે કુવાડવા ગામની સ્થિતિ દિન-પ્રતિદિન બગડી રહી છે, ટેસ્ટિંગ કિટનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખે લાચારી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કુવાડવા ખાતે ઘણા ઔદ્યોગિક એકમો આવ્યા છે, ત્યારે તંત્રની સાથે તેના સંચાલકોએ પણ આગળ આવવું જોઈએ જેથી આ તકલીફમાંથી ગામ બહાર નીકળી શકે, પરંતુ આ સ્થિતિમાં પણ જો પંચાયતના પ્રમુખ લાચારી વ્યક્ત કરતા હોય તો ગામના સભ્યો શું કાર્ય કરી શકશે. તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. કુવાડવા મુકામે ટેસ્ટિંગ કીટ અને ઓક્સિજનના અભાવથી છેલ્લા 10 થી 12 દિવસમાં ઘણાંખરાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.