સવારે ભાષાનું અને બપોરે વિષયવસ્તુ-પદ્ધતિ શાસ્ત્રનું પેપર લેવાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પાંચ જિલ્લામાં ટાટ માધ્યમિકની મેઈન્સની પરીક્ષા લેવાશે. રાજકોટમાં 15957 ઉમેદવાર આ પરીક્ષા આપવાના હોય 58 કેન્દ્ર અને 460 બ્લોકમાં વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાના ઉમેદવારોને પણ રાજકોટમાં કેન્દ્ર ફાળવાયું છે.
- Advertisement -
રાજ્યમાં અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, સુરત, રાજકોટ અને વડોદરા એમ પાંચ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટમાં 15957 સહિત રાજ્યમાં 60 હજારથી વધુ ઉમેદવારો ટાટ મેઈન્સની પરીક્ષા આપશે. જેમાં સૌથી વધુ ઉમેદવારો ગુજરાતી માધ્યમના હોવાનું જાણવા મળ્યું છે. આ પરીક્ષામાં બે પેપર રાખવામાં આવ્યા છે. જેમાં પેપર-1 ભાષા ક્ષમતાનું રહેશે. 100 ગુણનું આ પેપર સવારે 10-30થી 1 વાગ્યા દરમિયાન લેવાશે. જ્યારે 100 ગુણનું પેપર-2 વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનું રહેશે. આ પેપર બપોરના 3થી 6 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ માધ્યમિકની પ્રિલિમ પરીક્ષા 4 જૂને યોજાઈ હતી. જેમાં પાસ થનારા ઉમેદવાર માટે હવે 25 જૂને મેઈન્સની પરીક્ષા લેવાશે. રાજકોટમાં કુલ 58 જેટલા કેન્દ્ર પરીક્ષા માટે નક્કી કરવામાં આવ્યા છે જેમાં એક ક્લાસમાં 30 ઉમેદવારને બેસાડવામાં આવશે એવી રીતે કુલ 460 બ્લોકમાં પરીક્ષા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
જે કેન્દ્રમાં પરીક્ષા ગોઠવવામાં આવી છે તેના આચાર્યને કેન્દ્રના સ્થળ સંચાલક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેના માટે આચાર્યોને તાલીમ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન ઓબ્ઝર્વર પણ નિયુકત કરવામાં આવશે. વાવાઝોડાને કારણે અગાઉ 18 જૂને લેવાનારી પરીક્ષા મોકુફ રાખી હતી, જે હવે 25મીએ લેવાશે.



