સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડના હસ્તે યોજનાનો શુભારંભ કરવામા આવ્યો ખેડૂતોને રાત્રે આવવા-જવા માટે પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો – સાંસદ દીપસિંહ રાઠોડ
ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાનો તાજેતરમા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અરવલ્લીના બાયડ ખાતેથી પ્રારંભ કરાવ્યો છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના અન્ય તાલુકાઓને પણ યોજનાનો લાભ મળે તે માટે તબક્કાવાર આયોજન હાથ ધરાયુ છે. જેમા ઈડરમાં આ યોજનાનો પ્રારંભ કરવામા આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ના પ્રાંતિજ ખાતેથી યોજનાને તલોદ-પ્રાંતિજના ધારાસભ્ય ગજેંદ્રસિંહ પરમાર અને સાબરકાંઠા-અરવલ્લી સાસંદ શ્રી દિપસિંહ રાઠોડના હસ્તે ખુલ્લી મુકવામા આવી હતી. પ્રાંતિજ તાલુકાના ૨૦ ગામોના ખેડુતોને ચાર સબ- સ્ટેશનો અને ૧૬ ફિડર દ્રારા ૬.૩૯ મેગાવોટ વિજ પુરવઠો પુરો પાડવામાં આવશે.
આ પ્રસંગે સાંસદ સભ્યશ્રી દીપસિંહ રાઠોડે જણાવ્યું કે, “કિસાન સૂર્યોદય યોજના” નો શુભારંભ થવાથી ખેડૂતોને રાત્રે આવવા જવા માટે પડતી મુશ્કેલીઓનો અંત આવશે. સરકાર ખેડૂતો માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોને પિયત માટે દિવસે વીજળી મળી રહે તે માટેની યોજનાનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રીશ્રી કટોકટીના સમયે ખેડૂતોના પડખે ઊભા રહી તેમની સમસ્યાનું સમાધાન કરે છે. તેમના સિંચાઇ-પાણી-વીજળી સહિતના પ્રશ્નોનું સરળ નિરાકરણ કર્યું છે.
તલોદ-પ્રાંતિજના ધારાસભ્યશ્રી ગજેંદ્રસિંહ પરમારે પ્રાંસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, કિસાન સૂર્યોદય યોજના દ્રારા સરકારે ખેડુતો માટેની સંવેદનશિલતાના દર્શન કરાવ્યા છે. પ્રાંતિજ વિસ્તારના ખેડુતો શાકભાજી અને ફળોની ખેતી માટે જાણીતા છે. હવે દિવસે વિજળી મળવાથી આ ખેડુતો વધુ સારી ખેતી કરી સમૃધ્ધ થશે.
આ કાર્યક્ર્મમાં પ્રાંતિજના અગ્રણીઓ, પ્રાંતિજ મામલતદારશ્રી, શ્રી પી. સી. શાહ – અધિક્ષક ઈજનેર, શ્રી એચ.જે. જોષી કાર્યપાલક ઇજનેર – યુજીવીસીએલ વર્તુળ કચેરી – હિંમતનગર તથા તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.