અમે ક્યારેક પ્રત્યક્ષ મળ્યા નથી, પરંતુ મેસેજીસ દ્વારા સંપર્કમાં રહીએ છીએ. તેઓ અવારનવાર જૂનાગઢનાં વિવિધ સ્થાનોના પિક્સ મોકલતા રહે છે. એ રીતે જૂનાગઢની ભૂમિ સાથેનો મારો ગર્ભનાળનો સંબંધ પુનજીર્વિત થઇ જાય છે.
ગઇકાલે એમણે શ્રી જટાશંકર મહાદેવના ફોટોઝ અને વિડીયો ક્લિપ મોકલ્યાં હતા. એ જોઇને હું 1966-67ના વર્ષમાં પહોંચી ગયો. અમારો પરિવાર અને મારા પિતાના ગાઢ મિત્રનો પરિવાર (કુલ મળીને 11 સભ્યો) જટાશંકર મહાદેવ ગયા હતા. મોટાઓને ભક્તિનું આકર્ષણ હતું, અમારા માટે એ પિકનિક હતી. ચોમાસાના દિવસો હતા. વરસાદની ઝરમર વચ્ચે ગિરનાર પર્વતના ડાબા પડખામાં બિરાજમાન જટાશંકર મહાદેવના અતિ રમ્ય સ્થાનકમાં અમે પહોંચી તો ગયા પણ પછી બારે મેઘ ખાંગા થઇને તૂટી પડ્યા. ધોળા દિવસે અંધારું છવાઇ ગયું. મહાદેવ પર જળપ્રવાહનો અભિષેક અને એ પ્રવાહમાં વહી આવતા લાંબા સર્પોનું દૃશ્ય રોમાંચક અને ડરામણું હતું.
નીચેથી આવેલા એક યુવાન સાધુએ કહ્યું કે, અમે જે માર્ગેથી ઉપર આવ્યા હતા એ માર્ગેથી પાછા ઊતરવું હવે અશક્ય હતું. માર્ગમાં ઠેકઠેકાણે રસ્તો કાપતા ધોધનો વેગીલો પ્રવાહ અમને રોકી શકે તેમ હતો. હવે શું થશે એ કલ્પનામાત્રથી અમે ડરી ગયા હતા.
- Advertisement -
યુવાન સાધુએ કહ્યું, “હું તમને બીજો એક ગુપ્ત માર્ગ બતાવું. નીચે ઊતરવાને બદલે થોડું ઉપર ચડીને જમણી તરફ ચકરાવો લઇને કાચી કેડી પર ચાલીને તમે એ જગ્યા પર પહોંચી શકશો, જે તળેટીથી ગિરનાર પર્વત પર ચડવા માટેનાં પગથિયાંને મળે છે. ત્યાં પહોંચીને તમે પગથિયાં ઊતરીને સલામત રીતે નીચે પહોંચી શકશો પણ જટાશંકર મહાદેવથી પગથિયાં સુધી લઇ જતી કાચી કેડી ખૂબ સાંકડી છે,વરસાદના કારણે ભીની અને ચીકણી થયેલી છે અને ઠેકઠેકાણે લપસી પડવાના જોખમ વાળી છે.”
ઝાઝું વર્ણન કરું તો પાનાંઓ ભરાય. એટલું કહીશ કે એ ઘનઘોર મેઘલી સાંજે અમે અગિયાર જણાં એકની પાછળ એક, ઝાડની ડાળીના સહારે એકબીજાને આધાર આપતાં આપતાં એ ચીકણા માર્ગ પર થઇને કેવી રીતે સલામત સ્થાન પર પહોંચ્યાં એની વાત આજે પણ મનને ધ્રુજાવી મૂકે છે.
વિરાટભાઇએ કહ્યું ત્યારે મને સમજાયું કે અમે જે કેડી પરંથી પસાર થયા હતા એ રસ્તા પર માત્ર સાધુઓ કે સિદ્ધ મહાત્માઓ જ અવરજવર કરતા હતા. માટે જ તેને ગિરનારનું ગુપ્ત દ્વાર કહેવાય છે. જટાશંકર ધર્મસ્થાનમાં અલગ અલગ સમયે નરસિંહ મહેતા, સ્વામી વિવેકાનંદ, શ્રી નાથાભાઇ જોશી, પૂ. ગોપાળાનંદબાપુ અને શ્રી પુનિતાચાર્ય મહારાજ જેવા સિદ્ધો ભક્તિ અને સાધના કરી ગયા છે.
- Advertisement -
સ્કંદ પુરાણમાં આવો ઉલ્લેખ છે: “જટાશંકર જેવા દિવ્ય સ્થાનનું દર્શન અને તેની પાસેથી વહેતી સુવર્ણરેખા નદીમાં કરેલું સ્નાન મનુષ્યને એટલું જ ફળ આપે છે, જેટલું ફળ કનખલ તીર્થમાં ગંગાસ્નાનથી મળે છે. ”
જટાશંકરદાદાનું મંદિર અહીં અનંત કાળથી આવેલું છે. શિવલિંગ જેટલું બહાર છે એનાથી ચૌદ ગણું અંદર છે. વર્ષાઋતુ દરમિયાન ગુફામાં સ્થિત શિવલિંગ પર ગુફાની કોતરોમાંથી જે જળાભિષેક થાય છે તે દૃશ્ય જોવા માટે પણ જિંદગીમાં એક વાર આ સ્થાનની મુલાકાત લેવા જેવી છે.
આ જટાશંકર મહાદેવ અનન્ય ભક્તિ કર્યા બાદ જ ભગવાન શિવજીએ પ્રસન્ન થઇને નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણની રાસલીલામાં ઉપસ્થિત રહેવાનો સંયોગ કરી આપ્યો હતો.