કોર્પોરેશન ઇલેક્શન ભાજપ ભૂતકાળ વાગોળશે, કોંગ્રેસ વર્તમાન દેખાડશે, આપ ભવિષ્ય બતાવશે
ભાજપ વિકાસના મુદ્દે જ મહાનગરપાલિકાની ચૂંટણી લડશે
ભવ્ય રાવલ
કમલેશ મિરાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દા પર જ ચૂંટણી લડવાની છે. ભાજપે કોર્પોરેશનનાં 18એ 18 ઝોનમાં વિકાસ કર્યો છે. રોડ, રસ્તા, ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધા ઉભી કરી છે. સિનીયર સિટીઝન માટે ગાર્ડન, ઓડિટોરીયમ અને સ્વીમીંગપુલ બનાવ્યા છે. લોકોને ઘરનું ઘર મળ્યું છે. વર્ષ 2015માં વાવડી, કોઠારીયા રાજકોટમાં ભળ્યું તેનું એક અલગ બજેટ ફાળવ્યું હતું. આ દિવસોમાં માધાપર, ઘંટેશ્વર, રોણકી-મનહરપુરા, મુંજકા, મોટામૌવા રાજકોટમાં ભળ્યા છે. આ વિસ્તારમાં લોકો પોતાની મતદાન કરી પોતાની ફરજ બજાવવાના છે ત્યારે આ તમામ વિસ્તારમાં પ્રાથમિક જરૂરીયાત મળી રહે તેવા અમારા પ્રયત્ન રહેશે. નલ સે જલ યોજના હેઠળ તમામ લોકોને પાણી પૂરું પાડવામાં આવશે. સૌની યોજના હેઠળ રૈયાધાર અને માંડા ડુંગર જેવા છેવાળાના વિસ્તારમાં પાણી પહોચાડ્યું છે. રાજકોટનું એકપણ ઘર જળ વગરનું નહીં રહે તેવાં પ્રયત્ન કરવામાં આવશે. જ્યાં ડેવલોપમેન્ટ હોય ત્યાં વિકાસ હોય જ. રાજકોટમાં જે નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યાં રસ્તા, ગટર અને પાણીની સમસ્યા હતી તે સમસ્યા હવે દૂર થશે. રાજકોટનો સમતોલ વિકાસ થાય તે માટે કટિબદ્ધ છીએ. ભાજપ વિકાસના મુદ્દે જ આગામી ચૂંટણી લડશે.
- Advertisement -
આમ આદમી પાર્ટી કોર્પોરેશન ચૂંટણીમાં દિલ્હી મોડેલ અનુસરશે
રાજભા ઝાલા, રાજકોટ શહેર ‘આપ’ પ્રમુખ
આમ આદમી પાર્ટી દિલ્હી મોડેલની જેમ જ રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી લડશે. આ ચૂંટણીમાં ભ્રષ્ટાચારવિહીન પ્રમાણિક શાસનનો મુદ્દો અગત્યનો રહેશે. કોર્પોરેશનનાં 2000 કરોડ રૂપિયાનાં બજેટમાંથી 15થી 20% રકમનો ભ્રષ્ટાચાર થતો આવ્યો છે ત્યારે અમે સત્તામાં આવી ભ્રષ્ટાચાર વિમુખ શાસન આપીશું. લોકોની સુખ-સુવિધા વધારીશું. પ્રજાનાં પાયાનાં પ્રશ્નો હલ કરીશું. કોર્પોરેશન દ્વારા ઉઘરાવવામાં આવતા ખોટા ટેક્સ – દંડ હટાવીશું. દા.ત. પે એન્ડ પાર્કિંગ. અમે લોકોને ફ્રી પાર્કિંગ જેવી સુવિધાઓ આપીશું. આ ઉપરાંત સ્વચ્છ, બેદાગ યુવા પ્રતિભાઓ, યંગ એન્ડ એજ્યુકેટેડ લોકોને ચૂંટણીમાં અમારા ઉમેદવાર બનાવીશું. કોર્પોરેશનની ચૂંટણીમાં દિલ્હી મોડેલ અનુસરવામાં આવશે.
કોંગ્રેસ પ્રજાની સમસ્યાઓ અને સુવિધાઓના મુદ્દે ચૂંટણી લડશે
અશોક ડાંગર, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ
રાજકોટ મનપામાં ભાજપનાં શાસન દરમિયાન શહેરમાં રોડરસ્તાની ખરાબ હાલત, ગંદકી, હેલ્મેટ અને માસ્કનાં ગેરવાજબી દંડ, કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, આરોગ્ય સુવિધાઓનો અભાવ, પરપ્રાંતીય શ્રમિકોની પરેશાની, કોરોનાને કાબૂમાં લેવા નિષ્ફળ શાસકો, છતાં પાણીએ પાણીકાંપ, ગરીબી અને મોંઘવારીમાં વધારો, પેટ્રોલ, ડિઝલ, શાકભાજી, અનાજનાં ભાવમાં વધારો, રોજગારીના જુઠ્ઠા વાયદાઓ, કામ ઓછુ અને પ્રચાર જાજો વગેરે અનેક પ્રશ્ર્નો અને સમસ્યાઓથી પ્રજા કંટાળી ગઈ છે. ભાજપના તાયફાઓથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે કોંગ્રેસ પ્રજાની સમસ્યાઓ અને માળખાકીય સુવિધાઓનાં મુદ્દે મનપાની ચૂંટણી લડશે. રાજકોટ મનપાની ચૂંટણીમાં મતદારો જ ભાજપને હરાવવા આતુર છે.
મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, અને આમ આદમી પાર્ટીએ મતદારોને કેવી રીતે રિઝવવા તેની આગોતરી તૈયારીઓ અત્યારથી જ આરંભી દીધી છે. ક્યાં મુદ્દાઓ પર લડવું અને કોને ટિકિટ આપવી અને કોને ટિકિટ ન આપવી તેની પણ યોજના ઘડાઈ રહી છે. આ સમયે ચૂંટણીમાં ભાજપ છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કામોનું સરવૈયું લઈને મતદારો પાસે જશે, કોંગ્રેસ વર્તમાન સમયની સમસ્યાઓને મતદારો સમક્ષ ઉજાગર કરશે અને આમ આદમી પાર્ટી આગામી પાંચ વર્ષમાં શું કરી શકશે તેની માહિતી મતદારો સુધી પહોચાડશે એવું જણાય રહ્યું છે. મતલબ કે, આવનારી ચૂંટણીમાં ભાજપ ભૂતકાળ વાગોળશે, કોંગ્રેસ વર્તમાન દેખાડશે અને આમ આદમી પાર્ટી ભવિષ્ય બતાવશે એવું લાગી રહ્યું છે. લગભગ દિવાળી પછી આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીનાં કારણે દરેક પક્ષનાં કાર્યાલયથી લઈ વોર્ડ ઓફીસ ધમધમવા લાગ્યા છે. મહામારીમાં ડરનાં માર્યા જે સ્થાનિક નેતા-અગ્રણીઓ લોકડાઉનમાં પોતાની શેરી બહાર નતા નીકળ્યા તેવા મનપા ચૂંટણીમાં ટિકિટ ઈચ્છતા આશાસ્પદ કોર્પોરેટરો હવે જીવનાં જોખમે પોતાના વોર્ડ સિવાય અન્ય વોર્ડની સમસ્યા પર ધ્યાન આપવા લાગ્યા છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય.. ત્રણેય પક્ષે ચૂંટણી અગાઉ થતી કામગીરી શરૂ કરી દીધી છે. ચૂંટણી પ્રત્યેક પક્ષ માટે અગત્યની છે ત્યારે આવો જોઈએ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ ક્યાં મુદ્દાઓ પર લડશે?
- Advertisement -
ભાજપ : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી ભાજપ માટે આબરૂનો જંગ હશે. કારણ કે, રાજકોટ એ ભાજપ – ગુજરાતનાં મુખ્યમંત્રીનું હોમટાઉન છે. મુખ્યમંત્રી બન્યા બાદ વિજયભાઈ રૂપાણીએ રાજકોટ પર વિશેષ વ્હાલ વરસાવ્યો છે અને રાજકોટનો ખરા અર્થમાં વિકાસ પણ થયો છે. ભાજપનાં શાસનમાં થયેલો વિકાસ ઉડીને આંખે પણ વળગે છે એટલે સ્વાભાવિક રીતે રાજકોટ મનપાની ચૂંટણી ભાજપ વિકાસનાં મુદ્દે લડશે. ઓવરબ્રીજ, અંડરબ્રીજ, ઓડીટોરીયમ, સ્વિમિંગપુલ, લાઈબ્રેરી, ડેમ, સરોવર, રેસકોર્ષ, બસપોર્ટ, મ્યુઝિયમ, સિવિલ હોસ્પિટલ, એરપોર્ટ, સિક્સ લેન હાઈવે, એઈમ્સ વગેરે જેવા અનેક મુદ્દાઓ પર ભાજપ ચૂંટણી લડી શકે છે અને ચૂંટણી જીતી પણ શકે છે. આ ઉપરાંત ભાજપ રોટી, કપડાં, મકાન એટલે કે આવાસ યોજના, મફત અન્ન યોજના, ચોવીસ કલાક પાણીની યોજના જેવા મુદ્દાઓ પણ પ્રજા સમક્ષ ધરશે. આમ, ભૂતકાળમાં કરેલા કાર્યોની યાદી લઈ ભાજપ મતદારો સુધી જશે અને એ કાર્યો પર જ મત માંગી શકે છે. આ સિવાય અવનવી આકર્ષક યોજનાઓ દ્વારા પણ ભાજપ મતદારોને રિઝવવાનો ચોક્કસથી પ્રયાસ કરશે.
આપ : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી માટે આશાનો અવસર હશે. આમ આદમી પાર્ટી રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીને લઈ અતિ આશાવાદી જોવા મળી રહી છે અને તેની પાસે અમુક મુદ્દાઓ એવા છે જેની પર ચૂંટણી લડી તેની આશાઓ ફળવાની શક્યતાઓ છે. કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આરોગ્ય અને શિક્ષણ સિવાય ભાજપ અને કોંગ્રેસનાં જૂના મતદારોને પોતાની તરફ રિઝવવા ફ્રી સર્વિસ – મફત સેવાનાં બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરી શકે છે. આ સિવાય આમ આદમી પાર્ટી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા કાર્યકરોને ટિકિટ આપશે નહીં. સ્વચ્છ પ્રતિભા ધરાવતા ભણેલા-ગણેલા કાર્યકરો-આગેવાનોને જ ટિકિટ આપીને ચૂંટણી જીતવાનો લક્ષ્યાંક રાખશે એટલે એ વિશિષ્ટ વાત પણ એક ચૂંટણીનો મુદ્દો બનશે. યુવા ચહેરાઓ સાથે રાજકોટને ખરા અર્થમાં સ્માર્ટ સીટી – મેટ્રો સીટી બનાવવાનાં મુદ્દે આમ આદમી પાર્ટી કોર્પોરેશન ચૂંટણી લડી શકે છે આ ઉપરાંત તદ્દન નવા મુદ્દાઓમાં રાજકોટનાં લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મફત વીજળી, મફત પાણી, ઘરનું ઘર, તમામ ટેક્સ ફ્રિ તેમજ દરેક ઘરમાંથી એક-એક વ્યક્તિને નોકરી-રોજગારી આપવાના મહત્વકાંક્ષી મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટી કોર્પોરેશનની ચૂંટણીમાં મત માંગવા નીકળી શકે છે. દિલ્હીનું ઉદાહરણ આપી આમ આદમી પાર્ટી આગામી પાંચ વર્ષમાં શું કરી શકશે તેની માહિતી મતદારો સુધી પહોચાડી શકે છે અને મફત સુવિધાઓના નામ પર મતદારોને પોતાના પક્ષમાં મતદાન કરવા લલચાવી શકે છે.
કોંગ્રેસ : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ માટે અસ્તિત્વનો સવાલ હશે. કારણ કે, દાયકાઓથી સત્તાથી દૂર, વિપક્ષમાં રહી સ્થાનિક કક્ષાએ હવે કોંગ્રેસ પક્ષ મરણપથારી છે. જોકે રાજકોટ મનપાની આવનારી ચૂંટણી કોંગ્રેસને જીવનદાન અપાવી શકે છે. કેમ કે, રાજકોટ મનપાની ચૂંટણી લડવા કોંગ્રેસ પાસે વર્તમાનમાં મુદ્દાઓની વણજાર છે. કોંગ્રેસ હાઈકમાન્ડે તો અગાઉથી જ કહી આપ્યું છે કે, આગામી ચૂંટણીઓમાં મુખ્ય 5 મુદ્દાઓને લઈ મતદાર સુધી પહોચીશું. જેમાં આરોગ્ય, શિક્ષણ, મહિલા સુરક્ષા, ભ્રષ્ટાચાર, બેરોજગારીના 5 મુખ્ય મુદ્દા સામેલ છે. આ સિવાય રાજકોટ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ હેલ્મેટ – માસ્ક દંડ, રોડરસ્તા, ગટર, ગંદકી, વિવિધ નાલાઓમાં ભરાતું પાણી, પાર્કિંગ, સફાઈ, ટ્રાફિક, અનિયમિત પીવાનું પાણી, સિવિલમાં સુવિધાના અભાવ, કોરોનામાં વહિવટી તંત્રની નિષ્ફળતા, વધતો જતો ક્રાઈમ રેટ, શાસક પક્ષની ત્રુટીઓ વગેરે જેવા મુદ્દાઓ ઉઠાવશે. સાથેસાથે સફાઈ કામદારો અને આંગણવાડી બહેનોથી લઈ સ્થાનિક રોજગારીનાં મુદ્દે પણ ચૂંટણીમાં મતદારોને ઢંઢોળી શકે. કોંગ્રેસ માટે મહામારી, મોંઘવારી, મંદીનો મુદ્દો પણ મતદારોને રિઝવવાનો બોનસ પોઈન્ટ સાબિત થશે એટલે કોંગ્રેસ વર્તમાન સમયની સમસ્યાઓને મતદારો સમક્ષ ઉજાગર કરી શકે અને એ સમસ્યાઓ દૂર કરવાની વાત પર તેમજ માળખાકીય સુવિધામાં વધારો કરવાના વચન પર મત માંગી શકે છે.