રાજકોટ સહિત વિવિધ સ્થળોએ સવારે વાદળીયા વાતાવરણ વચ્ચે ખુશનુમાં માહોલ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે આજે સવારે રાજકોટ સહિત વિવિધ ભાગોમાં ફરી એકવાર હવામાન પલ્ટો સર્જાયો હતો અને ઠેર ઠેર સવારનાં ભાગે વાદળીયુ વાતાવરણ છવાતા સવાર ખુશ્નુમા રહી હતી.હવામાન કચેરીનાં જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર ઉપરથી હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહ્યું હોય હવામાનમાં ફેરફાર થયો છે અને સવારનાં ભાગે ઠેર ઠેર વાદળા છવાયા છે. આ પ્રકારનું વાતાવરણ હજુ આવતીકાલે સવાર સુધી રહેશે જોકે આજે અને આવતીકાલે બપોર બાદ આકરો તાપ અનુભવાશે.
દરમ્યાન આવતીકાલથી મહતમ તાપમાન પણ ઘટશે અને ગરમીમાં રાહત અનુભવાશે.દરમ્યાન આજે સવારે રાજકોટમાં વાદળીયા વાતાવરણ વચ્ચે લઘુતમ તાપમાન 24.4 ડિગ્રી નોંધાયું હતું અને હવામાં ભેજ 65 ટકા રહેવા સાથે પવનની સરેરાશ ઝડપ 6 કિ.મી. રહેવા પામી હતી.આ ઉપરાંત આજે સવારે અન્ય સ્થળોએ પણ સામાન્ય તાપમાન વચ્ચે વાદળો છવાયા હતા. આજે સવારે અમદાવાદમાં 25.5, વડોદરામાં 24, ભાવનગરમાં 25.4, ભુજમાં 23.6, દમણમાં 25.2, ડિસામાં 23.8, દિવમાં 25.2, દ્વારકામાં 24.8, ગાંધીનગરમાં 25.2, કંડલામાં 22.9, નલિયામાં 18.6, ઓખામાં 24.2 અને વેરાવળમાં આજે સવારે 25.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.



