અંકીવભાઈ ચુડાસમાની પટ્ટાવાળાથી ગેઝેટેડ અધિકારી સુધીની સંઘર્ષમય સફર
ભારતીય ડાક વિભાગમાં વર્ગ-4ના પટ્ટાવાળા તરીકે કારકિર્દીની શરૂઆત કરી, સાતમી સરકારી નોકરી સુધી પહોંચ્યા
- Advertisement -
રાજકોટ : જીવનમાં સફળતા મેળવવા માટે સંઘર્ષ, ધીરજ અને દૃઢ નિશ્ચય કેટલો મહત્ત્વનો છે તેનું પ્રેરણાદાયી ઉદાહરણ અંકીવભાઈ ચુડાસમાએ પૂરું પાડ્યું છે. ભારતીય ડાક વિભાગમાં વર્ગ-4ના પટ્ટાવાળા તરીકે પોતાની સરકારી કારકિર્દીની શરૂઆત કરનાર અંકીવભાઈએ અથાગ મહેનત, સતત અભ્યાસ અને મક્કમ મનોબળના બળે આજે ગેઝેટેડ અધિકારી બનવા સુધીની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
દિવાળીના પર્વના દિવસે જાહેર થયેલા GPSC વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષાના પરિણામમાં અંકીવભાઈ ચુડાસમાએ સમગ્ર ગુજરાતમાં 97મો રેન્ક મેળવી ઉત્કૃષ્ટ સફળતા હાંસલ કરી છે. આ સફળતાના પરિણામે તેમની SGST (સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) ઓફિસર તરીકે પસંદગી થઈ છે. હાલ તેઓ રાજ્ય વેરા નિરીક્ષક તરીકે ગોંડલ ખાતે ફરજ બજાવી રહ્યા છે. અંકીવભાઈની આ સિદ્ધિ માત્ર એક સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલી સફળતા નથી, પરંતુ વર્ષોની મહેનત, અનેક પડકારો અને સતત આગળ વધવાની ઝંખનાનું પરિણામ છે. ભારતીય ડાક વિભાગમાં વર્ગ-4ના પટ્ટાવાળા તરીકે શરૂ થયેલી તેમની સફર દરમિયાન તેમણે વિવિધ સરકારી સેવાઓમાં કામ કરવાની તક મેળવી અને અત્યાર સુધીમાં સાતમી સરકારી નોકરી સુધી પહોંચવાની સિદ્ધિ હાંસલ કરી છે.
નોકરીની જવાબદારીઓ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી સરળ બાબત નથી. તેમ છતાં તેમણે અભ્યાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા જાળવી રાખી અને દરેક નિષ્ફળતા કે પડકારને સફળતાની સીડી બનાવી. અંતે GPSCની પ્રતિષ્ઠિત પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 97મો ક્રમ મેળવી પોતાની મહેનતનું પરિણામ મેળવ્યું. ખાસ વાત એ છે કે વર્ગ-4ના કર્મચારી તરીકે શરૂ થયેલી કારકિર્દી હવે વર્ગ-1 અને વર્ગ-2ની GPSC પરીક્ષામાં સફળતા સાથે ગેઝેટેડ અધિકારીના પદ સુધી પહોંચી છે. તેમની આ સંઘર્ષમય સફર સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે. અંકીવભાઈ ચુડાસમાની આ સિદ્ધિએ સાબિત કર્યું છે કે વ્યક્તિની શરૂઆત ક્યાંથી થાય છે તેના કરતાં તે પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે કેટલી મહેનત કરે છે તે વધુ મહત્ત્વનું છે. તેમની આ સફળતા ખરેખર સંઘર્ષ, સંકલ્પ અને સખત પરિશ્રમને સલામ કરવાની પ્રેરણા આપે છે.



