20 નવેમ્બરે 145 કિમીની ઝડપે ત્રાટકશે વાવાઝોડું ‘Akvan’!
બંગાળની ખાડીમાં સક્રિય થયેલું વાવાઝોડું ‘અકવાન’ (ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી આગળ વધીને ચક્રવાતી તોફાન બની ચૂકી છે અને આજે સાંજ સુધીમાં તે ‘ગંભીર ચક્રવાતી તોફાન’માં ફેરવાઈ શકે છે. હાલમાં આ વાવાઝોડું ચેન્નાઈથી લગભગ ૬૧૦ કિલોમીટર પૂર્વમાં, મછલીપટ્ટનમથી ૬૬૦ કિલોમીટર, વિશાખાપટ્ટનમથી ૬૭૦ કિલોમીટર અને ઓડિશાના ગોપાલપુરથી ૭૯૦ કિલોમીટર દૂર સમુદ્રમાં સ્થિત છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, ગુરુવાર સવાર સુધીમાં તે અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરશે અને શુક્રવાર, ૨૦ નવેમ્બરની બપોર આસપાસ આંધ્રપ્રદેશના નેલ્લોર અને તુની વચ્ચે લેન્ડ કરશે. લેન્ડ થવાના સમયે પવનની ઝડપ ૧૨૦થી ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જ્યારે પવનના ઝોકા ૧૪૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તાજેતરના અઠવાડિયામાં ‘અર્નબ’ અને ‘મુરાસુ’ બાદ આંધ્રપ્રદેશ પર ત્રાટકનારું આ ત્રીજું મોટું વાવાઝોડું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧થી ૨ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ ઊભું થયું છે. વાવાઝોડાની અસરને કારણે બુધવારથી તટીય આંધ્રપ્રદેશમાં વરસાદ શરૂ થશે અને ગુરુવાર-શુક્રવારે કેટલાક જિલ્લાઓમાં ૨૦ સેન્ટિમીટરથી વધુ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત તમિલનાડુ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગોમાં પણ વરસાદ અને તોફાનનું ઍલર્ટ જાહેર કરાયું છે. તંત્ર દ્વારા તાત્કાલિક મદદ માટે વોટ્સએપ નંબર ૯૫૫૨૩૦૦૦૦૯ તેમજ ટોલ-ફ્રી ઈમરજન્સી નંબર ૧૧૨, ૧૦૭૦ અને ૧૮૦૦૪૨૫૦૧૦૧ જાહેર કરવામાં આવ્યા છે.



