બંને અકસ્માતમાં કુલ 30 લોકો ઈજાગ્રસ્તઃ હાઇવે પરથી બસ નદીમાં પડી, 9નાં મોતઃ જાનૈયાની બોલેરો ખીણમાં ખાબકી, 4 મૃતદેહ મળ્યાં
ઉત્તરાખંડમાં મંગળવારે સવારે બે અકસ્માતમાં ૧૩ લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે ૩૦ લોકો ઘાયલ થયા છે. પ્રથમ અકસ્માત ટિહરી જિલ્લામાં ઋષિકેશ-બદ્રીનાથ નેશનલ હાઈવે પર ગૂલર નજીક થયો. મુસાફરોથી ભરેલી બસ આશરે ૧૦૦ મીટર નીચે નદીમાં ખાબકી હતી. અકસ્માતમાં ૯ લોકોનાં મોત થયા છે, જ્યારે ૩ વર્ષની બાળકી સહિત ર૫ લોકો ઘાયલ થયા છે. આ પહેલાં AIIMSના ડોક્ટરોએ ૧૦ લોકોનાં મોત થયાની માહિતી આપી હતી, પરંતુ બાદમાં IG ગઢવાલ રાજીવ સ્વરૂપે ૯ મોતની પુષ્ટિ કરી. મુસાફરોના જણાવ્યા અનુસાર, બસ પુરપાટ ઝડપે દોડી રહી હતી. તેમણે ડ્રાઇવરને ઘણી વખત બસ ધીમે ચલાવવા કહ્યું, પરંતુ તેણે તેમની વાત માની નહીં. બીજો અકસ્માત ઇન્દ્રપ્રયાગની ક્યુંજા ઘાટીમાં થયો. અહીં પોખરીથી લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા જાનૈયાઓની બોલેરો ગાડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં ૪ લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે ૬ લોકો ઘાયલ થયા છે. તેમાંથી ૪ની હાલત ગંભીર છે. તેમને શ્રીનગર બેઝ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ગૂલર ખાતે અકસ્માતનો ભોગ બનેલી વિશ્વનાથ સેવા કંપનીની ૩૨ સીટર બસના તમામ દસ્તાવેજો માન્ય હતા. બસની ફિટનેસ ૨૫ ઓક્ટોબર ૨૦૨૮, વીમો ૨૦૨૭ અને પરમિટ ૨૦૨૯ સુધી માન્ય છે. બસ ૨૦૨૪માં ખરીદવામાં આવી હતી અને તે પ્રતાપનગરના મદન નેગીના રહેવાસી પરમવીર સિંહના નામે નોંધાયેલી છે. ARTO જે.એસ. મિશ્રાએ જણાવ્યું કે અકસ્માતનું સ્થળ ઢોળાવવાળું છે. સંભવતઃ વધુ ઝડપના કારણે ચાલક બસ પર કાબુ રાખી શક્યો નહીં અને બસ ખીણમાં ખાબકી ગઈ.



