ટ્રાન્ઝેક્શન ધીમું, લોકોના પૈસા અટવાયાઃ 8.6 કરોડ ગ્રાહકો ધરાવતી જેપી મોર્ગન બેન્કની સિસ્ટમમાં ગરબડ
અમેરિકાની સૌથી મોટી બેંકોમાંની એક જે.પી. મોર્ગન ચેઝમાં સોમવારે ટેકનિકલ ખામીને કારણે હજારો ગ્રાહકો પરેશાન થયા. લોકોને ઑનલાઇન અકાઉન્ટ ખોલવામાં, બેલેન્સ જોવા, પેમેન્ટ મોકલવામાં અને ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી. આની અસર જે.પી. મોર્ગન ચેઝ ઉપરાંત બેન્ક ઑફ અમેરિકા, યુએસ બેન્ક, વેલ્સ ફાર્ગો, કેપિટલ વન અને ટ્રુઇસ્ટ જેવી મોટી બેંકો પર પણ પડી. અમેરિકામાં જે.પી. મોર્ગન ચેઝના ૮.૬ કરોડથી વધુ ગ્રાહકો છે. બેંકની સેવાઓ હવે ફરીથી ઠીક થઈ ગઈ છે. અમેરિકી ફલાઈટો રદ થવા તથા માઈક્રોસોફટ આઉટેજના ઘટનાક્રમ બાદ આ ઘટનાએ ટ્રમ્પ વહિવટીતંત્રમાં ખળભળાટ સર્જયો છે.જાણીતી બેંક ચેઝનાં ગ્રાહકોને એવા મેસેજ મળ્યા હતા કે કેટલીક સેવાઓ ઉપલબ્ધ નથી અને તેને નોર્મલ કરવાનાં પ્રયાસ થઈ રહ્યા છે. થોડા વખતમાં સેવા ઉપલબ્ધ બની જવાની આશા છે. સુત્રોના કહેવા પ્રમાણે અમેરિકી સમય મુજબ સવારે ૯ વાગ્યાથી બેંકીંગ સેવામાં વિક્ષેપ શરૂ થયો હતો. ચેઝ બેંક પર સૌથી વધુ અસર હતી અને તેને સેંકડો ફરીયાદો મળી હતી. ગ્રાહકો બેંક બેલેન્સ કે ટ્રાન્ઝેકશન ઓનલાઈન નિહાળી શકતા ન હતા તેવી જ રીતે લોગ ઈન પણ થઈ શકતુ નથી. નાણાં ટ્રાન્સફર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ડાઉન રીએકટરનાં રીપોર્ટ પ્રમાણે બેંક ઓફ અમેરિકામાં પણ સેંકડો ફરીયાદો હતી. યુએસ બેંક, વેલ્સ કાર્ગો, કેપીટલ વન, પેમેન્ટ નેટવર્ક જેલ જેવી અન્ય બેંકોમાં પણ વ્યાપક ફરીયાદો હતી.
અમેરિકામાં છેલ્લા એક સપ્તાહમા ટેકનોલોજીમાં વિક્ષેપની આ ત્રીજી ઘટના છે આ પૂર્વે ગત શુક્રવારે એર ટ્રાફીક કન્ટ્રોલ ફેલ થતાં સમગ્ર દેશની ફલાઈંગ અટકાવી દેવામાં આવી હતી. સાડા ચાર કલાક સુધી વિમાનોને ગ્રાઉન્ડેડ રાખવામાં આવ્યા હતા. આ ઘટનાનાં ચાર દિવસ પછી પણ હજુ વિમાની સેવા સંપૂર્ણ નોર્મલ થઈ શકી નથી, ઉપરાંત માઈક્રોસોફટમાં સર્જાયેલા આઉટેજથી પણ અબજો રૂપિયાનો ફટકો પડયો હતો.
બેંકો દ્વારા ગ્રાહકોને એવી સલાહ આપવામાં આવી હતી કે અર્જટ નાણાંકીય વ્યવહાર માટે બેંકની જ અધિકૃત સહાયતા કેન્દ્રનો સંપર્ક કરે અને શંકાસ્પદ કે અજાણી લીંકથી દુર રહે.આ ઉપરાંત પેમેન્ટ કે નાણાં ટ્રાન્સફર પૂર્વે અગાઉના વ્યવહાર ચેક કરવામાં આવે. પાસવર્ડ પીન કે ઓટીપી ગુપ્ત રાખવામાં આવે.



