ઓવરલોડ વાહનોની અવરજવરથી માર્ગની હાલત કથળી, 15 જેટલા ગામોના લોકોને ચાર વર્ષથી ભોગવવી પડે છે મુશ્કેલી
એક-બે ફૂટ ઊંડા ખાડાઓથી અકસ્માતનો ભય, ગર્ભવતી મહિલાઓ અને દર્દીઓ માટે રસ્તો જોખમી; તાત્કાલિક સમારકામની માંગ
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા (ગીર) થી સોનારીયા સુધીનો મહત્વપૂર્ણ માર્ગ છેલ્લા આશરે ચાર વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી અનીડા સહિત આસપાસના આશરે 15 જેટલા ગામોના ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ અંગે અનીડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી માર્ગનું તાત્કાલિક સમારકામ તથા કાયમી નવીનીકરણ કરવાની માંગ કરવામાં આવી છે.ભૂતકાળમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સારો બનાવવામાં આવેલ આ માર્ગ છેલ્લા કેટલાંક વર્ષોથી ઓવરલોડ વાહનોની સતત અવરજવર તથા યોગ્ય જાળવણીના અભાવે અત્યંત ખરાબ સ્થિતિમાં પહોંચી ગયો છે. હાલ રસ્તાની સ્થિતિ એવી છે કે ‘રસ્તા ઉપર ખાડા નહીં પરંતુ ખાડાઓ ઉપર રસ્તો’ હોય તેવું લાગી રહ્યું છે.
માર્ગ પર અનેક સ્થળોએ એકથી બે ફૂટ જેટલા ઊંડા અને 5થી 8 ફૂટ જેટલા પહોળા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે સામાન્ય વાહનચાલકો માટે પણ આ માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકોને ખાડાઓના કારણે અકસ્માતનો સતત ભય રહે છે. ભૂતકાળમાં પણ આ માર્ગ પર અકસ્માતોના બનાવોમાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું ગ્રામજનો દ્વારા જણાવાયું છે.ચોમાસા દરમિયાન માર્ગની સ્થિતિ વધુ વિકટ બની જાય છે. વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતા ખાડાઓ તળાવ જેવી સ્થિતિમાં ફેરવાઈ જાય છે, જેના કારણે ખાડાની ઊંડાઈનો અંદાજ લગાવવો મુશ્કેલ બને છે અને અકસ્માતનું જોખમ વધી જાય છે. બીજી તરફ માર્ગ પરથી સતત વાહનો પસાર થતાં ધૂળની ડમરીઓ ઉડતી રહે છે, જેના કારણે ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે.
માર્ગની બિસ્માર સ્થિતિના કારણે ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, બાળકો તથા ગંભીર દર્દીઓને અવરજવર કરવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. આશરે 15 જેટલા ગામોના લોકો છેલ્લા ચાર વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવા છતાં કાયમી ઉકેલ ન આવતાં ગ્રામજનોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.અનીડા ગ્રામ પંચાયત દ્વારા કાર્યપાલક ઈજનેરને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, આ માર્ગનું તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરાવી હાલના ખાડાઓનું પુરાણ કરવામાં આવે તેમજ સમગ્ર અનીડા (ગીર)-સોનારીયા માર્ગનું ગુણવત્તાયુક્ત રિસર્ફેસિંગ અથવા કાયમી ધોરણે નવીનીકરણ કરવામાં આવે.
- Advertisement -
સાથે જ ઓવરલોડ વાહનોની સતત અવરજવરના કારણે માર્ગને નુકસાન થતું હોય તો ઓવરલોડ વાહનો સામે જરૂરી કાર્યવાહી તથા નિયમિત ચકાસણી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.અનીડા ગ્રામ પંચાયત દ્વારા 15 જેટલા ગામોના ગ્રામજનોના હિત, વાહનચાલકોની સલામતી તેમજ ગર્ભવતી મહિલાઓ અને દર્દીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને માર્ગની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સમક્ષ માંગ કરવામાં આવી છે.




