માતા બન્યા બાદ મહિલાઓના શારીરિક ફેરફારો પર મજાક ઉડાવવી એ વિકૃત માનસિકતાઃ સલમાન
આલોચના અને ગાળાગાળી વચ્ચે તફાવત સમજો; પર્સનલ એટેક કરનારા ટ્રોલર્સ પોતાના સંસ્કાર ચકાસે
- Advertisement -
લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ ૨૦’ના બીજા ‘વીકએન્ડ કા વાર’ એપિસોડમાં હોસ્ટ અને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ઘરમાં રહેલા કન્ટેસ્ટન્ટ્સની સાથે સાથે સોશિયલ મીડિયા પર બેફામ બની રહેલા ટ્રોલર્સનો પણ આકરો ઉધડો લીધો હતો. શનિવારના એપિસોડ દરમિયાન સલમાને ઑનલાઇન પ્લેટફોર્મ્સ પર થતા એજ-શેમિંગ, બોડી-શેમિંગ અને પર્સનલ એટેક્સ સામે ઊંડી નારાજગી વ્યક્ત કરતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોઈના દેખાવ, ઉંમર કે વજનની મજાક ઉડાવવી એ માત્ર હળવાશ નથી, પરંતુ ટ્રોલ કરનાર વ્યક્તિની નબળી વિચારસરણી અને ઉછેર દર્શાવે છે.
કન્ટેસ્ટન્ટ સ્કાઉટઓપીના સોશિયલ મીડિયા સ્ટેટમેન્ટ પરથી શરૂ થયેલી ચર્ચામાં સલમાને ઉમેર્યું કે આજે ડિજિટલ સ્પેસ લાખો યુવાનોને રોજગારી આપી રહી છે, પરંતુ તેની કાળી બાજુ ટ્રોલિંગ છે. જ્યારે કોઈ વ્યક્તિ સફળતાના શિખરે પહોંચે છે ત્યારે પોતે કંઈ ન કરી શકનારા લોકો તેને નીચે ખેંચવા માટે આવી ગંદી હરકતો કરતા હોય છે. લોકો કોઈના પરિવાર, સ્મિત, કરિયરમાં આવેલી નિષ્ફળતા કે માતા બનવા જેવી કુદરતી પ્રક્રિયાઓ પર હલકી કક્ષાની ટિપ્પણીઓ કરવા લાગ્યા છે. ટ્રોલર્સને આડે હાથ લેતાં તેમણે પૂછ્યું કે જે વ્યક્તિને તમે ક્યારેય રૂબરૂ મળ્યા પણ નથી તેના માટે ‘ઘરડો થઈ ગયો છે’ કે ‘જાડી થઈ ગઈ છે’ જેવા શબ્દો વાપરતાં પહેલાં વિચારવું જોઈએ કે તમારા પોતાના ઘરમાં પણ મા, બહેન, દીકરી કે પત્ની છે; જો તેમની સામે કોઈ આવી ટિપ્પણી કરે તો કેવું લાગશે?
મહિલાઓના બોડી-શેમિંગ પર વિશેષ ભાર મૂકતાં સલમાને કહ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાનું વજન વધવું અત્યંત સ્વાભાવિક અને કુદરતી બાબત છે. સંતાનને જન્મ આપ્યા પછી તેના શરીરમાં આવતા ફેરફારો પર ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી. તે પોતાના પરિવાર સાથે કેટલો સમય વિતાવવા માંગે છે કે ક્યારે ફિટનેસ પર કામ કરશે તે તેનો અંગત નિર્ણય છે. જોકે તેમણે કોઈનું સીધું નામ નહોતું લીધું, પરંતુ તાજેતરમાં કેટરિના કૈફ સામે થયેલી ઑનલાઇન ટિપ્પણીઓના સંદર્ભમાં આ વાત જોડવામાં આવી રહી છે. સલમાને ટ્રોલિંગ સામે કડક ચેતવણી આપતાં ૮-૧૦ વર્ષ જૂનો કિસ્સો યાદ કર્યો હતો કે કેવી રીતે પોતાના વિશે અભદ્ર લખાણ લખનાર એક શિક્ષિત પરિવારના યુવકને તેમણે સાયબર સેલની મદદથી ટ્રેસ કરીને તેના ઘર સુધી પહોંચી માફી મંગાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ કલાકારની ફિલ્મ કે નેતાનું કામ ન ગમે તો તેની રચનાત્મક આલોચના ચોક્કસ થઈ શકે, પરંતુ અંગત જીવન પર કાદવ ઉછાળવો કે અપશબ્દો બોલવા અસ્વીકાર્ય છે. સલમાન ખાને કહ્યું, “તમારે ફિલ્મ નથી જોવી, તો ન જુઓ. આ નવું આવ્યું છે કે અમારી કારણે તમે બન્યા છો, આ બન્યા છો. અમે ચાહકોને સન્માન આપીએ છીએ, તેનો અર્થ એ છે કે તમે અમારી સાથે આવું કરો? તમે ફિલ્મ જોવા માટે ટિકિટ ખરીદી છે, અમને થોડી ખરીદ્યા છે યાર. અમે અમારી તરફથી પૂરો પ્રયાસ કરીએ છીએ, જેથી તમને ફિલ્મમાં મજા આવે.” બિગ બોસ ૨૦ના ‘વીકએન્ડ કા વાર’નો એક પ્રોમો સામે આવ્યા બાદ સલમાન ખાનની તબિયતને લઈને દર્શકો ચિંતિત થઈ ગયા. પ્રોમોમાં સલમાન છાતી પકડીને પીડામાં જોવા મળ્યા.




