મૃતકોમાં 3 પોઝિટિવ અને 9 શંકાસ્પદ મોત : 2 પોઝિટિવ સહિત 7 હજુ સારવાર હેઠળ
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ ચાંદીપુરા વાયરસનો આતંક જોવા મળી રહ્યો છે. ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં આ જીવલેણ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. અત્યાર સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસ અને તેના શંકાસ્પદ લક્ષણોના કારણે બાળકોના મોતના સમાચારો સામે આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં (13 જુલાઈ) કુલ 12 બાળકનાં મોત થયા છે. જેમાં 3 પોઝિટિવ અને 9 શંકાસ્પદ બાળકનાં મોત થયા છે. જ્યારે હાલ 2 પોઝિટિવ બાળક ગાંધીનગર સિવિલમાં દાખલ છે અને અન્ય 5 શંકાસ્પદ માસૂમ અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સત્તાવાર માહિતી અને લેબોરેટરી રિપોર્ટના આધારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3 બાળકનાં મોત ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવવાના કારણે થયા છે, જેમાં પંચમહાલના ગોધરા ખાતે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન 2 બાળકના મોત નિપજ્યાં હતા, જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા રાજસ્થાનના 1 બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા બાદ તેનું મોત થયું હતું.
- Advertisement -
બીજી તરફ, લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવ્યા હોય અથવા રિપોર્ટ આવે તે પહેલાં જ તીવ્ર તાવ, આંચકી અને ઉલટી જેવા શંકાસ્પદ લક્ષણો સાથે દમ તોડ્યો હોય તેવા બાળકોની સંખ્યા પણ ઘણી મોટી અને ચિંતાજનક છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુલ 6 બાળકના મોત નોંધાયા છે, જ્યાં દાખલ કરાયેલા કુલ 7 શંકાસ્પદ કેસમાંથી 6 બાળકના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને માત્ર ઉપર જણાવેલો રાજસ્થાનનો 1 કેસ જ પોઝિટિવ હતો. આ ઉપરાંત પંચમહાલના ગોધરા અને કાલોલમાં પણ શંકાસ્પદ લક્ષણોથી કુલ 4 બાળકના મોત થયા છે, જેમાં ગોધરા તાલુકાના વીંઝોલ અને સરદારપુરા ગામના 2 બાળકના અગાઉ જ મોત થઈ ચૂક્યા હતા, જ્યારે ગત 12 જુલાઈના રોજ વધુ બે માસૂમે જીવ ગુમાવ્યા હતા, જેમાં મણિપુર ગામના 1 વર્ષના સચિન રાઠવાનું અમદાવાદ લઈ જતી વખતે રસ્તામાં જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને કાલોલ તાલુકાના ઘોડા ગામના 2 વર્ષના આશિષ નાયકનું વડોદરા રીફર કર્યા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું.
19માંથી 7 સેમ્પલ પોઝિટિવ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. રાજ્યમાંથી અત્યાર સુધી 27 સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 19 સેમ્પલની તપાસ પૂર્ણ થઈ છે અને તેમાં 7 સેમ્પલ પોઝિટિવ નોંધાયા છે. પોઝિટિવ આવેલા 7 દર્દીમાં 3 બાળકના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે 4 બાળક હાલમાં સારવાર હેઠળ છે. બાકીના 8 સેમ્પલની તપાસ હજુ ચાલુ છે અને તેની પ્રક્રિયા GBRC ખાતે હાથ ધરવામાં આવી રહી છે.




