માત્ર લાઈક્સ અને વ્યૂઝ માટે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં
સોશિયલ મીડિયા સ્ટાર્સના ખોટા દાવાઓ સામે કાયદો કેમ મૌન?
- Advertisement -
રેસ્ટોરન્ટના રસોડામાં ભેળસેળ, તો ઇન્ફ્લુએન્સરના વીડિયોમાં પણ છેતરપિંડી
પૈસા લઈને પ્રશંસા કરો તો પરિણામની જવાબદારી પણ સ્વીકારવી રહી : લોકોની માંગ
રાજકોટ મહાનગરપાલિકાએ ખાણીપીણીમાં ભેળસેળ કરનારા આતંકીઓ વિરુદ્ધ જંગ છેડી દિધી છે. અખાદ્ય, વાસી અને સ્વાસ્થ્ય માટે જોખમી ખોરાક પીરસનારનું હવે આવી બનશે. રેકડીઓથી લઈ પાંચ સિતારા રેસ્ટોરન્ટ સુધી ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ થવાની છે અને જેઓ ખાણીપીણીમાં ભેળસેળ કરતા ઝડપાશે તેઓને દંડથી લઈ જેલ સુધીની આકરી સજા પણ કરાશે. જોકે તંત્રએ ફક્ત ભેળસેળીયાઓ વિરુદ્ધ જ નહીં પરંતુ તેમની સાથે તેઓના ખાલીખોટા વખાણ કરી છેતરનારા ફૂડ બ્લોગર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી જોઈએ એવી એક માંગ ઉઠી છે.
- Advertisement -
સોશિયલ મીડિયા યુગમાં આજે લોકો કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જતાં પહેલાં ઓળખીતા-અનુભવીઓની સલાહ કરતાં વધુ વિશ્વાસ ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર જોવા મળતા ફૂડ બ્લોગર્સ અને ઈન્ફ્લુએન્સર્સ પર મૂકે છે. હજારો ફોલોઅર્સ ધરાવતા કેટલાક ઈન્ફ્લુએન્સર્સ કોઈ રેસ્ટોરન્ટની વાનગીની એવી પ્રશંસા કરે છે કે જાણે તે સ્થળ સ્વાદ અને સ્વચ્છતાનું મંદિર હોય. પરંતુ વાસ્તવિકતા ઘણી વખત આનાથી બિલકુલ વિપરીત હોય છે. તાજેતરમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સોશિયલ મીડિયા પર ભરપૂર પ્રમોશન મેળવનાર રેસ્ટોરન્ટો પર ફૂડ સેફ્ટી વિભાગના દરોડા પડ્યા બાદ અખાદ્ય, વાસી, સમાપ્ત થયેલી મુદતવાળી અથવા અસ્વચ્છ પરિસ્થિતિમાં સંગ્રહ કરાયેલી ખાદ્ય સામગ્રી મળી આવી છે.
કોઈ જાણીતો ફૂડ ઈન્ફ્લુએન્સર્સ ખૂબ જ ઉત્સાહ સાથે કહે છે, અરેરે.. તમે આ રેસ્ટોરન્ટમાં નથી ગયા તો શું કર્યું? અથવા આ જગ્યાનું ફૂડ બેસ્ટ છે! આ વીડિયો જોઈને લાખો લોકો લલચાય છે અને તે રેસ્ટોરન્ટ સુધી પહોંચે છે. ગ્રાહક સોશિયલ મીડિયા પર દેખાડવામાં આવેલી ચમક-ધમકથી પ્રભાવિત થઈને ત્યાં પહોંચે છે, પરંતુ તેને સ્વાદ, ગુણવત્તા અને સ્વચ્છતા અંગે કડવો અનુભવ થાય છે. આવા સંજોગોમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું પેઈડ પ્રમોશનના નામે લોકોને ગેરમાર્ગે દોરવાની છૂટ હોવી જોઈએ?
મૂળ સમસ્યા એ છે કે ઘણા ઈન્ફ્લુએન્સર્સ પોતાના વીડિયોમાં એવી છાપ ઉભી કરે છે કે તેઓ નિષ્પક્ષ અભિપ્રાય આપી રહ્યા છે. હકીકતમાં તેઓ રેસ્ટોરન્ટ પાસેથી પૈસા, ભેટો અથવા અન્ય લાભો લઈને પ્રમોશનલ કન્ટેન્ટ બનાવી રહ્યા હોય છે. ઘણી વખત “Paid Partnership”, “Sponsored” અથવા “Advertisement” જેવા ખુલાસા પણ સ્પષ્ટ રીતે કરવામાં આવતા નથી. ઈન્ફ્લુએન્સર્સ ક્યારેય જે-તે રેસ્ટોરન્ટના કિચનની સ્વચ્છતા, માલ-મસાલાની ગુણવત્તા કે વાસી ખોરાકની તપાસ કરતા નથી. વીડિયોમાં દેખાતી વસ્તુ અને ટેબલ પર પીરસવામાં આવતી વસ્તુમાં જમીન-આસમાનનો ફર્ક હોય છે. ગ્રાહકો સોશિયલ મીડિયાના ખોટાં આકર્ષણોમાં આવીને છેતરાય છે. પછી જ્યારે બહુ દેકારો થાય અને ફૂડ વિભાગની ટીમ અચાનક દરોડા પાડે છે ત્યારે વાસ્તવિક ચિત્ર સામે આવે છે. વાસી શાકભાજી, એક્સપાયરી ડેટવાળો માલ-સામાન, કેમિકલયુક્ત રંગો અને અસ્વચ્છ રસોડું! જે રેસ્ટોરન્ટને ઈન્ફ્લુએન્સર્સે ‘ફાઈવ સ્ટાર’ ગણાવી હતી તે ખરેખર ફટીચરછાપ હોય છે.
સ્વાદનો શોખ હોવો એ ગુનો નથી, પણ સ્વાદના નામે અખાદ્ય ચીજો પીરસવી અને તેને વાહવાહી લૂંટવા માટે પ્રમોટ કરવી એ ગુનો છે. ઈન્ફ્લુએન્સર્સે યાદ રાખવું જોઈએ કે તેમના એક વીડિયો પર વિશ્વાસ રાખીને સામાન્ય પરિવાર બહાર જમવા જાય છે. જો એ ખોરાક અશુદ્ધ હશે તો તેમની નૈતિક જવાબદારી પણ એટલી જ છે. આગામી સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સરકારી તંત્રએ સાથે મળીને આ ભ્રામક માર્કેટિંગ પર લગામ કસવી પડશે જેથી ગ્રાહકોના સ્વાસ્થ્ય અને વિશ્વાસની રક્ષા થઈ શકે.
સોશિયલ મીડિયા પરનું પેઈડ પ્રમોશન ખોટું નથી. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે જાહેરાતને અભિપ્રાય તરીકે રજૂ કરવામાં આવે અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે. ખોટા વખાણ કરીને લોકોને અસ્વચ્છ અથવા નીચી ગુણવત્તાવાળા ખોરાક તરફ ધકેલવું માત્ર અનૈતિક જ નહીં પરંતુ જાહેર આરોગ્ય સાથેનો ગંભીર ખેલ પણ છે. ગ્રાહકોનો વિશ્વાસ એક મૂલ્યવાન સંપત્તિ છે. જે ઈન્ફ્લુએન્સર્સ આ વિશ્વાસને પૈસાના બદલામાં વેચી નાખે છે તેમના સામે માત્ર નૈતિક ટીકા પૂરતી નથી. ભ્રામક પ્રમોશન સાબિત થાય ત્યાં કડક દંડ, કાનૂની જવાબદારી અને જરૂર પડે ત્યાં પ્રતિબંધ જેવી કાર્યવાહી પણ થવી જોઈએ. કારણ કે જ્યારે ખોટા વખાણથી લોકોના આરોગ્યને જોખમ પહોંચે છે ત્યારે તેને માત્ર “કન્ટેન્ટ ક્રિએશન” કહીને અવગણી શકાય નહીં.
ઈન્ફ્લુએન્સરના ખોટા વખાણના ગંભીર પરિણામો ગ્રાહકને ભોગવવા પડે
ખોટા પ્રમોશનનું નુકસાન માત્ર ગ્રાહકના પૈસા સુધી મર્યાદિત નથી. ગ્રાહકની તંદુરસ્તી જોખમમાં મુકાય છે. અસ્વચ્છ અને નબળી ગુણવત્તાવાળા રેસ્ટોરન્ટોને પ્રોત્સાહન મળે છે. સાચી ગુણવત્તા જાળવનાર વ્યવસાયોને નુકસાન થાય છે. ગ્રાહકોનો સમગ્ર રિવ્યૂ સિસ્ટમ પરનો વિશ્વાસ તૂટી જાય છે. ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન ન કરનારા તત્વો વધુ બેફામ બને છે. જો કોઈ રેસ્ટોરન્ટના વખાણ કર્યા પછી થોડા જ સમયમાં ત્યાંથી અખાદ્ય સામગ્રી પકડાય, તો સ્વાભાવિક રીતે લોકો પૂછશે કે જે ઈન્ફ્લુએન્સર થોડા દિવસ પહેલાં “બેસ્ટ ટેસ્ટ”, “મસ્ટ વિઝિટ”, “વર્લ્ડ ક્લાસ ક્વોલિટી” જેવા દાવા કરી રહ્યો હતો તેણે ખરેખર શું તપાસ્યું હતું? ઈન્ફ્લુએન્સર પણ એક રીતે મીડિયાનું કામ કરી રહ્યા છે, તેથી તેમણે પ્રમોશન પહેલાં તે રેસ્ટોરન્ટનું ફૂડ સેફ્ટી લાયસન્સ સહિતની બાબત ચકાસવી અનિવાર્ય બની જાય છે.
જવાબદારી માત્ર રેસ્ટોરન્ટની જ નહીં, ઈન્ફ્લુએન્સરની પણ છે
હાલની વ્યવસ્થામાં મોટાભાગે કાર્યવાહી રેસ્ટોરન્ટ સામે થાય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ પૈસા લઈને કોઈ ઉત્પાદન કે સેવા વિશે ભ્રામક દાવા કરે છે તો તેની જવાબદારી પણ નક્કી થવી જોઈએ. જો કોઈ ઈન્ફ્લુએન્સર હજારો લોકો સુધી પહોંચ ધરાવે છે તો તેની વાતનો પ્રભાવ પણ એટલો જ મોટો હોય છે. તેથી માત્ર “મેં તો અનુભવ શેર કર્યો હતો” કહીને જવાબદારીમાંથી છટકી જવાની છૂટ ન હોવી જોઈએ. ખોટા દાવા કરનાર ઈન્ફ્લુએન્સર અને તે રેસ્ટોરન્ટ બંને સામે ‘ગ્રાહક સુરક્ષા ધારા’ હેઠળ કડક કાર્યવાહી થવી જોઈએ. જો કોઈ ગ્રાહક ખોટા પ્રમોશનથી પ્રેરાઈને છેતરાય છે, તો તેને વળતર મળવું જોઈએ. ભારતમાં જાહેરાતો માટે વિવિધ માર્ગદર્શિકાઓ છે પરંતુ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ ક્ષેત્રમાં હજુ પણ અમલ અને નિયંત્રણ પૂરતું અસરકારક દેખાતું નથી.
પૈસા માટે ગ્રાહકોના જીવ જોખમમાં મૂકતા ઈન્ફ્લુએન્સર વિરુદ્ધ શું કરી શકાય?
1. ફરજિયાત ખુલાસો : દરેક પેઈડ પ્રમોશનમાં સ્પષ્ટ અને મોટા અક્ષરે “ચૂકવણી કરાયેલ જાહેરાત” લખવું ફરજિયાત બનાવવું.
2. ભ્રામક પ્રમોશન માટે દંડ : જો પ્રમોશન બાદ સંબંધિત રેસ્ટોરન્ટમાં ગંભીર ખામીઓ મળી આવે અને સાબિત થાય કે ભ્રામક દાવા કરવામાં આવ્યા હતા તો ઈન્ફ્લુએન્સર પર પણ આર્થિક દંડ લાદવો.
3. વારંવાર ભંગ બદલ પ્રતિબંધ : સતત ખોટા અથવા ભ્રામક પ્રમોશન કરતા ઈન્ફ્લુએન્સર્સના એકાઉન્ટ સામે કડક કાર્યવાહી તથા નિશ્ચિત સમય માટે પ્રમોશનલ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવો.
4. ગ્રાહક ફરિયાદ વ્યવસ્થા : ગ્રાહકોને સીધી ફરિયાદ નોંધાવી શકે તેવી સરળ ઓનલાઈન વ્યવસ્થા ઉભી કરવી.
5. જવાબદારીનું કાનૂની માળખું : ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ માટે વિશેષ જવાબદારી નક્કી કરવી.
તમામ ઈન્ફ્લુએન્સર્સ દોષિત નથી, અમુક જેન્યુઅન પણ હોય
એ પણ સ્વીકારવું પડશે કે તમામ ફૂડ બ્લોગર્સ અથવા ઈન્ફ્લુએન્સર્સ ખોટા નથી. ઘણા લોકો નિષ્ઠાપૂર્વક રિવ્યૂ આપે છે, સારી અને ખરાબ બંને બાબતો દર્શાવે છે અને પોતાના દર્શકો પ્રત્યે જવાબદારી નિભાવે છે. સમસ્યા એવા લોકો સાથે છે જેઓ માત્ર પૈસા માટે કોઈપણ સ્થળના અંધાધૂંધ વખાણ કરે છે. જેન્યુઅન ફૂડ બ્લોગર્સએ જ બોગસ ફૂડ બ્લોગર્સને ઉઘાડા પાડવા આગળ આવવું જોઈએ.




