આપણે સમજણા થયા ત્યારથી સાંભળતા આવ્યા છીએ કે કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. આ માટે આપણાં શાસ્ત્રોમાં અનેક દૃષ્ટાંતો ટાંકવામાં આવ્યાં છે. ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ કે ભીષ્મ પિતામહ જેવા પણ કર્મફળમાંથી બચી શક્યા નથી.
આ માન્યતા ભ્રામક છે. આપણાં શાસ્ત્રોમાં પણ લખ્યું છે અને ઉચ્ચકોટિના મહાત્માઓ પણ કહી ગયા છે કે કઠોર તપ, આધ્યાત્મિક સાધના અને કુંડલિની જાગરણની પ્રક્રિયા દ્વારા મનુષ્ય પોતાનાં કર્મફળમાંથી બચી શકે છે.
- Advertisement -
કોઈ બાળકે કંઈક તોફાન કર્યું તો એની માતા એને સજા આપશે જ. અહીં તોફાન એ કર્મ છે અને સજા એ કર્મફળ છે. જો બાળક પૂરેપૂરી સમજણથી અને સભાનતાથી પોતાની ભૂલનો સ્વીકાર કરશે, માને વળગીને માફી માગશે, પશ્ચાતાપ કરશે અને ફરીથી એવું તોફાન ન કરવાનો સંકલ્પ જાહેર કરશે, તો મા શું કરશે? મા તરત જ પોતાનાં બાળકને ઊંચકી લેશે, વહાલ કરશે અને સજા આપવાનું માંડી વાળશે. કર્મ તો થઈ ગયું, પરંતુ એનું કર્મફળ અટકી ગયું.
બાળકે આ જે કર્યું, એણે જે સમજણ દાખવી, જે જાગૃતિપૂર્વક એણે આચરણ કર્યું, એને તમે કુંડલિની જાગરણ સાથે સરખાવી શકો. મૂલાધાર ચક્રની ભૂમિકા પર જીવતા મનુષ્યો અનેક કર્મનાં બંધનોમાં બંધાતા રહે છે, પરંતુ જો તેઓ પોતાના શરીરમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી પરાશક્તિ, ચિતિશક્તિ, મહામાયા અર્થાત્ જગતજનની મા ભવાનીની આરાધના કરે અને સહસ્રાર ચક્ર સુધી એને લઈ જાય, તો સુષુમ્ણા નાડીમાં સંચિત થયેલાં જન્મોજન્મનાં કર્મફળો નાશ પામે છે.
સંપૂર્ણપણે બિનશરતી શરણાગતિ સ્વીકારી લેશો તો મા આપણો સ્વીકાર કરશે જ.



