ચેપોકમાં ચેન્નઈ સુપર કિંગ્સની હાર સાથે ટોપ-4ની રેસ મુશ્કેલ બની: CSKના 180 રનના જવાબમાં હૈદરાબાદે 19 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો, હેનરિક ક્લાસેનના 47 રન
ખાસ-ખબર ન્યૂઝ ચેન્નઇ
- Advertisement -
ચેપોકમાં સોમવારે રમાયેલી ઈંઙક 2026ની રોમાંચક મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં ચેન્નઈએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ આસાનીથી ચેઝ કરી લીધો હતો. આ શાનદાર જીતની સાથે જ હૈદરાબાદની સાથે-સાથે ગુજરાતની ટીમ પણ પ્લેઑફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે, જ્યારે બીજી તરફ ચેન્નઈની ટીમ માટે હવે ટોપ-4માં પહોંચવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.
આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈની શરૂઆત શાનદાર રહી હતી. સંજુ સેમસને માત્ર 13 બોલમાં 27 રન ફટકારી દીધા હતા. ત્યારબાદ કાર્તિક શર્માએ 19 બોલમાં 32 રનની ઝડપી ઈનિંગ રમી હતી, જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે 27 બોલમાં 44 રન બનાવીને ઇનિંગને સ્કોરબોર્ડ તરફ આગળ ધપાવી હતી. અંતમાં શિવમ દુબેએ 26 રનનું યોગદાન આપ્યું હતું. બ્રેવિસ અને શિવમ વચ્ચે પાંચમી વિકેટ માટે 59 રનની ભાગીદારી થઈ હતી. હૈદરાબાદ તરફથી બોલિંગમાં કેપ્ટન પેટ કમિન્સ સૌથી સફળ રહ્યો હતો, તેણે 4 ઓવરમાં માત્ર 28 રન આપીને 3 મોટી વિકેટ ઝડપી હતી. આ સિવાય સાકિબ હુસૈને 2 વિકેટ લીધી હતી, જ્યારે ઈશાન મલિંગા અને પ્રફુલ હિંગેને 1-1 સફળતા મળી હતી.



