અમદાવાદ અને મુંબઈમાંથી પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત 20 શખ્સોની ધરપકડ: ડાર્કવેબના સહારે ચાલતા નાર્કો-ટેરરિઝમના કાળા કારોબારનો ઈઈંઉ ક્રાઈમે પર્દાફાશ કર્યો
જેહાદી ડ્રગ્સ પકડાયાના ગણતરીના દિવસોમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરનું મોટું ષડયંત્ર સામે આવ્યું: ગુપ્ત માહિતી પણ લીક થયાની આશંકાએ એજન્સીઓ દોડતી થઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ગુજરાતમાં તાજેતરમાં જ દેશમાં પ્રથમ વખત 196 કિલો ‘જેહાદી ડ્રગ’ (ગરીબોની હેરોઈન) ઝડપાયા બાદ હજુ તપાસનો ધમધમાટ ચાલુ છે, ત્યાં જ રાજ્ય સીઆઈડી ક્રાઈમે દેશની સુરક્ષાને હચમચાવી મૂકે તેવો વધુ એક સનસનીખેજ ઘટસ્ફોટ કર્યો છે. ગુજરાતમાંથી વૈશ્વિક આતંકવાદી સંગઠન હમાસને ફંડિંગ પૂરું પાડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. સીઆઈડી ક્રાઈમે તપાસ દરમિયાન રૂા. 225.64 કરોડના શંકાસ્પદ ક્રિપ્ટોકરન્સી વોલેટ શોધી કાઢ્યા છે, જેનો સીધો સંબંધ પેલેસ્ટાઈનના પ્રતિબંધિત ઈસ્લામિક સંગઠન હમાસ સાથે જોડાયેલો છે. આ મામલાની ગંભીરતાને જોતાં હવે કેન્દ્રીય એજન્સી એનઆઈએ (ગઈંઅ) આ તપાસમાં ઝંપલાવે તેવી પૂરેપૂરી ધારણા છે. ક્રિપ્ટોકરન્સીના શંકાસ્પદ વ્યવહારોની તપાસ દરમિયાન સીઆઈડી ક્રાઈમને આ જેહાદી કડી હાથ લાગી હતી. તપાસમાં ખૂલ્યું છે કે માત્ર એક જ ક્રિપ્ટો વોલેટ મારફત રૂા. 226.54 કરોડના આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા હતા. આ મસમોટી રકમને ડાર્કવેબના માધ્યમથી નાર્કોટિક્સ બજાર, આંતરરાષ્ટ્રીય ક્રાઈમ સિન્ડિકેટ અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ટેરર ફંડિંગ તરીકે મોકલવામાં આવતી હતી. આ નેટવર્ક એટલું વ્યાપક હતું કે ટેરર ફંડિંગની સાથે દેશની કેટલીક ગુપ્ત અને અત્યંત સંવેદનશીલ માહિતી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પાસઓન કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. આ સમગ્ર નેટવર્કનો માસ્ટરમાઈન્ડ આંતરરાષ્ટ્રીય ફંડિંગનો મોટો નિષ્ણાત હોવાનું મનાય છે.
ફોરેન્સિક વિશ્લેષણમાં બહાર આવેલી વિગતો મુજબ, આ ક્રિપ્ટો વ્યવહારો પેલેસ્ટાઈનના શક્તિશાળી આતંકવાદી સંગઠન હમાસ ઉપરાંત ઈરાન સમર્થિત હુથી બળવાખોરોના સાથી સંગઠન ‘અંસાર અલ્લાહ’ સાથે પણ જોડાયેલા હતા. આ સિવાય બિનાકા વોલેટ, ગ્રાન્ટેક્ષ, ઈવાને શોર મોનેરો વોલેટ તેમજ ક્રિપ્ટો એક્સચેન્જ માટે મુંબઈની એક શંકાસ્પદ કંપની અને ડાર્ક માર્કેટપ્લેસનો સહારો લેવાતો હતો, જ્યાં માદક દ્રવ્યો અને ગેરકાયદે શસ્ત્રોની હેરાફેરી થતી હોય છે.
આ આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગના રેકેટનો પર્દાફાશ કરીને સીઆઈડી ક્રાઈમે અમદાવાદ અને મુંબઈ સહિતના વિસ્તારોમાં દરોડા પાડીને 20થી વધુ શખ્સોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય 6 આરોપીઓની સઘન પૂછપરછમાં અન્ય પણ કાળી કમાણીના ક્રિપ્ટો વોલેટ અને ડિજિટલ એકાઉન્ટ્સની કડીઓ મળી આવી છે. પકડાયેલા મુખ્ય આરોપીઓમાં મોહસીન સાજીદ, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી ઈજાજ અસ્લમખાન પઠાણ, જમાલપુરના મોહમ્મદ ઝઈદ સીદિકી અને નાવેદ પઠાણનો સમાવેશ થાય છે. જ્યારે મુંબઈમાંથી એક પૂર્વ કોર્પોરેટરના પુત્ર ચીસ્તી અને ઝિશાનની ધરપકડ કરવામાં આવી છે.
આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે સીઆઈડી ક્રાઈમે જણાવ્યું હતું કે, આ ગેરકાયદે ભંડોળને ક્રિપ્ટોકરન્સીમાં ફેરવીને ડાર્કવેબ દ્વારા આંતરરાષ્ટ્રીય ગેંગ સુધી પહોંચાડવામાં આવતું હતું. તપાસમાં એવું પણ ખૂલ્યું છે કે આ પ્રકરણમાં સંડોવાયેલા મોલાની નામના આરોપીની અગાઉ વર્ષ 2017માં બોગસ કોલ સેન્ટરના કૌભાંડમાં પણ ધરપકડ થઈ ચૂકી છે. આ સિવાય આ સિન્ડિકેટ સાથે જોડાયેલા અન્ય કેટલાક સાગરીતો હાલમાં માદક દ્રવ્યોના ગેરકાયદે વ્યાપારના ગુનામાં લંડનની જેલમાં સજા કાપી રહ્યા છે, જે દર્શાવે છે કે આ નેટવર્કના તાર વૈશ્વિક સ્તરે કેટલા ઊંડા ફેલાયેલા છે.



