જૂનાગઢમાં હોળી-ધુળેટીની તૈયારી, ગ્રહણને કારણે પર્વની ઉજવણીમાં જોવા મળશે એક દિવસનો તફાવત
પરંપરાગત કેસુડાથી લઈને આધુનિક થીમ-ટીશર્ટ સુધીની ખરીદીમાં લોકોનો ઉત્સાહ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ શહેર, જે પોતાની ઐતિહાસિક વિરાસત અને ગિરનારની પવિત્રતા માટે જાણીતું છે, તે હાલમાં ઉત્સવો અને આસ્થાના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી રહ્યું છે. શહેરના વાતાવરણમાં એક તરફ હોળી-ધુળેટીના રંગોની ઉત્સુકતા જોવા મળી રહી છે, તો બીજી તરફ સામાજિક અને આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા ધાર્મિક મહોત્સવોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢમાં આયોજિત વિવિધ કાર્યક્રમો અને ઉત્સવોની ઉજવણી કરવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢમાં હોળી-ધુળેટીના પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં વસ્તુઓના ભાવમાં આ વર્ષે 10 થી 15 ટકાનો વધારો નોંધાયો હોવા છતાં, લોકોની ખરીદીમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. વેપારીઓના જણાવ્યા અનુસાર, હોળીના પર્વ માટે બજારમાં અવનવી અને આકર્ષક પિચકારીઓનું આગમન થયું છે, જે બાળકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.
બજારમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારની પિચકારીઓમાં ત્રિશુલ, ખુરપી, તલવાર, કરસી, થાળી, પોપટ, લકડી, માછલી, વાસણી, ડમરુ અને કાર્ટૂન કેરેક્ટરવાળી પિચકારીઓનો સમાવેશ થાય છે. આ વખતે ફેશન અને સ્ટાઈલના ટ્રેન્ડમાં પણ બદલાવ આવ્યો છે, જ્યાં યુવાનો હોળી રમવા માટે ખાસ પ્રકારના ટી-શર્ટ અને હોળીની થીમ આધારિત કપડાંની ખરીદી કરી રહ્યા છે. સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિને કારણે લોકો હવે કેમિકલયુક્ત રંગોને બદલે ઓર્ગેનિક રંગોને પ્રાધાન્ય આપી રહ્યા છે. આ ઉપરાંત, કુદરતી અને ત્વચા માટે સુરક્ષિત એવા કેસુડાના ફૂલોનો ઉપયોગ પણ પુન:પ્રચલિત થઈ રહ્યો છે. મહિલાઓ દ્વારા હોળી દરમિયાન ત્વચાનું રક્ષણ કરવા માટે ’ફેસ માસ્ક’ લગાવવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે, જેથી રંગોની કોઈ આડઅસર ન થાય. જૂનાગઢના લોકો પરંપરાગત અને આધુનિક રીત-રિવાજો સાથે હોળીના પર્વની તૈયારીઓમાં વ્યસ્ત છે.
આમ, જૂનાગઢમાં એક તરફ બજારમાં હોળી-ધુળેટીના રંગોની ખરીદી થઈ રહી છે, તો બીજી તરફ સમાજ અને ધર્મની સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જાળવી રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ વિવિધ કાર્યક્રમો જૂનાગઢની સમૃદ્ધ સંસ્કૃતિ અને સામાજિક એકતાનું સુંદર પ્રતીક છે.
તા.2 માર્ચે હોળી, તા.3ના રોજ ગ્રહણ અને તા.4ના ધુળેટીની ઉજવણી
- Advertisement -
દિવાળીના પર્વે તિથિઓ અનુસાર ધોકો આવે છે તેમ આ વર્ષે હોળી – ધુળેટી પર્વે પણ ધોકો જોવા મળશે શાસ્ત્રો અનુસાર હુતાસણી પર્વ તારીખ 2 માર્ચે હોળી પ્રગટશે જયારે તારીખ 3 માર્ચનાના રોજ ગ્રહણ હોવાના લીધે ધુળેટી રમવી એ શક્ય નથી એટલે ધુળેટી પર્વ તારીખ 4 માર્ચના રોજ લોકો રંગે રંગાશે આમ શાસ્ત્રોક અને પંચાંગ આધારિત જોઈને ગ્રહણના હિસાબે હુતાસણી અને ધુળેટી પર્વમાં એક દિવસ આરામ જોવા મળશે છતાં લોકો ઉમંગ અને હર્ષોઉલ્લાસ સાથે હોળી ધુળેટી પર્વની ઉજવણી કરવા ઉત્સુક છે.



