ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભારે બરફવર્ષાને કારણે એરપોર્ટના રનવે બંધ, 6 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ: 153 વર્ષમાં પહેલીવાર ‘ધ બોસ્ટન ગ્લોબ’ અખબાર છપાઈ ન શક્યું
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.25
- Advertisement -
અમેરિકામાં હાલમાં કુદરતી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે. ભયંકર તેજ પવનો અને ભારે હિમવર્ષાને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રવિવારથી મંગળવાર દરમિયાન દેશમાં 11,055થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. માત્ર સોમવારે જ કુલ ફ્લાઇટ્સના 20% એટલે કે અંદાજે 5,700 ફ્લાઇટ્સ રદ થઈ હતી, જેની માહિતી ફ્લાઇટઅવેર દ્વારા આપવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસના અહેવાલ મુજબ રોડ આઇલેન્ડ અને મેસેચ્યુસેટ્સમાં 37 ઇંચ સુધી બરફ પડ્યો છે. આ હિમવર્ષાને કારણે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં અંધારપટ છવાઈ ગયો છે અને 6 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. બોસ્ટન ગ્લોબ અખબાર પણ તેના 153 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત છાપી શકાયું નથી કારણ કે કર્મચારીઓ પ્રેસ સુધી પહોંચી શક્યા ન હતા. ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં 20 ઇંચ અને ઇસ્લિપમાં 22 ઇંચથી વધુ બરફ નોંધાયો છે. પ્રોવિડન્સમાં તો 32.8 ઇંચ બરફવર્ષા સાથે 1978નો રેકોર્ડ પણ તૂટી ગયો છે. ગંભીર સ્થિતિને જોતા ન્યૂયોર્ક, મેસેચ્યુસેટ્સ અને રોડ આઇલેન્ડ જેવા રાજ્યોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. ન્યૂયોર્ક સિટીમાં રસ્તાઓ અને શાળાઓ બંધ કરી દેવાયા હતા, જોકે બાદમાં સ્થિતિ સુધરતા શાળાઓ ખોલવાનો નિર્ણય લેવાયો હતો. ગવર્નર કેથી હોચુલે નેશનલ ગાર્ડને એલર્ટ પર રાખ્યા છે અને લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. હિમવર્ષાની અસર માત્ર હવાઈ મુસાફરી પર જ નહીં, પણ ટ્રેન અને માર્ગ વ્યવહાર પર પણ પડી છે. ન્યૂયોર્ક અને બોસ્ટન વચ્ચેની ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી અને બ્રોડવેના તમામ શો રદ થયા હતા. વૈજ્ઞાનિકો આ વાવાઝોડાને છેલ્લા દાયકાનું સૌથી શક્તિશાળી ‘નોરઈસ્ટર’ માની રહ્યા છે, જેમાં પવનની ગતિ 110 માઇલ પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે. ‘નોરઈસ્ટર’ એ અમેરિકાના પૂર્વીય કિનારે આવતું એક તીવ્ર શિયાળુ વાવાઝોડું છે. તેનું નામ તેના પવનોની ઉત્તર-પૂર્વ (નોર્થ-ઈસ્ટ) દિશા પરથી પડ્યું છે. આ વાવાઝોડું ત્યારે બને છે જ્યારે કેનેડા તરફથી આવતી અત્યંત ઠંડી હવા અને એટલાન્ટિક મહાસાગર તરફથી આવતી ગરમ તેમજ ભેજવાળી હવા એકબીજા સાથે ટકરાય છે. એટલાન્ટિક મહાસાગરનો ભેજ અને આકાશમાં તેજ ગતિએ ફૂંકાતા ’જેટ સ્ટ્રીમ’ પવનો આ સિસ્ટમને વધુ ઘાતક બનાવે છે, જેના કારણે ભારે હિમવર્ષા અને વાવાઝોડું સર્જાય છે.



