ભવ્ય શિવ રથયાત્રાની વિગતો આપવા માટે સમિતિના આગેવાનોએ ‘ખાસ ખબર’ પ્રેસની મુલાકાત લીધી હતી અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી.
ભક્તિનગર સર્કલ ખાતે 40 ફૂટ ઊંચા ભગવા ધ્વજનું ધ્વજા રોહણ: શિવભક્તોને રુદ્રાક્ષની પ્રસાદી અપાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં આગામી તારીખ 15/02/2026 ના રોજ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે 14મી ’સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવના ભાગરૂપે ગત શુક્રવાર, 30 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે ભક્તિનગર સર્કલ ખાતે ધ્વજારોહણ વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે રાજકોટ શહેરને ભગવામય બનાવવાના સંકલ્પ સાથે 40 ફૂટ ઊંચો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. ધ્વજારોહણ કાર્યક્રમમાં પૂ. હસુગિરિબાપુ, પ્રફુલગીરી ગોસ્વામી, પ્રવીણભારથી ગોસ્વામી (પી.ડી.), રાજદીપસિંહ જાડેજા (વાવડી), નિલેશભાઈ જલુ, રામદેવપુરી ગોસ્વામી, કિશનભાઇ ટીલવા, કુલદીપસિંહ જાડેજા સહિતના અનેક અગ્રણીઓ અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે 14મી રથયાત્રાના અધ્યક્ષ પદે ગોપાલ ગૌશાળા (બેરડી) ના શ્રી પ્રકાશગિરી રમેશગિરી ગોસ્વામી સેવા આપશે. આ રથયાત્રાની વિશેષતા એ છે કે દરેક શિવભક્તોને રુદ્રાક્ષના પારાની પ્રસાદી આપવામાં આવશે. આ માટે ગત રવિવાર, 01 ફેબ્રુઆરીના રોજ રાજકોટના પ્રાચીન સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે સમિતિના સભ્યો દ્વારા રુદ્ર અભિષેક કરવામાં આવ્યો હતો. જેમાં ગૌતમગિરી, ભાવેશગીરી, ધર્મેન્દ્રગીરી અને અન્ય કાર્યકર્તાઓએ રામનાથ દાદાના સાનિધ્યમાં પૂજન-અર્ચન કર્યું હતું.
રથયાત્રાનો રૂટ અને મહાઆરતી
- Advertisement -
15 ફેબ્રુઆરી, રવિવારના રોજ બપોરે 2 વાગ્યે કોઠારીયા રોડ સ્થિત કમલેશ્વર મહાદેવ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે. યાત્રાનું સમાપન ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે થશે, જ્યાં ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રૂટ અને શહેરના મુખ્ય સર્કલોને 40 ફૂટ ઊંચા ભગવા ધ્વજ અને રોશનીથી શણગારી રાજકોટને શિવમય બનાવવામાં આવશે.
સોરઠીયા સર્કલ, ભક્તિનગર સર્કલ, પાટેશ્વર મહાદેવ મંદિર
ગોંડલ રોડ, માલવીયા ચોક, યાજ્ઞિક રોડ
રામકૃષ્ણ આશ્રમ, જાગનાથ મંદિર, જિલ્લા પંચાયત ચોક
લીમડા ચોક, પંચનાથ મંદિર, સદર બજાર અને જુબેલી ચોક થઈને પસાર થશે.



