‘સિંહ સદન’ના નામે નકલી વેબસાઈટ બનાવનાર ઠગ રાજસ્થાનથી પકડાયો
9 પાસ આરોપીએ નકલી વેબસાઈટ બનાવી લાખોની છેતરપિંડી આચરી
- Advertisement -
ઝડપાયેલો શખ્સ જંગલ, વાડી વિસ્તારમાંથી કોલિંગ કરતો હતો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
સાસણ ગીર ખાતે સિંહ દર્શને આવતા પ્રવાસીઓને ઓનલાઈન રૂમ બુકિંગના નામે છેતરપિંડી આચરવાના એક ગંભીર મામલામાં જૂનાગઢ પોલીસે મોટી સફળતા મેળવી છે. સિંહ સદન ગેસ્ટ હાઉસની નકલી વેબસાઈટ બનાવી પ્રવાસીઓ પાસેથી લાખો રૂપિયા પડાવનાર મુખ્ય આરોપીને પોલીસે રાજસ્થાનના મેવાત પ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે.
મેંદરડા પોલીસ મથકમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર યશ ભરતકુમાર ઉમરાણીયા દ્વારા આ છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ હતી. ફરિયાદના પગલે એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, આ તપાસ ઊંડાણ પૂર્વક કરીને આરોપીને ઝડપી લેવા વિસાવદર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક રોહિતકુમારના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી. સી. સરવૈયાની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી. જેના પગલે ફેક વેબસાઈટ રાજસ્થાનના ડિંગ જિલ્લામાંથી ઓપરેટ થઈ રહી હોવાનું જણાયું હતું. પોલીસ ટીમે રાજસ્થાનના ડિંગ જિલ્લાના કાબાન કા વાસના 23 વર્ષીય રાશિદખાન અયુબખાનની ધરપકડ કરી હતી. પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે આરોપી માત્ર 9 ધોરણ પાસ છે, પરંતુ પોતાની કોઠાસૂઝથી ટેકનોલોજી શીખીને તેણે આ નકલી વેબસાઈટો બનાવી હતી. તે ’TECHDO’ નામની વેબ ડિઝાઈનિંગની ઇન્સ્ટિટયૂટ પણ ચલાવતો હતો.
- Advertisement -
ગુનો કરવાની અનોખી મોડસ ઓપરેન્ડી
આરોપી સિંહ સદનના અધિકારી હોવાનો ડોળ કરીને પ્રવાસીઓ પાસેથી પૈસા પોતાના ઓનલાઈન ભાડે લીધેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતો હતો અને નકલી રિસીપ્ટ ઇસ્યુ કરતો હતો. તે ગુનો આચરવા માટે તેના વતનની ભૌગોલિક સ્થિતિનો પણ ઉપયોગ કરતો હતો. તે અંતરિયાળ પહાડ, જંગલ અને વાડી વિસ્તારમાં જઈ બોગસ નંબરથી વોટ્સએપ કોલિંગ કરતો અને બાદમાં મોબાઈલ ફોન ત્યાં જ સંતાડી દેતો હતો, જેથી પોલીસ પકડી દૂર રહી શકે.
શખ્સે જગન્નાથ મંદિર, શ્રીરામ આશ્રમ દિલ્હી અને હોટલની પણ નકલી વેબસાઈટો બનાવી
પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલા બે મોબાઈલ ફોન કબજે કર્યા છે. વધુમાં, તપાસમાં એવું પણ ખુલ્યું છે કે આરોપીએ ઓરિસ્સાના જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને શ્રીરામ આશ્રમ દિલ્હી સહિત અન્ય આશ્રમો અને હોટેલોની પણ નકલી વેબસાઈટો બનાવી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાંથી અદાલતે 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતા મેંદરડા પોલીસે સમગ્ર કૌભાંડમાં વધુ તપાસ હાથ ધરી છે.



