સંપ બનાવવાના કામમાં એજેક્સ મશીનને બદલે કામ ચલાઉ મીલરનો ઉપયોગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
ધ્રાંગધ્રા શહેરમાં છેવાડાના વિસ્તારોને પીવાનું પાણી મળી રહે તેના માટે રાજ્ય સરકારની અમૃત 2.0 યોજના થકી આશરે 20 કરોડ રૂપિયાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં સંપ બનાવવા અને પાણીની પાઇપ લાઇન નાખવાનું કામને આવરી લેવામાં આવ્યું છે પરંતુ ધ્રાંગધ્રા શહેરમાં જીયુડીસી દ્વારા ટેન્ડર મુજબ કામ નહીં કરી સંપ બનાવવાના બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. આગાઉ ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નંબર 1માં સંપ બનાવ્યો હતો પરંતુ આ સંપ નો ઉપયોગ થાય તે પૂર્વે જ પોપડા પડવા લાગ્યા હતા જ્યારે બીજી તરફ શહેરના વોર્ડ નંબર 8માં કોલેજ પાછળ પાણીની પાઇપ લાઇન નાખવાની કામગીરીમાં ટેન્ડર મુજબ જમીનમાં માત્ર અડધો ફૂટ જેટલું ખોદીને પાઇપ લાઇન નાખવામાં આવી હતી જ્યારે આ અંગે ફરિયાદો ઉઠવા પામતા અંતે જીયુડીસી દ્વારા કામ બંધ કરવામાં આવ્યું હતું જે બાદ ફરી પાછું કામ શરૂ તો કરાયું છે પરંતુ હાલ પાણીની ટાંકી નજીક બનાવવામાં આવતા સંપના બાંધકામમાં પણ ટેન્ડર મુજબ ફરજિયાત એજેક્સ મશીન ઉપયોગમાં લેવાને બદલે કામ ચલાઉ રહેણાક મકાનને ધાબા ભરવા માટેનું મીલર મશીન ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે આ સાથે સંપના બાંધકામ માટે ધારાધોરણથી વિપરીત હલકી ગુણવત્તાનું કામ કરી સરકારને લાખ્ખો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે જોકે જીયુડીસી દ્વારા સંપ બનાવવાના કામમાં થતા ભ્રષ્ટાચાર અને ટેન્ડરથી વિપરીત કામ કરવા અંગે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે જાગૃત નાગરિકની રજૂઆતને લઈ ભ્રષ્ટાચારી કામ પર ક્યારે રોક લગાવવામાં આવે છે ?



