કેથલેબ કાર્યરત હોઈ અને ગોલ્ડન ટાઇમમાં સારવાર મળે તો અનેક દર્દીઓના જીવ બચાવી શકાય
રાજકોટ સિવિલમાં એક પણ કાર્યડિયોલોજિસ્ટ તબીબ નથી: કાર્ડિયોલોજિસ્ટના અભાવે દર્દીઓને સારવાર મળતી નથી
સિવિલમાં આવતા દર્દીઓને તપાસ કરી અમદાવાદ રિફર કરવામાં આવે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંદાજિત 10 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી અદ્યતન કેથલેબ યુનિટ છેલ્લા લાંબા સમયથી બંધ હાલતમાં પડેલી છે. હૃદયરોગ સંબંધિત દર્દીઓની સારવાર માટે સ્થાપિત આ સુવિધા હાલ કાર્ડિયોલોજિસ્ટના અભાવે નિષ્ક્રિય બની ગઈ છે. પરિણામે સિવિલ હોસ્પિટલમાં આવનારા દર્દીઓની પ્રાથમિક તપાસ બાદ તેમને સીધા જ અમદાવાદના યુએન મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં રિફર કરવામાં આવે છે.
સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક કે અન્ય ગંભીર હૃદયરોગના દર્દીઓ આવે ત્યારે ગોલ્ડન ટાઇમ એટલે કે પ્રથમ એક કલાક દરમિયાન યોગ્ય સારવાર મળી જાય તો જીવ બચાવી શકાય. પરંતુ કેથલેબ કાર્યરત ન હોવાને કારણે રાજકોટમાં આવનારા ઘણા દર્દીઓ માટે આ સમયગાળો વિફળ સાબિત થઈ રહ્યો છે. તબીબી વર્ગના જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલમાં એકપણ કાર્ડિયોલોજિસ્ટ તબીબની નિમણૂક નથી, જેના કારણે મોંઘી મશીનરી નિષ્ક્રિય હાલતમાં પડી છે. કેથલેબમાં જો તાત્કાલિક સારવાર શરૂ થઈ શકે તો હાર્ટ એટેકના અનેક કેસમાં જીવ બચાવી શકાય તેમ છે, પણ હાલ તંત્રની ઉદાસીનતાને કારણે દર્દીઓને તપાસ બાદ અમદાવાદ મોકલવામાં આવે છે. દર્દીઓ અને તેમના સગાઓએ તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે જ્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને અદ્યતન સુવિધા ઉભી કરાય છે, ત્યારે તેનું યોગ્ય ઉપયોગ ન થવો એ ગંભીર બાબત છે. તંત્ર દ્વારા તાત્કાલિક રીતે કાર્ડિયોલોજિસ્ટની નિમણૂક કરીને કેથલેબ શરૂ કરવાની માંગ ઉઠી રહી છે.
રાજકોટ સિવિલની કેથલેબ હવે યુએન મહેતા ઈન્સ્ટિટ્યૂટને સોંપવામાં આવશે : ડો.હર્ષદ દૂસરા
પીડીયુ હોસ્પિટલમાં ચાલતા તબીબી કાર્યક્રમ હેઠળ, રાજકોટ સિવિલની કેથલેબ હવે યુએન મહેતા ઈન્સ્ટિટ્યૂટને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ અંગે સિવિલ હોસ્પિટલના ડો. હર્ષદ દૂસરાએ જણાવ્યું હતું કે, સિવિલની કેથલેબ હાલ કાર્યરત નથી, પરંતુ તેને યુએન મહેતા હોસ્પિટલને સોંપવામાં આવી રહી છે. સોંપણી પૂર્ણ થયા બાદ કેથલેબ ફરી કાર્યરત થઈ જશે.
- Advertisement -



