જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી ગેસ દુર્ઘટનામાં 3 નિર્દોષના મુત્યુનો મામલો
જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો હાઇકોર્ટના દ્વાર ખટખટાવાશે
- Advertisement -
રાજ્યમાં અન્ય બનેલી ઘટનામાં સીટને તપાસ સોંપાતા સત્ય બહાર આવ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ ઈં જૂનાગઢ, તા.22
જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી ખાતે તાજેતરમાં જ ગેસ લીકેજની ઘટના બની હતી અને ગેસકાંડમાં એક માસુમ બાળકી સહીત 3 વ્યકિતઓનાં મૃત્યુ થયા છે ત્યારે આ બનાવમાં જેની સંડોવણી હોય તેવા તમામ સામે કડક પગલાની માંગણી કરવામાં આવી છે. અને જો આ ઘટનામાં ન્યાય આપવામાં નહી આવે તો હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવવામાં આવશે તેમ ગુજરાત બાર કાઉન્સીલનાં વાઈસ ચેરમેન મુકેશ કામદારે જણાવેલ છે. ઝાંઝરડા ચોકડીની ગેસ દુર્ઘટના કેસમાં હાલ તપાસ ચાલી રહી છે અને આ તપાસ કયાં જઈને અટકશે તે અંગે અનેક અટકળો થઈ રહી છે તો બીજી તરફ ગુજરાત બાર કાઉન્સીલનાં વાઈસ ચેરમેન મુકેશ કામદારે તીવ્ર આક્રોષ વ્યકત કરી અને જણાવ્યું છે કે નિર્દોષ વ્યક્તિઓનાં મૃત્યુ કેસમાં જવાબદારો સામે કાર્યવાહી થવી જ જોઈએ. અને કોર્પોરેશન દ્વારા પણ ત્રણ-ત્રણ જીંદગી આ આગની દુર્ઘટનામાં હોમાઈ ગઈ છે ત્યારે હળવાશથી લેવું ન જોઈએ.
- Advertisement -
વિશેષમાં તેઓએ જણાવ્યું હતું કે બાયપાસ પસાર થતો હોય ત્યારે ગેસની પાઈપ લાઈન નાંખતી વખતે નિયમ મુજબ અમુક મીટર જગ્યા છોડયા બાદ ગેસની પાઈપ લાઈન નાંખવી જોઈએ. આ ઉપરાંત એક નિયમ એવો પણ છે કે ગટર અને પાણીની પાઈપ લાઈન જયાં પસાર થતી હોય ત્યાં ગેસની પાઈપ લાઈન નાંખવી ન જોઈએ. ઉપરાંત ગેસની પાઈપ લાઈન કેટલા મીટર ઉંડી નાખવામાં આવી છે. અને તે ટોરેન્ટો કંપનીએ નિયમ મુજબ ઉંડી નાંખી છે કે કેમ તેવો પણ સવાલ ઉઠાવ્યો છે. વિશેષમાં જયાંથી ગેસ લાઈન પસાર કરવાની હોય ત્યાં નિયમ મુજબ કાર્યવાહી કરવી જોઈએ અને તેના નોમ્સ હોય છે તેનું પાલન પુરેપુરૂ કરવું પડે. અત્યાર સુધીની આ ગેસકાંડની દુર્ઘટના અંગેની તપાસમાં કોઈ નિષ્ક્રીય નિકળતો નથી ત્યારે અનેક મુદ્દા એવા છે કે તેની ઝીણવટભરી તપાસ જરૂરી છે. વિશેષમાં જયારે પણ તંત્ર એટલે કે કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવાની થતી હોય ત્યારે યુટીલીટી એપમાં મેસેજ પણ તેમણે મુકવો પડે કે આવા પ્રકારની કામગીરી કરવાની છે.
જેથી જીઈબી કે અન્ય કોઈ સંબંધીત વિભાગનાં અધિકારી કે કર્મચારી ત્યાં સ્થળ પર હાજર રહી શકે અને સંભવિત અકસ્માત કે દુર્ઘટના નિવારી શકાય. પરંતુ આ કેસમાં તમામ નિયમોનો જાણે ઉલારીયો કરી દેવામાં આવ્યો હોય તેવું લાગે છે. આ સાથે જ હરણીકાંડ તેમજ મોરબીનાં જુલતા પુલની ઘટના, રાજકોટનાં ગેમઝોન વગેરે કેસોમાં પણ શરૂઆતમાં કેટલાય સમય સુધી સંબંધીત આરોપીઓને યેનકેન પ્રકારે છાવરવાની કોશિષ થઈ રહી હતી. પરંતુ ત્યારબાદ સ્પેશીયલ ઈન્વેસ્ટીંગેશન ટીમ (સીટ)ને તપાસ સોંપવામાં આવતાં આખુ સત્ય બહાર આવ્યું હતું. ત્યારે જૂનાગઢમાં બનેલી આ ગેસ લીકેજની ઘટનામાં પણ નાના માણસોને ફસાવવાની કાર્યવાહી થઈ રહી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરેલ છે.
એટલું જ નહીં જો સીટને તપાસ સોંપવામાં આવે તો કોઈપણ છટકી શકે નહીં અને એટલા માટે જ ઝાંઝરડા ગેસકાંડની દુર્ઘટનાની સીટને તપાસ સોંપવાની માંગણી મુકેશભાઈ કામદારે કરી છે અને અંતમાં જણાવ્યું છે કે જો આ ગેસકાંડમાં ન્યાયીક તપાસ નહી થાય અને જવાબદારો સામે કાર્યવાહી નહી થાય તો પોતાના સ્વખર્ચે હાઈકોર્ટમાં પણ કેસને મુકવાની તૈયારી તેઓએ કરી હોવાનું જણાવ્યું હતું.



