ગુનાઇત કૃત્યો બંધ નહીં કરે તો કડક કાર્યવાહીની ચેતવણી : ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતનાં DGP દ્વારા તાજેતરમાં ગુનેગારોની સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ પણ એક્શન મોડમાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે 5 કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા 150 જેટલા આરોપીઓને એકઠા કરી ગુનાહિત કૃત્યો બંધ નહીં કરે તો કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી.
DGPના આદેશ બાદ ગુનાખોરી રોકવાની સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ઝૂમ્બેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ગુનાખોરી સાથે સંકળાયેલા લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નરનાં આદેશ મુજબ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પાંચ કે તેથી વધુ ગુનામાં સંડોવણી હોય તેવા 150 જેટલા આરોપીઓને બોલાવી તમામ આરોપીઓની લેટેસ્ટ માહિતી મેળવી તેનો ડેટા અપડેટ કરવામાં આવ્યો છે. આ તમામ આરોપીઓની સામે અસરકારક અટકાયતી પગલાં પણ લેવામાં આવશે આ ઉપરાંત આરોપીઓ પૈકી ખાસ ડ્રગ્સનાં ગુનાઓમાં સંડોવાયેલા લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે, હવે પછી જો તેઓ આ પ્રકારના ગુનાઓ કરશે તો કાયદેસરની કાર્યવાહી સિવિલ એડમિનિસ્ટ્રેશન સાથે મળીને કરવામાં આવશે. હાલમાં રાજકોટમાં 209 જેટલા આરોપીઓ સામે પાંચ કરતા વધુ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. તેમાંથી હાલ 150 જેટલા આરોપીઓને એકત્ર કરીને આ સૂચનાઓ આપી દેવામાં આવી છે.



