ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનમાં મોટા પાયે દબાણો થઇ ગયાની હકીકત ભૂતકાળના સરવેમાં બહાર આવ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મામલતદારોને દબાણો દૂર કરવા સતત ઓપરેશન હાથ ધરવા સૂચના અપાઇ હતી. આમ છતાં અમુક મામલતદારોએ આ સૂચનાને ગંભીરતાથી ન લેતા હવે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ 14 મામલતદારને બોલાવીને તેમના વિસ્તારમાંથી દર પખવાડિયે દબાણો દૂર કરી તેનો રિપોર્ટ આપવા કડક શબ્દોમાં આદેશ કર્યો છે. તેમજ માધાપર અને કણકોટમાં કરોડો રૂૂપિયાની સરકારી જમીનમાં દબાણો થઇ ગયાની હકીકત ધ્યાનમાં આવતા ચોંકી ઉઠેલા કલેક્ટરે તે તાકીદે દૂર કરવા તાલુકા મામલતદારને આદેશ કર્યો છે.
- Advertisement -
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા પ્રાંત અધિકારીઓ સાથેની બેઠકમાં સરકારી ખરાબાની જમીનોમાં દબાણો ન થાય તે માટે તેનું રેગ્યુલર નિરીક્ષણ કરવા અને દર 15 દિવસે ફેરણી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ તમામ મામલતદારો સાથેની બેઠકમાં પણ રાજકોટ જિલ્લાની સરકારી જમીનમાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવા તાકીદ કરાઇ છે. દરેક મામલતદારને દર 15 દિવસે એક દબાણ હટાવ ઓપરેશન હાથ ધરી રિપોર્ટ આપવા આદેશ કરાયો છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજકોટના પૂર્વ વિસ્તારમાં 12 જેટલા દબાણ, પશ્ર્ચિમ વિસ્તારમાં 6 જેટલા દબાણ, દક્ષિણ વિસ્તારમાં સરવે નંબર 194 હેઠળના મવડી વિસ્તારમાં 10 જેટલા દબાણ આઇડેન્ટિફાઇ થયા છે અને તેમાંથી અનેકના કેસો ચાલી રહ્યા છે અને અમુકને નોટિસ અપાઇ છે. તાલુકા મામલતદાર દ્વારા આગામી સપ્તાહથી માધાપર, કણકોટ અને કોઠારિયામાં દબાણ હટાવ ઓપરેશન શરૂૂ કરાશે.
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનોમાં સૌથી વધુ દબાણો રાજકોટ, લોધિકા અને કોટડાસાંગાણી તાલુકામાં હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકામાં રોજ દબાણ હટાવ ઓપરેશન હાથ ધરવામાં આવે તો પણ પાંચ વર્ષ સુધી નવરા ન થાય તેટલા દબાણો ખડકાઇ ગયા છે. જિલ્લામાં કુલ 102 ગામ છે. શહેરને જોડતા કોઠારિયા, ખોખડદળ, વાજડી, બેડી, કુવાડવા સહિતના ગામમાં મોટા પાયે કોમર્સિયલ દબાણો હોવાની વિગતો જાણવા મળે છે.