ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત અમૃત સરોવર બનાવાનું આહ્વાન કર્યું હતું. ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા કુલ 91 સરોવરની પસંદગી કરીને સરોવરને ડેવલોપીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 20 સરોવર હાલ તૈયાર થઇ ગયા છે અને લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. ડીડીઓ મીરાંત પરીખના જણાવ્યા અનુસાર જિલ્લાના 20 અમૃત સરોવરની સાઈટની કામગીરી પૂર્ણ કરી લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. અમૃત સરોવર આસપાસ બાંકડા તેમજ 35 લાખના ખર્ચે સોલાર સ્ટ્રીટ લાઈટો અને વૃક્ષોનું પ્લાટેશન, ટ્રી ગાર્ડની કામગીરી કરવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ તૈયાર થયેલા અમૃત સરોવરથી ગ્રામજનો દ્વારા દેશમાં ઉજવાતા ઉત્સવની ઉજવણી તેમજ સામાજીક અથવા ધાર્મીક કાર્યક્રમ યોજીને ગામનો વધુ વિકાસ થાય અને સરોવરની જાળવણી સાથે પાણી પણ સંગ્રહ વધે તે માટે કામગીરી હાથ ધરાઈ છે. વધુમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ 71 અમૃત સરોવરની કામગીરી ચાલુ છે, તે આગામી એક વર્ષમાં પૂર્ણ કરાશે. આ અમૃત સરોવરની કામગીરી જિલ્લા પંચાયત, સિંચાઈ વિભાગ અને ગ્રામ વિકાસ એજન્સીના સહયોગ થકી કરાઈ રહી છે.
જૂનાગઢમાં 20 અમૃત સરોવર સાઈટ ડેવલોપ કરી લોકાર્પણ કર્યું
