વેરાવળ મર્કન્ટાઈલ બેન્કની 54મી વાર્ષિક સાધારણ સભા સભાસદોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાઈ
બોર્ડની પરીક્ષામાં સારા ક્રમાંક સાથે ઉતીર્ણ થનાર 28 શાળાના 58 વિધાર્થીઓને પણ સન્માનીત કરવામાં આવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
સૌરાષ્ટ્રની નાગરિક સહકારી બેન્કોમાં અગ્રસ્થાને રહેલ ઘી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્ક લી., વેરાવળની 54મી વાર્ષિક સાધારણ સભા તા.8ને રવીવારના વેરાવળ મુકામે સભાસદોની વિશાળ હાજરી વચ્ચે ચેરમેન નવીનભાઈ શાહના પ્રમુખ સ્થાને મળી હતી.જેમાં વાઈસ ચેરમેન ભાવનાબેન શાહ, બેન્કના ડીરેકટર તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને શાખા સલાહકાર કમીટીના સભ્યો ઉપસ્થિત રહયા હતા.
બેન્કના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન બિપીનભાઈ સંઘવી દ્વારા આમંત્રિતોનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ, ચેરમેન નવીનભાઈ શાહના નિવેદનમાં જણાવવામાં આવેલ કે, વર્ષ 2025 જયારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવાઈ રહેલ હોય અને ભારત સરકાર દ્વારા સહકારી પ્રવૃત્તિનો વિસ્તાર કરી છેવાડાના માનવીના આર્થિક વિકાસને સાકાર કરવાના પ્રયાસો થઈ રહેલ છે ત્યારે આપની બેન્કે તેના કુલ ધિરાણના 74% ધિરાણો પ્રાયોરીટી સેકટર હેઠળ વગીકૃત થતા ધંધા ઉદ્યોગોને અને તે પૈકી 55% ધિરાણો નાના લોકોને અને 12.30% ધિરાણો વીકર સેકશન સોસાયટીના લોકોને પૂરા પાડી તેઓના જીવનમાં સકારાત્મક આર્થિક પરિવર્તન લાવેલ છે. અહેવાલના વર્ષમાં બેન્કે યશસ્વી કામગીરી કરેલ છે. વર્ષાંતે બેન્કે રૂા.873.33 કરોડની ડીપોઝીટ, રૂા. 528.01 કરોડના ધીરાણ તેમજ રૂા. 1401.34 કરોડના કુલ બીઝનેસ સાથે ઈન્કમટેક્ષ તથા જરૂરી તમામ જોગવાઈઓ કર્યાબાદ રૂા.8.11 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. બેન્કના રીઝર્વ રૂા.96.07 કરોડને આંબ્યા છે. તેઓએ બેન્કની પ્રગતિ અને બેન્કને આ સ્થાને સુધી પહોંચાડવાનો યશ સર્વે સભાસદો, થાપણદારો, ગ્રાહકો, શુભેચ્છકો, બેન્કના કર્મચારી ગણ, સર્વે શાખા સલાહકાર કમીટીના સભ્યો અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટને આપેલ.વાઈસ ચેરમેન ભાવનાબેન શાહ દ્વારા વર્ષ 2024-2025 માં બેન્કે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવેલ.
સભાસદો દ્વારા સાધારણ સભામાં રજુ થયેલ દરેક ઠરાવો સર્વાનુમતે મંજુર કરી, વર્ષ દરમ્યાન બેન્કે કરેલ પ્રશંસનીય પ્રગતિની નોંધ લઈ બોર્ડ ઓફ ડીરેકટર્સને અભિનંદન પાઠવેલ. બેન્ક દ્વારા 14% ડીવીડન્ડ ચૂકવવાની જાહેરાતને સર્વે સભાસદોએ સહર્ષ વધાવી લીધેલ.ડીરેકટર સુરેશભાઈ કંપાણીએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યકત કરેલ હતો. સમગ્ર સભાનું સુરેખ અને સફળ સંચાલન ડિરેકટર જે. બી. મહેતા દ્વારા કરવામાં આવેલ.
- Advertisement -
ઘી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપ. બેન્ક લી. દ્વારા વર્ષ 2024-2025 દરમ્યાન વેરાવળમાં સ્કૂલ ફર્સ્ટ આવેલા ધોરણ 10 અને 12 ના 28 શાળાના 58 તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ અને પુરસ્કારથી સન્માન કરવામાં આવેલ. સમગ્ર શૈક્ષણિક સન્માન કાર્યક્રમનું સફળ સંચાલન બિંદુબેન ચંદ્રાણી અને ડો.નિમીષાબેન માખણસા દ્વારા કરવામાં આવેલ હતું.