પતંગરસિયાઓને મોજ-મસ્તી અને જલસા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતીઓ માટે ઉત્તરાયણ એટલે પતંગ ચગાવવાની સાથે મોજ-મસ્તી અને જલસાનો તહેવાર. રાજ્યભરમાં 14 અને 15 જાન્યુઆરી એમ બે દિવસ લોકો ધાબા પર ચઢીને ઉત્તરાયણની ઉજવણી કરે છે. ફક્ત ગુજરાતીઓ જ નહીં, પરંતુ દેશનાં અન્ય રાજ્યમાંથી અને વિદેશથી પણ લોકો ઉત્તરાયણ કરવા ગુજરાત અને એમાં પણ ખાસ અમદાવાદ આવે છે, ત્યારે આ વર્ષે ઉત્તરાયણના બે દિવસ પવનની દિશા અને ગતિ કેવી રહેશે એના વિશે અંબાલાલ પટેલે કેટલીક આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઉત્તરાયણ કરતાં વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાથી પતંગરસિકોને જલસો પડી જવાનો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ ઉત્તરાયણના બે દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સાથે પવનની ગતિ 10થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
- Advertisement -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 14 અને 15 જાન્યુઆરીએ આગાહી કરી છે કે 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે સવારે 7થી 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, એટલે કે પવનની ગતિ સામાન્ય રહેતાં સારી રીતે પતંગ ઉડાવી શકાશે, પરંતુ બપોર થતાં પવનની ગતિ મંદ થઇ શકે છે, જેથી પતંગરસિકોએ બપોરના સમયે પતંગ ઉડાવવા માટે થોડા વધારે ઠૂમકા મારવા પડી શકે છે, પરંતુ સાંજના સમયે પવનની ગતિ વધુ સારી રહેતાં મજા પડશે.
બીજી તરફ વાસી ઉત્તરાયણના દિવસે અંબાલાલ પટેલે પવનની ગતિ વધુ સારી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. 15 જાન્યુઆરીના રોજ પવનની ગતિ 10થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે, જેથી સહેલાઈથી પતંગ ઉડાવી શકાશે.
જોકે હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે આગામી 14 અને 15 જાન્યુઆરીના દિવસે પવનની ગતિ સામાન્ય રહેવાની શક્યતા છે, એટલે કે 10થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે જ હાલમાં જણાઈ આવતી શક્યતા મુજબ પવનની દિશા પૂર્વ અને દક્ષિણ-પૂર્વ દિશા તરફની રહેશે, પરંતુ પવનની દિશા બદલાઈ પણ શકે છે તથા ઠંડીનું પ્રમાણ પણ આ બે દિવસ દરમિયાન સારા પ્રમાણમાં રહેશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતાં ફરી એક વખત તાપમાનનો પારો ગગડી શકે છે, તેથી 14 અને 15 જાન્યુઆરી દરમિયાન પણ ગુજરાતમાં ઠંડકનો અનુભવ થશે.