વાયનાડ ભૂસ્ખલન સ્થળે જમીન 86000 મીટર સરકી; કાટમાળ 8 કિલોમીટર સુધી તણાઈ ગયો
ઈસરોની સેટેલાઈટ ઈમેજમાં ચોંકાવનારો ખુલાસો: આખા ગામો – વસાહતો નામશેષ થયા
- Advertisement -
કેરળના વાયનાડમાં સર્જાયેલા ભયાનક ભૂસ્ખલનનાં મૃત્યુઆંક 300થી વધુ ગયો છે અને 200થી વધુ લોકો લાપતા છે ત્યારે ભૂસ્ખલનમાં 86000 ચોરસ મીટર જમીન સરકી ગયાનુ અને તેનો કાટમાળ 8 કીલોમીટર સુધી તણાયાનો સેટેલાઈટ ઈમેજ પરથી ખુલાસો થયો છે.
ઈસરોના અંતર્ગત મહત્વના નેશનલ રિમોટ સેન્સીંગ સેન્ટર દ્વારા ભૂસ્ખલન પુર્વે તથા પછીની હાઈ-રીઝોલ્યુશન ઈમેજ ‘રિસેટ’ તથા કાર્ટોસેટ-3 મારફત મેળવવામાં આવી હતી.
- Advertisement -
તેમાં એવુ માલુમ પડયુ છે કે, 86000 સ્કવેરમીટર જમીન સરકી ગઈ છે અને તેના પરિણામે કાટમાળ 8 કીલોમીટર દુર તણાયો હતો અને ગામડાઓ તથા અન્ય વસાહતો ખેદાન મેદાન થઈ ગયા હતા.
હૈદ્રાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સીંગ સેન્ટરના રિપોર્ટ મુજબ ભૂસ્ખલન સમુદ્રી સપાટીથી 1550 મીટરની ઉંચાઈએ ચુરલમાલા ગામ નજીક થયુ હતું. ભૂતકાળમાં પણ આ સ્થળે જ ભૂસ્ખલન હોવાથી આ ક્ષેત્ર જોખમી શ્રેણીમાં આવી જાય છે.
રિપોર્ટમાં એમ કહેવાયુ છે કે, અનરાધાર વરસાદને કારણે પુર જેવી સ્થિતિમાં કાટમાળ પણ તણખો હતો. 8 કી.મી. સુધી તે તણાયો હતો. અગાઉ ભૂસ્ખલન થયુ હતું તે ઝોન ફરી ‘એકટીવેટ’ થયાની શંકા રહે છે.
ભૂસ્ખલનનું જમીની સ્તર 86000 ચોરસ મીટર માલુમ પડયુ છે. કાટમાળ તણાવાનું કારણ વરસાદ અને નદી હતી. નદીકાંઠા પણ તુટી ગયા હતા અને કાટમાળના વ્હેણથી અન્ય ઈમારતો ધરાશાયી અથવા ડેમેજ થયા હતા.
ઈસરો દ્વારા ફેબ્રુઆરી 2023માં ભારતનો ભૂસ્ખલન નકસો લોન્ચ કરવામાં આવ્યો હતો. તેમાં દેશના 17 રાજયો તથા બે કેન્દ્રશાસીત પ્રદેશોમાં 1998થી 2022માં સર્જાયેલી ભૂસ્ખલનની 80000ની ઘટનાઓ સામેલ કરવામાં આવી હતી. ભૂસ્ખલનની સ્થળ ચકાસણી, આગાહી તથા મોડેલ ઘડવા આધુનિક ટેકનોલોજી પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.