ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના પેશાવરમાં શીખ સમુદાયના બે લોકોની રવિવારે ગોળી મારીને હત્યા કરાઇ હતી. અજાણ્યા હુમલાખોરોના હાથે માર્યા ગયેલા સલજીત સિંહ (42) અને રંજીત સિંહ (38)ની સરબંધ વિસ્તારમાં મસાલાની દુકાન છે. હુમલાખોરો બાઇક પર આવ્યા હતા. પેશાવરમાં છેલ્લા આઠ મહિનામાં શીખ સમુદાય પર આ બીજો હુમલો છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં પેશાવરમાં એક પ્રસિદ્વ શીખ ડોક્ટરની અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. પેશાવરમાં અંદાજે 15,000 શીખ વસે છે. પેશાવરમાં શીખ સમુદાયના મોટા ભાગના લોકો વેપારથી જોડાયેલા છે, જ્યારે કેટલાક ફાર્મસીની દુકાનના માલિક છે. શીખોની મુખ્ય ધાર્મિક સંસ્થા શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ આ હત્યાની નિંદા કરી છે. એસજીપીસીના અધ્યક્ષ વકીલ એસ. હરજિંદર સિંહે કહ્યું કે લઘુમતીઓની આ રીતે હત્યા સમગ્ર વિશ્વ અને ખાસ કરીને શીખો માટે ગંભીર ચિંતાનો વિષય છે.