એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે સ્થળોએ દરોડા પાડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં આયુર્વેદિક સીરપના નામે કેફી પ્રવાહીનો કાળો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા આયુર્વેદિક સીરપના નામે કેફી પ્રવાહીનો કાળો કારોબાર કરતા શખ્સોનો પર્દાફાશ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી છે તે દરમિયાન મોરબીમાં અલગ અલગ બે સ્થળોએ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે દરોડા પાડીને નશીલા સીરપનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. મોરબી સિટી બી ડિવિઝન પોલીસને મોરબી-માળીયા નેશનલ હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીના શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાનમાં પાર્થભાઇ હસમુખભાઇ ચૌહાણ (ઉ.વ.25) ને ત્યાંથી રૂ. 12,24,000 ની કિંમતની અલગ અલગ કંપનીની નશાકરક સીરપની કુલ 12,240 બોટલો મળી આવી હતી જેથી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને આરોપી પાર્થની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત બીજા દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન એ ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગી બાતમીને આધારે મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ ક્રિષ્ના હોટલના કિષ્ના પાનના ગલ્લામાંથી અલગ અલગ કંપનીની આયુર્વેદીક શંકાસ્પદ કેફી પ્રવાહી સીરપની 135 બોટલ (કિં.રૂ. 21,000) નો જથ્થો મળી આવતા આ જથ્થા સાથે આર્યુવેદીક સીરપના નામે નશાનો કાળો કારોબાર કરતા ભોગીલાલ નરોતમભાઇ ખણુસીયા અને નિલેષભાઇ ગગુભાઇ ચાવડાને હસ્તગત કરીને ઋજક રીપોર્ટ આવ્યેથી વધુ કાર્યવાહી કરવામાં આવશે.