ઊચ્ચ પોલીસ અધિકારીએ ફરિયાદ નોંધવા ઈન્કાર કર્યો, રાજકારણીઓએ ફરિયાદ રોકવા ગામ આખ્ખું માથે લીધું… પણ અંતે ન્યાયનો વિજય
આટકોટના પ્રતીક્ષા વિદ્યા પ્રતિષ્ઠાન સંકુલમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કરવા બદલ ‘ખાસ-ખબર’ પર ચોતરફથી અભિનંદનની વર્ષા
- Advertisement -
ટ્રસ્ટી પરેશ રાદડિયા અને કોન્ટ્રાક્ટર મધુભાઈ ટાઢાણી વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
રાજકોટ જિલ્લાના આટકોટ ગામે આવેલી ક્ધયા છાત્રાલય, ‘પ્રતીક્ષા વિદ્યા પ્રતિષ્ઠાન સંકુલ’માં થયેલા બળાત્કાર કાંડમાં રાજકોટ જિલ્લા પોલીસે અંતે મને-કમને ફરિયાદ નોંધવી પડી છે. પીડિત યુવતીએ પોલીસમાં અરજી આપ્યા પછી તેની પરથી ફરિયાદ નહીં નોંધવા જિલ્લા પોલીસે ખૂબ ધમપછાડા કર્યાં હતાં પરંતુ મીડિયા અને જાગૃત નાગરિકોના પ્રચંડ દબાણને કારણે અંતે આરોપી મધુભાઈ ટાઢાણી (કોન્ટ્રાક્ટર) અને ટ્રસ્ટી પરેશ રાદડિયા વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, આ કાંડનો સૌ પ્રથમ ઘટસ્ફોટ ‘ખાસ-ખબર’એ જ કર્યો હતો અને પાપિયાઓને દોડતાં કરી દીધાં હતાં. ‘ખાસ-ખબર’એ સતત ત્રણ દિવસ આ મામલે ઝૂંબેશ ચલાવી હતી. એ પછી ટ્રસ્ટીઓ વગેરેએ આ શરમજનક મામલો દબાવવા ખૂબ ઉધામા કર્યા હતાં. પરંતુ અંતે તેમણે ફરિયાદ નોંધવી પડી હતી. આ એફ.આઈ.આર.નું લખાણ ટીકા-ટિપ્પણ વગર, સંવેદનશીલ વિગતો કાપીને અહીં મૂકી રહ્યાં છીએ…
ફરિયાદમાં જણાવ્યા મુજબ આજરોજ હું અહીં આટકોટ પોલીસ સ્ટેશન ખાતે આવી મારી ફરિયાદ લખાવું છું કે હું સને 2019થી માહે 03-2024 સુધી ડી. બી. પટેલ ક્ધયા છાત્રાલય, આટકોટ ખાતે અભ્યાસ કરતી હતી અને ત્યાં મેં ધોરણ 11, 12 તથા બી.સી.એ. સુધી અભ્યાસ કર્યો છે અને હું જ્યારે બી.સી.એ.માં અભ્યાસ કરતી હતી ત્યારે ડી. બી. પટેલ ક્ધયા છાત્રાલય ખાતે પાર્ટટાઈમ રેકટર તરીકે પણ ફરજ બજાવતી હતી અને માહે 06-2023થી મધુભાઈ ટાઢાણી રહે. પાંચવડા તા. જસદણવાળા અમારી હોસ્ટેલ ખાતે પરેશભાઈ રાદડીયા તથા અરજણભાઈ રામાણીના મિત્ર હોવાથી અવારનવાર આવતા હતા. ત્યારથી આ મધુભાઈ તથા પરેશભાઈ ઓફીસમાંથી બેઠા બેઠા મારી સામે આંખો મારતા અને સ્માઈલ કરતા હતા. બાદ દસથી પંદર દિવસ પછી આ મધુભાઈએ મને તેના મો. 9979555353 પરથી વ્હોટ્સએપ કોલ કરી કહેલું કે તું આજે રૂમે રહેજે કોલેજે જતી નહીં જેથી હું કોલેજે ગયેલી નહીં બાદ સવારના આશરે નવેક વાગ્યે હું મારા રૂમમાં સુતી હતી ત્યારે પરેશભાઈ તથા મધુભાઈ એમ બંને મારા રૂમ પર આવેલા અને મને ધમકી આપી કે અમે કહીએ તેમ તું કરજે તેમ કહી મારા શરીરે બંનેએ ટચ કર્યું અને બંનેએ મારી સાથે જબરદસ્તી કરી અને વારાફરતી આ બંનેએ મારી સાથે શરીર સંબંધ બાંધ્યો બાદ તે બંને મારા રૂમેથી જતા રહ્યા હતા.
અને આ મધુભાઈએ મને કહ્યું કે ટ્રસ્ટીઓને મારા પર ટ્રસ્ટ છે, અને રામાણીસાહેબને બધી ખબર છે. અને થોડા દિવસ પછી અમારી છાત્રાલયની છોકરીઓને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા, તે દિવસે બપોરના આશરે ત્રણેક વાગ્યે આ મધુભાઈએ મને વોટ્સએપ કોલ કરી કહ્યું કે હું કહું તેમ તું ઉપર આવજે જેથી હું તેમના કહેવા મુજબ હોસ્પિટલના ઉપરના માળે ગઈ અને ત્યારે તેણે એક રૂમમાં મારી સાથે જબરદસ્તીથી હગ તથા કીસ કરી બાદ હું તા. 4-5-2024ના રોજ મારા અંકલને ત્યાં સુરત ખાતે આઈ.ટી.ના કલાસીસ કરવા માટે જતી રહી હતી અને હું જ્યારે સ્કાયવીન ક્લાસીસ ખાતેથી આશરે અગિયારેક વાગ્યે છુટીને અમરોલી બેલડીયા હોસ્પિટલની નીચે ઉભી હતી ત્યારે આ મધુભાઈ તથા તેનો એક મિત્ર એમ બંને મારી પાસે સફેદ કલરની ફોરવ્હીલ લઈને આવ્યા અને મને પાર્કીંગમાં લઈ ગયા અને ત્યાં પણ જબરદસ્તી કરવાની કોશીશ કરી બાદ તા. 9-7-2024ના રોજ હું કલાસીસમાંથી છુટીને અમરોલી ખાતે ઉભી હતી ત્યારે આશરે અગિયારથી સાડા અગિયાર વાગ્યા વખતે ફરીથી આ મધુભાઈ મારી પાસે મોટર સાયકલ લઈને આવ્યા ત્યારે મેં મારા મિત્ર પાર્થ ડામશીયાને ફોન કરી મારી પાસે બોલાવ્યા તો આ મધુભાઈએ તેમને ગાળો બોલી અમે હતા ત્યાંથી કાઢી મૂકી અને મધુભાઈએ મને ધમકી આપી કહ્યું કે રૂા. 2000માં બહાર શરીર સુખ મળી રહે છે
તેમ કહી મને રૂા. 5000 આપી કહ્યું કે આ રૂપિયા તું રાખી સારા કપડા લઈ લેજે પરંતુ મેં તે રૂપિયા લીધા નહીં બાદ મને તેના મોટર સાયકલમાં બેસાડી અને મારો ફોન લઈ લીધેલો અને મારા મોબાઈલમાં રહેલા રેકોર્ડીંગ ડીલીટ કરી નાખેલા તથા મારા મમ્મી પપ્પા તથા મારા અંકલના મોબાઈલ નંબર લઈ લીધો અને મને ગાળો આપી તથા મને કહ્યું કે તુ મારી સાથે લગ્ન કરી મારા દીકરા નિશાંતને સાચવજે નહીંતર તારા મમ્મી પપ્પાને કહી દઈશ અને ક્યાંય તારો સંબંધ નહીં થવા દઉં, બાદ ત્યાંથી હું મારા અંકલના ઘરે જતી રહી હતી. બાદ ગઈ તા. 12-7-2024ના રોજ આ મધુભાઈથી કંટાળી હું સુરતથી મારા ઘરે ગમાપીપળીયા ગામે આવતી રહી અને ઘરે આવી મેં મારા મમ્મી પપ્પાને તથા મારા અંકલ કમલેશભાઈને આ બનાવ બાબતે વાત કરી મને આ મધુભાઈની મને બીક હોય જેથી મેં આજદીન સુધી આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી અને આજરોજ હું મારા મમ્મી પપ્પા તથા મારા અંકલ હાર્દિકભાઈ સવજીભાઈ ચોવટીયા સાથે અહીં આટકોટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લખાવવા આવી છું.
હજુ વધુ દીકરીઓ ફરિયાદ નોંધાવવા આગળ આવે તેવી પૂરેપૂરી સંભાવના
‘ખાસ-ખબર’ને મળેલી એક્સ્કલુઝિવ માહિતી મુજબ આ ક્ધયા છાત્રાલયમાં છ કરતાં વધુ દીકરીઓનું આ જ ઢબે શારિરીક શોષણ થયું છે. આ દીકરીઓના પ્રકરણની તમામ વિગતો પણ ચોક્કસ લોકો પાસે છે. જાણવા મળતી વિગતો મુજબ આમાંથી અમુક દીકરીઓ ફરિયાદ નોંધાવવા આગળ આવે તેવી શક્યતા છે.
‘ખાસ-ખબર’ના અહેવાલોએ દીકરીઓને હિંમત આપી
આટકોટ ક્ધયા છાત્રાલયનો આ કાંડ સૌ પ્રથમ ‘ખાસ-ખબર’એ ઉજાગર કર્યો હતો. દીકરી હજુ ફરિયાદ નોંધાવવા બાબતે અવઢવમાં હતી ત્યારે ‘ખાસ-ખબર’એ નક્કર, હાર્ડ હિટિંગ અહેવાલો આપીને પીડિત દીકરીને ગજબનાક હિંમત આપી હતી. સૂત્રોએ આ માહિતી સ્વયં ‘ખાસ-ખબર’ને આપી હતી અને અખબારી ધર્મ બજાવવા બદલ અભિનંદન આપ્યા હતાં.