105 દિવસના વિરામ બાદ આકાશમાં ઉલ્કા વર્ષાનો પ્રારંભ
તા.21-22 એપ્રિલ પરોઢ સુધી આકાશમાં ઉલ્કા વર્ષા પડતી નજરે પડશે, ખગોળીય આનંદ લૂંટવા વિજ્ઞાન જાથાની અપીલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
105 દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કાવર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં તા.15 એપ્રિલ મધ્યરાત્રિથી 29 એપ્રિલ સોમવાર પરોઢ સુધી લાયરીડસ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે.
ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષનો અદભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન આદર્યા છે. જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે તા.15 મંગળવાર મધ્યરાત્રિથી 29 સુધી આકાશમાં લાયરીડસ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા.21 તથા 22 મી રાત્રીએ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના 15 થી 100 ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે. મધ્યરાત્રિએ જોવા મળશે.
વધુમાં પંડયા જણાવે છે કે લાયરીડસ ઉલ્કાવર્ષા મહત્તમ બે દિવસ તા. 21 તથા 22 પરોઢ સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન 10 થી 12 વખત અને વધુમાં વધુ 5 વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. ઉલ્કા વરસાદને નજરકેદ કરવા 10સ50 નું મેગ્નીફીકેશન ધરાવતું દૂરબીન ગોઠવી શકાય છે.
- Advertisement -
જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજયભરમાં આયોજન ગોઠવ્યું છે તેમાં રાજકોટ, અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, રાજપીપળા, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ધાનેરા, ડીસા, હિંમતનગર, ગાંધીધામ, માંડવી, અંજાર, મોરબી, પાવગઢ, ગોધરા, વિગેરે નાના-મોટા નગરોમાં બે દિવસીય તા. 22-23 એપ્રિલ મધ્યરાત્રિ – પરોઢે વ્યવસ્થાની આખરી ઓપની તૈયારી આરંભી છે. લાયરીડસ ઉલ્કાવર્ષાનો નજારો તા. 21 તથા 22 રાત્રીના નિહાળવાની તૈયારીમાં જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, રોમિત રાજદેવ, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, રાજુ યાદવ, નિર્મળ મેત્રા, ભોજાભાઈ ટોયટા, હર્ષાબેન પંડયા, ભાવનાબેન વાઘેલા, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ વિગેરે અનેક સદસ્યો જોડાયા છે.
રાજયમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મોબાઈલ : 98252 16689 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.