વિજય બોઘરા આરોપીઓની ઉઘરાણીથી થાકીને ઘર છોડીને ચાલ્યા ગયા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વર્ષ 2016માં આજી ડેમ પો.સ્ટે.માં કોઠારીયા રોડ ઉપર રહેતા ફરિયાદી શિલ્પાબેન વિજયભાઈ બોઘરાએ એ મતલબની પોલીસ ફરિયાદ નોંધાવેલી કે ફરિયાદીના પતિ વિજયભાઈએ અનેક લોકો પાસેથી ધંધાકીય કામકાજ માટે રોકડ રકમ ઉંચા વ્યાજે લીધેલી હોય જે રકમ તથા વ્યાજ આપી દીધેલી હોવા છતાં વ્યાજના રૂપિયા તથા મુદ્દલ રકમની ઉઘરાણી કરી, ધાકધમકી આપતાં હોય જેથી વિજયભાઈ બોઘરા ઘરેથી કોઈને કહ્યા વગર જતાં રહેલા હતા અને ત્યારબાદ આરોપીઓ અવારનવાર ફરિયાદીના ઘરે આવી બળજબરીથી વ્યાજના પૈસાની રકમ કઢાવવા ધાકધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી, મકાનને તાળા મારી જતાં રહેજો તેમ કહી ગુન્હો આચર્યાની ફરિયાદ નોંધાવેલી હતી. પોલીસે મહિલા શિલ્પાબેન બોઘરાની ફરિયાદ ઉપરથી આઈ.પી.સી.ની તથા મનીલેન્ડ એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી અને તાત્કાલિક તપાસ શરૂ કરી ઘનશ્યામ અમરાભાઈ જળુ, જીજ્ઞેશ ઉર્ફે પથુભાઈ બાવાભાઈ ચાવડા, ધર્મેશ બાવાભાઈ ચાવડા, રમેશભાઈ ઉર્ફે મનુભાઈ ભીખુભાઈ રાઠોડ, લાભુભાઈ રાઠોડની ધરપકડ કરી હતી. આ કામમાં આરોપીનો જામીન ઉપર છુટકારો થયેલો હતો. કેસ અદાલતમાં ચાલવા ઉપર આવેલો હતો અને સરકારી વકીલ દ્વારા સાક્ષીઓની જુબાની લેવામાં આવેલી હતી જેમાં ફરિયાદી, સાહેદો, પંચો, પોલીસ અધિકારીએ પોતાની જુબાની આપેલી અને આરોપીઓ તરફ ઉલટતપાસ પણ લેવામાં આવેલી હતી અને બચાવ પક્ષ તરફે યુવા વકીલ હેમાંસુ પારેખ દ્વારા પોતાની દલીલમાં રજૂઆત કરવામાં આવેલી કે ઘર મૂકીને ચાલ્યા જનાર વિજયભાઈના આર્થિક વ્યવહારો અંગે તેમના ફરિયાદી પત્ની શિલ્પાબેન અને તેમના પરિવારના સભ્યોએ કોઈ માહિતી નથી અને બધા સાહેદો અલગ અલગ લેતી-દેતીના આંકડાઓ જુબાનીમાં જણાવે છે, અને વિરોધાભાસ રહેલો છે, ઘર છોડીને ચાલ્યા જનાર વિજયભાઈએ આજ દિવસ સુધી કોઈ ફરિયાદ અરજી કરેલી નથી અને તેઓએ નાણાં ન ચૂકવવા પડે તે માટે પોતાની પત્ની પાસે લાંબા સમય બાદ ફરિયાદ કરાવેલી છે અને વિજયભાઈને ચેક રિટર્ન કેસમાં સજા થઈ ગયેલી અને ત્યારબાદ તેઓએ રકમ ચૂકવી સમાધાન કરેલું છે. અદાલતે કેસના સંજોગો, કેસની હકીકતો, દસ્તાવેજી પુરાવાઓ, સાક્ષીની જુબાનીઓ અને નામદાર અદાલતોના વિવિધ ચૂકાદાઓને ધ્યાનમાં રાખી આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કરવામાં આવેલો હતો.
આ કામમાં આરોપીઓ ઘનશ્યામ અમરાભાઈ જળુ, જીજ્ઞેશ ઉર્ફે પથુભાઈ ચાવડા, ધર્મેશ ચાવડા તરફે રાજકોટની જાણીતી લો ફર્મ યુવા લો એસોસિએટના હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, કુલદીપ ચૌહાણ, યશપાલ ચૌહાણ, નિધિ રાયચુરા, ડેનીશા રાઠોડ, નયન મણીયાર, વાય. વાય. શેખ તથા લો આસિસ્ટન્ટ સતીષ હેરમા એડવોકેટ તરીકે રોકાયેલા હતા.