અમિત ચાવડાએ કોલસા ચોરીના પ્રશ્ર્નો સામે સરકારે આંકડા જાહેર કર્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લાની ખનિજ ચોરી દ્વિતીય ક્રમે હોવાનું ખુદ સરકારે સ્વીકાર્યું છે. જેમાં અમિત ચાવડા દ્વારા ગાંધીનગર વિધાનસભા સત્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં થતી કોલસાની ખનિજ ચોરી બાબતે સવાલો ઉઠાવ્યા હતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ” સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ ચોરી સામાન્ય બની ગઈ છે, તેવામાં કોલસાની ખનિજ ચોરી કરતા ખનિજ માફિયાઓને તંત્ર જ છાવરતા હોય છે. આ સાથે અમિત ચાવડાએ વિધાનસભામાં ખાણ ખનિજ મુદ્દે આકરા સવાલોથી સરકારી તંત્ર પણ ભીસમાં આવ્યું હતું.
જેથી સરકારે ખનિજ ચોરી બાબતે આંકડા જાહેર કર્યા હતા જેમાં રાજ્યના તમામ વિસ્તારોમાંથી સૌથી વધુ ગેરકાયદેસર ખનનના કિસ્સા છોટાઉદેપુર અને ત્યારબાદ સુરેન્દ્રનગર ખાતે સામે આવ્યા હોવાનું યાદીમાં જાહેર થયું હતું એટલે કે રાજ્યમાં ગેરકાયદેસર ખનનના કિસ્સામાં સુરેન્દ્રનગર દ્વિતીય ક્રમે છે. એક તરફ અહીંનું સ્થાનિક તંત્ર સબ સલામતના બણગા ફુંકે છે તો પછી સરકારે જાહેર કરેલા આંકડા શું સાબિત કરે છે ? આ તરફ સરકારે જાહેર કરેલ યાદી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન અંગે 906 કિસ્સા સામે આવ્યા હતા. ગત વર્ષ એટલે કે વર્ષ 2023 અને 24 સુધી રૂપિયા 7988.47 લાખનો દંડ ફટકાર્યો છે જેમાંથી રૂપિયા 1471.43 લાખનો દંડ વસૂલ્યો છે આ સાથે સરકારે પોતાની યાદીમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર ખનિજ ચોરીનો એક પણ કેસ પોલીસ ચોપડે નોંધાયેલ નથી.
જોકે આ બાબત અને આંકડા ખૂબ જ અચરજ પમાડે તેવા છે પરંતુ સરકાર જે જાહેર કરે તે આપણે સત્ય માનવું જરૂરી નથી કારણ કે જે પ્રકારે સરકાર અને પ્રશાસન જણાવે છે તેનાથી વધુ ખનિજ ચોરી સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ રહી છે તે પણ સત્ય છે.
તેવામાં અમિત ચાવડા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની ખનિજ ચોરી બાબતે ઉઠાવેલા સવાલો બાદ સુરેન્દ્રનગર જિલ્લાના ઈનચાર્જ ભૂસ્તરશાસ્ત્રી સહિતના મુખ્ય અધિકારીઓને ગાંધીનગરનું તેડું આવ્યું હતું. આ તરફ અમિત ચાવડાના પ્રશ્નોના જવાબ આપતા બળવંતસિંહ રાજપૂત દ્વારા 1995થી 30 કોલસાની લીઝ શરૂ હોવાનું જેને છેલ્લા દસ વર્ષમાં 12 લીઝની તપાસ કરાઈ હોવાનું જણાવ્યું હતું.
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 30 કોલસાની લીઝ ધરાવતી ખાણો
સરકારી આંકડા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં લીઝ ધરાવતી કુલ 30 કોલસાની ખાણો છે જેમાં છેલા દશ વર્ષમાં માત્ર 12 ખાણોમાં જ તપાસ હાથ ધરાઇ છે એટલે કે બાકીની લીઝ ભગવાન ભરોસે ચાલી રહી હોવાનું સ્પષ્ટ થાય છે.
રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લાના ગેરકાયદે ખનિજનો ધંધો દ્વિતીય ક્રમે!
- Advertisement -
રાજ્યમાં છોટાઉદેપુર બાદ સુરેન્દ્રનગર જિલ્લો ગેરકાયદેસર ખનનનું હબ બન્યું છે જેમાં ગત વર્ષ સુધી જિલ્લામાં કુલ 906 ગેરકાયદે ખનનના કિસ્સા સામે આવતા હતા જેમાંથી 7988.47 લાખનો દંડ ફટકાર્યો હતો પરંતુ સરકારની યાદીમાં એક પણ કેસ પોલીસ ચોપડે નહીં નોંધાયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો જે ઉડીને આંખે વળગ્યો છે.