ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતરત્નથી સન્માનિત ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમાજનું ઘડતર કરવામાં અને સમાજને સુરક્ષિત રાખવામાં શિક્ષકનો બહુ મહત્વનો ફાળો હોય છે. દેશના આધાર સ્તંભ, પાયા સમા નાગરિકોને તૈયાર કરનાર શિક્ષક લોકોના હર્દયમાં કાયમ રહે એ માટે આ દિવસની ઉજવણી મહત્વની છે. જૂનાગઢની ડો.સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થી બહેનોની સર્વધર્મ પ્રાર્થના બાદ કોલેજ આચાર્યશ્રી બલરામ ચાવડાએ વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષકની અગત્યતા સમજાવતા કહ્યું હતું કે, વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા ખૂબજ મહત્વની છે. કેમકે તેમની એક એક પળ વિદ્યાર્થીના જીવન સાથે જોડાયેલી હોય છે. શિક્ષક વિદ્યાર્થીના ઉમદા ભવિષ્યનો પ્રણેતા બની શકે છે અને તેના ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ બની શકે છે.