– જીવનના દરેક તબક્કે તેમને કિસ્મતે “મામુ” બનાવ્યા છતાંય આફતને અવસરમાં ફેરવી સફળતાના શિખરો સર કર્યો

– બાળપણમાં કુલ્ફી વેચવાથી માંડીને કરિયાણાની દુકાનમાં હમાલી જેવું કામ, સાયબરકાફેમાં નોકરી પણ કરી

– હોસ્ટેલ લાઇફે જીવનના વિવિધ રંગો સમજાવ્યા

– પ્રિન્ટ મીડિયામાં ટાઇપીસ્ટથી શરૂ થયેલી મીડિયાની યાત્રા સફળ RJ સુધી પહોંચી

– ટેલિફોન કરીને અજાણ્યા લોકો સાથે ગમ્મત કરવાના વિચારે પ્રખ્યાત “મામુ બનાવ્યો” શોને જન્મ આપ્યો

Big FM ના બહુ જાણીતા શો ના સર્જક અને RJ વિનોદને કોણ નથી ઓળખતું? “મામુ બનાવ્યો” નો લહેકો શ્રોતાઓના મન અને તનને હળવાફુલ બનાવી દે છે. પોતાની આગવી શૈલીથી RJ અને એન્કરીંગના ક્ષેત્રમાં નામ, દામ અને વધુને વધુ કામ મેળવનાર RJ વિનોદની જીવન સફર તેમના “શો” મુજબ જરાય હળવીફુલ નથી રહી. બચપણથી માંડીને યુવાની સુધી સતત સંઘર્ષ જીવનના તમામ ક્ષેત્રમાં ઉતાર- ચડાવ છતાંય જીવનની દરેક આફતને અવસરમાં પલટવાની તેમની કાબીલે દાદ મહેનતના કારણે આજે RJ વિનોદ લોકોના હૈયે અને હોઠે વસેલું નામ છે તો ચાલો માણીએ ” ખાસ ખબર ” ના સથવારે RJ વિનોદની સંઘર્ષમય જીવનગાથાને,

” ખાસ ખબર ” સાથે ખુલીને વાત કરતા RJ વિનોદે તમામ સવાલોના મન મુકીને જવાબ આપ્યા હતા. તેમના બાળપણના સંઘર્ષ બાબતે તેઓ કહે છે કે, મારૂ મૂળ વતન કચ્છ છે. મારો જન્મ કચ્છના નલિયામાં થયો હતો. આમ કહું તો મને મોસાળે મોટો કર્યો છે. હું 12 વર્ષ સુધી મારા નાના-નાની પાસે જ રહ્યો. ત્યાર પછી મારા મમ્મી- પપ્પા પાસે આવ્યો. કચ્છી ભાષામાં મમ્મી- પપ્પાને બાઇ- અદા કહે છે, જેથી હું મારા નાના-નાનીને બાઇ- અદા કહેતો. મને તેના પ્રત્યે સૌથી વધુ લગાવ હતો. નલિયામાં મારા નાના-નાની ખેતરમાં ખેતી કરતા હતા. વેકેશનમાં પણ મારા મોસાળે જતો. હું ત્યાં કુલ્ફી બનાવીને પણ વેચતો, અને ત્યાં ગામમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં 12 રૂપિયા અને એક શિંગનું પેકેટ આપતા. જ્યાં હું રેકડીને ધક્કા મારીને હમાલીનું કામ કરતો. ચાની ટપરી પર પણ કામ કરેલું છે. શાકભાજી અને ચીકી પણ વેંચી છે.

RJ વિનોદે ખાસ- ખબર સાથેની વાતચીતમાં પોતાની કારકિર્દીની શરૂઆત વિશે જણાવતાં કહ્યું કે, આ વાત વર્ષ 2007ની છે. મે ત્રણ વખત Big FMને કેમ્પસ ઇન્ટરવ્યુ આપ્યા હતા. પહેલી વખત ઇન્ટરવ્યુ આપવા ગયો ત્યારે સિલેક્ટ તો થયો પરંતુ અવાજ બેસી જવાના કારણે રિજેક્ટ થઇ ગયો. બીજી વખતનો ઇન્ટરવ્યુ અમદાવાદ ખાતે હતો. જેમાં પણ રિજેક્ટ થયો. ત્રીજી વખતમાં હું અને ઋત્વીજ ઇન્ટરવ્યુ પેનલમાં હતા. ત્યારે કિન્નરભાઇ આચાર્ય ઇન્ટરવ્યુ લઇ રહ્યા હતા. તેમણે મને બોલિવુડના સમાચાર કઇ રીતે શોધવા તેવા પ્રશ્નો પૂછયા અને મને ટેલોસ ઓપરેટરની રૂ,8000ની સેલેરીવાળી નોકરી મળી. ત્યાર પછી ઓપરેટરની પોસ્ટમાંથી મને ઓફિશીયલ RJ તરીકે “રંગ છે રાજકોટ” નામે પ્રથમ શો મળ્યો. ત્યારે સ્ટેશન હેડ તરીકે નિશાંત થડાણી અને બોસ(પ્રોગ્રામર) તરીકે કિન્નરસર હતા.

પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત ક્યાંથી થઇ?
આ પ્રશ્નનોના જવાબ આપતા કહ્યું કે, હું વર્ષ 2005-06માં જામનગરમાં ભૂમિ ન્યુઝપેપરમાં જોડાયો. ત્યારે તંત્રી તરીકે દેવશીભાઇ હતા. ત્યાં ટાઇપિંગનું કામ મળ્યું હતું. પરંતુ તેમાંથી આગળ કંઇ વધી શકાયું નહીં. એટલે આસપાસ ન્યુઝપેપરમાં કમ્પ્યુટર ટાઇપિસ્ટ તરીકે જોડાયો. જ્યાં આસપાસ ન્યુઝપેપરમાં કમ્પ્યુટર ટાઇપિસ્ટ તરીકે જોડાયો. જ્યાં આસપાસના તંત્રી તરીકે સમીર ગડકરી હતા. જેમાં હું આર્ટિકલ અને ઇન્ટરવ્યુ લખતો, તેમજ ફિલ્ડ વર્કમાં કામ કરતો. તેમાંથી તેમની ભલામણથી જ રાજકોટની એ.વી.હિરાણી કોલેજમાં પત્રકારત્વ ભવનમાં એડમિશન લીધું.

તમે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો છે, તો તમારો અનુભવ કેવો રહ્યો?
આમ, મારૂ મારૂ બાળપણ કચ્છના નલિયામાં વીત્યું. ત્યારપછી અમારો પરિવાર જામનગર શિફ્ટ થયો. મારા મમ્મી કચ્છમાં બીડી બનાવવાનું રોજનું 15 રૂનું કામ કરતા અને જામનગર આવ્યા પછી બ્રાસ પાર્ટનું કામ કરતા. જેમાંથી તેમને 500 રૂ. મળતા. તેથી મારા પિતાએ તેના મિત્ર પાસેથી પૈસા ઉધાર લઇને મને સ્કુલ ડ્રેસ અપાવ્યો અને ફીના પૈસા ભરીને જ્ઞાતિની કચ્છી ભાનુશાલી વિદ્યાર્થી ભવનમાં એડમિશન કરાવ્યું. મારા બાળપણ અને યુવાનીના દિવસોના 11 વર્ષ મે હોસ્ટેલમાં રહીને પસાર કર્યો. પારિવારિક સંઘર્ષ અને પૈસાની અછતના કારણે હોસ્ટેલની ફી અને ખર્ચના પૈસા પણ મળતા નહીં, તેથી મારા નાના મને ખર્ચના પૈસા મનીઓર્ડર કરતા. જેથી હું રાત્રે ચોરીછુપીથી સાઇકલ પર સાઇબર કાફેમાં 500 રૂ.માં કામ કરવા જતો. જેમાંથી 100 રૂ. મારા ખર્ચ માટે રાખતો અને બાકીના પૈસા ઘરે મોકલી આપતો. મારી તો દરેક માતા-પિતાને વિનંતી છે કે તેઓએ પોતાના બાળકોને જરૂર હોસ્ટેલમાં મોકલવા જોઇએ। મે હોસ્ટેલમાં ખૂબ મસ્તી અને તોફાનો કર્યો છે.

તમે જર્નાલિઝમનું ફિલ્ડ કઇ રીતે પસંદ કર્યુ?
આ પ્રશ્નના જવાબમાં તેમણે તે દિવસો યાદ કરતા કહ્યું કે, હું જામનગરની વી.એસ. કોલેજમાં ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો, ત્યારે ત્યાં એક CCS કમ્પ્યુટરનો કોર્ષ થતો હતો. જેમાં રૂ. 2500ની ફી ભરીને હું કમ્પ્યુટર શીખ્યો. ત્યારે મિત્રો પાસેથી ઉધાર પૈસા લઇને મે સાઇકલ ખરીદી. પહેલા તો હોસ્ટેલમાં રહેલા કમ્પ્યુટરમાં એડવર્ટાઇઝમેન્ટ બનાવતો અને ભૂમીમાં ટાઇપિસ્ટનું કામ પણ કરતો. હું બહારથી પણ એડવર્ટાઇઝમેન્ટ બનાવવા માટે ઓર્ડર લેતો અને આ બધા કામના મને 1500થી 2000 રૂ. મળતા અને કામકાજના કારણે ઘણા નવા મિત્રો પણ બન્યા. ત્યારપછી થયું કે જો દુનિયા જાણવી હોય તો પત્રકાર થવું જરૂરી છે, અને આ જ વિચારે મે પત્રકારત્વમાં એડમિશન લીધું. તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મને 13,000 રૂ. સ્કોલરશીપ મળતી. આમ, મારો જામનગરથી રાજકોટ આવવા જવાનો ખર્ચો નીકળી જતો. ત્યારે પત્રકારત્વના અભ્યાસની સાથે આસપાસ ન્યુઝપેપરમાં નોકરી ચાલુ હતી. એટલે સવારે 7 વાગ્યે ઓફિસ પહોંચીને 10 વાગ્યા સુધી સીટી એડિશન સંભાળું. બધા પત્રકારોએ મોકલેલા ન્યુઝને રિ-રાઇટ કરૂ, આર્ટિકલ લખું અને 10:00થી 12:30 વાગ્યે રાજકોટ આવું અને કોલેજમાં જર્નાલિઝમના ક્લાસ અટેન્ડ કરૂ. ફરી પાછો રાત્રે 8:30થી 9:00 વાગ્યે ઓફિસની બીજી શીફ્ટમાં પ્રેસનોટ બનાવવાનું કામ કરૂ. આમ, મેન્ટલ અને ફિઝીકલ બંન્ને સ્ટ્રગલ ખૂબ રહેતું. રાત્રે હોસ્ટેલ પહોંચું તો જે જમાવાનું વધ્યું હોય તે ખાઇ લેતો. મને યાદ છે ત્યાં સુધી હું સતત ચાર વર્ષ સુધી એક સમય જ જમતો.

તમારો હિટ શો “મામુ બનાવ્યો” તે કેવી રીતે શરૂ થયો?
મારો શો મામુ બનાવ્યો એ વિચાર આમ તો મારા બાળપણનો હતો. અમે હોસ્ટેલમાં હતા ત્યારે ટેલિફોન પર કોઇપણ અજાણ્યા લોકોને ફોન ડાયલ કરીને મસ્તી કરતા. આ વિચારને હું જ્યારે RJ નો શો કરતો ત્યારે મને થયું કે આવું ફરી કરવું જોઇએ. લોકોને સાંભળીને મજા આશે. મારા આશ્ચર્ય વચ્ચે મારા પ્રોગ્રામિંગ હેડ પણ માની ગયા. અને અમે આ શો ચાલુ કર્યો, અને અમે આ શો ચાલુ કર્યો. અને આખરે સફળતા મારે દરવાજા સુધી આવી ગઇ. આ શો એટલો હિટ રહેશે એનો કોઇ જ અંદાજ નહોતો. પરંતુ, હા સાચું છે કે આ શો એ જ છે જેને માન, સમ્માન, નામ, લોકોનો પ્રેમ બધું જ અપાવ્યું. મારા જીવનની દિશા અને પરિસ્થિતિ બદલી નાખી.

તમારા હિટ શો મામુ બનાવ્યોનો એવો કોઇ કિસ્સો જે ખાસ હોય તમારા માટે તેના વિશે જણાવશો
આમ, તો આ શો માં હું લોકો પાસેથી નંબર મળતા. એના પર ફોન કરીને મજાક મસ્તી જ કરતા અને આ દોડધામવાળી જીંદગીમાં લોકોને થોડા સમય હસવા મળી જતું. પણ એકવાર એવું બન્યું કે, એક ભાઇ મને મળવા ઓફિસ આવ્યા. એમને જોતા એવું લાગ્યું કે એ ખૂબ ચિંતામાં હશે. પછી તેમણે મને પોતાની પરેશાની કહેતા કહ્યું કે, મને જીવવામાં રસ નથી. હું શું કરૂ? પછી મે એમને આશ્વાસન આપ્યું અને થોડા પૈસા આપ્યા. ત્યારબાદ તેમને ડો. વિજય નાગેચા પાસે મોકલ્યા. તેમણે તેનું કાઉન્સેલિંગ કર્યુ અને દવા આપી. થોડા સમય પછી તેમનો ફોન આવ્યો, તેમને હવે સારી છે તેમ જણાવ્યું અને આભાર માન્યો. આમ, મારી સંઘર્ષપૂર્ણ જીંદગી જોતા કહ્યું કે, હું કોઇને મદદરૂપ બની શક્યો.

RJની સાથે એન્કરિંગના ફિલ્ડમાં કેવી રીતે આવ્યા?
આમ, જોઇએ તો રેડિયો જોકી અને એન્કરિંગનું ફિલ્ડ સરખું જ છે. એન્કરિંગના ફિલ્ડમાં મને સૌથી સારો બ્રેક મેરેથોનમાં મળ્યો. જ્યાં 62 થી 65 હજાર વ્યક્તિઓ સામે એન્કરિંગ કર્યુ. તેમજ ગુજરાત સરકારની યોજનાનું નરેન્દ્ર મોદી દ્વારા તકતી અનાવરણમાં કરવામાં મારા અવાજનો ઉપયોગ થતો. તેમાં પણ મારા અવાજનો ઉપયોગ થતો. તેમજ ઇન્ટરવ્યુમાં પણ હું બોલિવુડના સ્ટાર્સની મિમિક્રી પણ કરતો.

સારા RJ બનવા માટે કેવા ગુણો વિકસાવવા જોઇએ
RJની કારકિર્દીએ મને દરેક પરિસ્થિતિમાં લડતા શીખવ્યું. આજે જમાનો મલ્ટીટાસ્કિંગનો છે અને સ્પર્ધા વધુ પ્રમાણમાં રહેલી છે. જેથી રેડિયો જોકી બનવા માટે સ્પષ્ટ ભાષા, શબ્દોની પકડ, સારી કોમ્યુનિકેશન સ્કીલ, પારિભાષિક શબ્દોની સમજ, જે વિસ્તારમાં કામ કરતા હોય તેનું નોલેજ, સામાન્ય જ્ઞાન, મેન્યુઅલ, આસપાસની દુનિયામાં બનતી ઘટનાઓની જાણકારી, તેમજ ટેકનિકલ નોલેજ હોવું જરૂરી છે.

રાજકોટ વિશે તમારા અનુભવો જણાવો
સાચું કહું તો, રાજકોટને જેટલું પૂજયે તેટલું ઓછું છે. હું રાજકોટ વર્ષ 2005-06માં આવ્યો. પહેલા તો જામનગરથી રાજકોટ અપડાઉન કરતો. પછી અહિં જ પરિવાર સાથે સ્થાયી થયો. હું અહિં આવ્યો ત્યારે મારી પાસે કંઇ જ નહોતું, આજે મારી પાસે જે કંઇપણ છે, ઘર, ગાડી, નામ, પરિવાર બધું જ રાજકોટએ આપ્યું છે. રાજકોટના લોકો માયાળું, તમારા કામ અને ટેલેન્ટને ઓળખનારા છે.

તમારા ક્યા એવા સપના છે જે હજુ પુરા કરવાના બાકી છે
મારા સપના તો કોઇ ખાસ નથી. જીવનમાં જે કંઇપણ મળ્યું એ મહેનત અને સંઘર્ષથી મળ્યું. પરંતુ આઝનો જમાનો સોશ્યલ મીડિયાનો છે. જેથી બધું સ્વતંત્રતાથી અભિવ્યક્તિ કરી શકાય છે. એવું નથી કે પોસ્ટ પર પહોંચવું જરૂરી છે, પરંતુ એક એવી નિરાંતની નોકરી કરવી છે.

આજની યુવા પેઢી ઝડપથી ડિપ્રેશનમાં આવી જાય છે, તો તેમને શું સંદેશો આપશો
જીવનમાં સંઘર્ષ કરવો જરૂરી છે, સફળ થવું હોય તો સંઘર્ષ કરવો જ પડશે. હું રાજકોટમાં આવ્યો ત્યારે 10 બાય 10ની રૂમમાં રહેતો, પછી 1 bhk પછી 2 bhk ફ્લેટ ખરીદ્યો. એ જોતાં સફળતા કોઇને પણ રાતો રાત મળતી નથી. એક પછી એક પગથિયા ચઢવાં પડે છે. પહેલા મારો પગાર 1500 રૂ. જ હતો, ત્યાંથી આજે આ સ્થાને પહોંચ્યો છું.

RJ અને એન્કરિંગમાં તમારો રોલ મોડેલ કોણ છે
રેડીયો જોકીના ફિલ્ડમાં ખૂબ જાણીતું નામ એવો રેડિયો સિલેનના અમીન સાયાણી મારા રોલમોડેલ છે. એન્કરિંગના ફિલ્ડમાં મનીષ પોલ મારા રોલ મોડેલ છે અને સ્ટેજ પ્રેઝન્સમાં કપિલ શર્મા છે. મને બંન્નેના સેન્સ ઓફ હ્યુમર ખૂબ પસંદ છે, તેઓ લોકોને જકડી રાખે છે, અને ખૂબ હસાવે છે.

તમને ક્યાં ફરવાનો શોખ છે?
હંમેશા જીવનમાં સંઘર્ષ અને જવાબદારીના કારણે ફરવાનો સમય મળ્યો નથી. મને કુદરતી વાતાવરણ અને દરિયો બહુ ગમે છે. હું મારા મેરેજ પછી પહેલી વાર વિદેશ ટ્રીપ પર ઇન્ડોનેશિયા ગયા હતા. ત્યાં સુંદર કુદરતી વાતાવરણ અને બીચીસ છે. ગુજરાતમાં સાસણ ગીર સાઇટના કેમ્પીંગમાં જતા.

રમત-ગમતમાં તમને કેવી રૂચિ છે
મારા હોસ્ટેલના દિવસોમાં હું સારો વોલીબોલ પ્લેયર હતો. ક્રિકેટ પણ ખૂબ રમતો. હું સારો ઓફ સ્પીનર હતો. કેરમ પણ રમતો.

તમારા શોખ વિશે જણાવો
મને હંમેશાથી સાયન્સ, ફિકશન, સસ્પેન્સ સ્ટોરી, અવકાશ (ખગોળશાસ્ત્ર) જેવા વિષયો વિશેની મૂવી, સીરીઝ અને બૂક્સ વાંચવી ખૂબ ગમે. મને લોસ્ટ ઇન સ્પેશ, મૂન અને ગ્રેવિટી મૂવી જોવી ખૂબ ગમે. મને કોરિએન સ્ટોરી મૂવી મૂવ ટુ હેવન એ બહુ પ્રેરણા આપી. એ સ્ટોરી મને એટલી લાગી આવી કે એ જોયા પછી હું રડવા લાગ્યો. હું જયારે હોસ્ટેલમાં હતો ત્યારે મને એક બુક “પોલીયાના” વાંચવા મળી. મેં ધોરણ 8માં આ બુક વાંચી હતી અને બુકએ ખૂબ નાની ઉંમરે સમજણ આપી.

તમારી આ સફળતા માટે તમે કોને શ્રેય આપશો
મારા જીવનમાં ડગલે ને પગલે સંઘર્ષપૂર્ણ રહ્યું છે. પરંતુ ભગવાનની કૃપાથી એવા સારા લોકો મળ્યા છે જેમણે મને આગળ વધવા માટે હંમેશા મદદરૂપ બન્યા છે. મને 10માં ધોરણમાં ગણિતમાં ઓછા માર્કસ આવ્યા હતા અને ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્રમાં ચઢાઉ પાસ થયો છે. પરંતુ કહેવાય છે કે ગણિતના આંકડા કરતા જીવનના આંકડા વધુ મહત્વના છે. કોઇ પણ ફિલ્ડમાં રિઝલ્ટ કરતા અનુભવ મહત્વનો છે.