સોશિયલ મીડિયાનું આગમન થયું, એ પોપ્યુલર થયું પછી અનેક લોકોને લખ-વા ઉપડ્યો છે. એવી જ રીતે આજકાલ અનેક ભગવાધારીઓને બોલ-વા ઉપડ્યો છે, બકબક-વા ઉપડ્યો છે. તેઓ રાત-દિવસ સતત બડબડાટ કરે છે અને પોતાનાં છીછરાં જ્ઞાનની સતત પબ્લિસિટી કર્યે રાખે છે. જ્ઞાનવત્સલ સ્વામીથી લઈને અપૂર્વમુનિ સ્વામી સુધીનાં અગણિત ભાષણખોરો મનફાવે તેવો બફાટ કરી રહ્યાં છે. કોઈ રજસ્વલા સ્ત્રી વિશે બોલે છે અને કોઈ વળી એજ્યુકેશન તથા કરિઅર પર. સવાલ એ છે કે, ધર્મ ક્યાં છે? આધ્યાત્મિકતા ક્યાં છે? મૂળ હેતુ જ કદાચ વિસરાઈ ગયો છે. પોપ્યુલર ભાષણો થઈ રહ્યાં છે, હાસ્યાસ્પદ જોડકણાં બોલાઈ રહ્યાં છે. સાસુ-વહુનાં ઝઘડાં, વિદ્યાર્થીનાં લવ પ્રોબ્લેમ… શું આ બધું સંતોએ ચર્ચવાનું હોય? અધ્યાત્મ તો બહુ બહુ દૂરની વાત છે, ધર્મ અને સંપ્રદાય જેવાં નીચેનાં પગથિયાં સુધી પણ આ વ્યાખ્યાનખોરો પહોંચી શક્યા નથી. અસલી અધ્યાત્મ શું છે? જ્યાં પરમતત્ત્વ સિવાય બાકીનું બધું ગૌણ હોય. અને જે અધ્યાત્મ પામી ગયા- તેનાં માટે માઈક્રોફોન શું અને શ્રોતાઓ શું! અધ્યાત્મ એટલે? એટલે શૂન્ય થઈ જવું. જેનાં પર ઈશ્ર્વરની કૃપાદૃષ્ટિ થઈ હોય તે એક વધારાનો શબ્દ ન બોલે. એ એક શબ્દ બોલે તેમાં સો-બસ્સો શબ્દોનો અર્ક હોય.

જ્ઞાનવત્સલ સ્વામીથી લઈને અપૂર્વમુનિ સ્વામી સુધીનાં અગણિત ભાષણખોરો મનફાવે તેવો બફાટ કરી રહ્યાં છે: કોઈ રજસ્વલા સ્ત્રી વિશે બોલે છે અને કોઈ વળી એજ્યુકેશન તથા કરિઅર પર… સવાલ એ છે કે, ધર્મ ક્યાં છે? આધ્યાત્મિકતા ક્યાં છે? મૂળ હેતુ જ કદાચ વિસરાઈ ગયો છે

સ્વામિનારાયણ સંપ્રદાયનાં એક ભગવાધારીનો પેલો વિડીયો જોયો? એ તેમાં કહે છે: ‘શું કૃષ્ણ કાંઈ ભગવાન હતાં? કોઈ શિશુપાલને ફોન કરો તો…’ આવી એકદમ વાહિયાત વાત પર ઑડિયન્સ ખી.. ખી… ખી… ખી… કરતાં ખિખિયાટા કરે છે

આધ્યાત્મિક વક્તાઓનો રાફડો ફાટ્યો છે. એક ઢુંઢો- હજાર મિલતે હૈ, સામે મૂઢ શ્રોતાઓનાં ટોળાં પણ મળી રહે છે: બાલીશ ટૂચકાંઓ, વાહિયાત ઉદાહરણો, તદ્દન ડાઉન માર્કેટ પ્રાસાનૂપ્રાસ… આ બધું લોકોને આકર્ષે છે-આવો આખો વર્ગ છે

અધ્યાત્મ, આધ્યાત્મિક અનુભૂતિ, સાક્ષાત્કાર આ બધી બહુ ઊચ્ચ સ્થિતિ છે. જેણે આ બધું પામી લીધું એ મૂક થઈ જાય, મૌન થઈ જાય. શબ્દોની કોઈ જરૂરત જ રહેતી નથી.
એક કથા છે: એક ગુરુનાં આશ્રમમાં એક યુવાન શિષ્ય બનવા આવ્યો. ગુરુએ એક પ્રશ્ર્ન પૂછયો તો પેલાંએ દસ જવાબ આપ્યા. ગુરુએ કહ્યું: ‘તારી તાલિમ લાંબી ચાલશે, બીજા બાળકોને પાંચ વર્ષ જોઈએ, તને દસ વર્ષ લાગશે!’ યુવાન હોંશિયાર હતો, તેનામાં અદ્ભૂત વાક્છટા હતી. બધાંને આશ્ર્ચર્ય થયું. આ યુવાનને ઓછો સમય લાગે, તેને બદલે ગુરુજીએ કેમ બમણા સમયનું કહ્યું હશે? યુવાને ગુરુને પૂછયું, ‘મહાત્મા, આપને માઠું ન લાગે તો એક સવાલ પૂછું? મારી તાલિમ કેમ બમણાં સમય સુધી ચાલશે?’ ગુરુજીએ જવાબ આપ્યો: ‘…કારણ કે, તું બોલે છે બહુ… જેમ-જેમ તારું બોલવાનું ઘટતું જશે, તેમ-તેમ તારી ગ્રહણશક્તિ વધતી ચાલશે!’ ઈનકમિંગ અને આઉટગોઈંગ એક સાથે ચાલું ન રહી શકે. બહુ સ્પષ્ટ વાત છે. કોઈ રોકેટ સાયન્સ કે ન્યૂક્લિયર સાયન્સ નથી.
આધ્યાત્મિક વક્તાઓનો રાફડો ફાટ્યો છે. એક ઢુંઢો- હજાર મિલતે હૈ. સામે મૂઢ શ્રોતાઓનાં ટોળાં પણ મળી રહે છે. બાલીશ ટૂચકાંઓ, વાહિયાત ઉદાહરણો, તદ્દન ડાઉન માર્કેટ પ્રાસાનૂપ્રાસ… આ બધું લોકોને આકર્ષે છે-આવો આખો વર્ગ છે. આ વર્ગની મૂઢતા આવા ભગવાધારીઓને સતત પ્રોત્સાહન આપતી રહે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયનાં એક ભગવાધારીનો પેલો વિડીયો જોયો? એ તેમાં કહે છે: ‘શું કૃષ્ણ કાંઈ ભગવાન હતાં? કોઈ શિશુપાલને ફોન કરો તો…’ આવી એકદમ વાહિયાત વાત પર ઑડિયન્સ ખી..ખી…ખી…ખી…. કરતાં ખિખિયાટા કરે છે. આવા લોકો જ બક-વાનાં પેશન્ટ એવા વક્તાઓને જન્મ આપે છે અને વક્તા બનવાની જાણે હોડ લાગી છે.
સિદ્ધ સંતોનાં સ્થાને હવે સ્ટાર વક્તાઓનો મહિમા છે. અપૂર્વમુનિ કહે છે કે, તેઓ બધાં ઈંગ્લિશ બોલનારા અને કવૉલિફાઈડ લોકો છે. જ્ઞાનવત્સલ મોંફાડ અંગ્રેજી બોલે છે. ઓ.કે. આ સત્ય શું તેમને કોઈ સિદ્ધપુરુષ બનાવી દે છે? ફડફડાટ અંગ્રેજી એ આધ્યાત્મિકતાનો પુરાવો પણ નથી, માપદંડ પણ નથી. અંગ્રેજીથી અંજાઈ જવાની જરૂર નથી. જ્ઞાનવત્સલ પીરસે છે તેવાં ક્લિશે ઉદાહરણો અને ઍનેકડોટસ પણ બજારમાં દોઢ રૂપિયે મણ મળી રહે છે.
આધ્યાત્મિકતા આખી અલગ જણસ છે. એ પામી ગયા તેને માઈકની જરૂર રહેતી નથી. સ્વયંને પામવું, પરમશક્તિનો સાક્ષાત્કાર એ અતિ ઊચ્ચ સ્થિતિ છે. ત્યાં મનુષ્ય પોતાની જાતને ઈશ્ર્વરમાં ઓગાળી નાંખે છે, ત્યાં જગત આખું મિથ્યા અને બ્રહ્મ જ સત્ય દિસે છે. પછી જોડકણાંઓ દ્વારા છવાઈ જવાની એષણા નથી રહેતી. તાળીઓ અને ખિખિયાટા નિરર્થક લાગે છે. સ્ટેજનો મોહ નહીં, સન્માનની કોઈ આસક્તિ નહીં. પોતાનાં સંપ્રદાયનાં નામે ગપ્પાં મારવાનો તો કદી વિચાર સુદ્ધાં ન આવે. જો તમે આ કક્ષા સુધી નીચે ઉતર્યા, તો સમજવું કે તમે ભગવા પહેરવાને પણ લાયક નથી. ઈનફેક્ટ, વસ્ત્રો પહેરવાને જ લાયક નથી.