સ્વામિનારાયણ સંપ્રદાયની ચાર ઘટનાએ ખળભળાટ મચાવ્યો, હરિભક્તોનો ગુસ્સો આસમાને
સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં, સંપ્રદાયના કેટલાક સ્વામીઓના અશ્લીલ વિડીયો વાઇરલ થયા અને કેટલાક સ્વામીઓ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. સંપ્રદાયના કેટલાક સ્વામીઓના અશ્લીલ વિડીયો વાયરલ થયા છે અને કેટલાક સ્વામીઓ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. 9 જૂનથી 15 જૂન સુધીમાં કુલ ચાર ઘટનાઓના પર્દાફાશ થયા છે. જેને લઈને હરિભક્તોથી લઈને તમામ લોકોમાં રોષની લાગણી છે. સંત, સનાતન અને સ્વામી પરંપરાને લજવતું કામ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા કરાયું છે. એક બાદ એક સ્વામીનારાયણ મંદિરના સ્વામીઓની પાપલીલાનો ભાંડો ફુટી રહ્યો છે. ત્યારે બીજી તરફ સંપ્રદાય મૌન ધારણ કરીને બેઠો છે. તો હરિભક્તોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. હરિભક્તો મંદિર પહોંચીને વિરોધ દર્શાવી રહ્યા છે. સંપ્રદાયમાં સડા સમાન આવા સ્વામીઓ સમાજને શું સંદેશો આપશે?
પ્રથમ ઘટના
વડતાલના સ્વામી જગતપાવન સામે દુષ્કર્મની ફરિયાદ
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી અને હાલ વડતાલ ખાતે રહેતા સ્વામી જગતપાવનદાસે (જેપી સ્વામી) 8 વર્ષ અગાઉ (10 સપ્ટેમ્બર 2016) સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે વાડી પોલીસ સ્ટેશન ખાતે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જોકે ફરિયાદ નોંધાતા જ આરોપી જગતપાવનદાસ વડતાલથી ફરાર થઈ ગયા છે. વાડી પોલીસ દ્વારા ટીમો બનાવીને આરોપી સ્વામિની શોધખોળ શરૂ કરી છે.
- Advertisement -
બીજી ઘટના
વડતાલના સ્વામી સત્યસ્વરૂપનો વિડીયો વાયરલ
વડતાલના સ્વામી સત્યસ્વરૂપનો સૃષ્ટી વિરૂદ્ધ કૃત્યનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં તે એક બાળક સાથે સ્નાન સમયે બળજબરી કરતો નજરે પડી રહ્યો છે. જ્યારબાદ મીડિયાની ટીમ વડતાલ પહોંચી હતા. જ્યાં મંદિરના કોઠારી સ્વામી ગેરહાજર જોવા મળ્યા હતા.
ત્રીજી ઘટના
ગઢડાના સ્વામી ભગવતપ્રસાદનો બીભત્સ વિડીયો વાયરલ
વડતાલના સત્યસ્વરૂપ બાદ ગઢડાના સ્વામી ભગવતપ્રસાદ દાસજીનો બિભત્સ વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં હેવાન અને સંત પરંપરાને લજવતો જોવા મળી રહ્યો છે. સ્વામી ભગવતપ્રસાદ ગઢડાના ચેરમેન હરજીવન સ્વામી અને ભાનુસ્વામીના મંડળના છે.
ચોથી ઘટના
ધર્મસ્વરૂપદાસ અને નારાયણસ્વરૂપ સામે દુષ્કર્મની ફરિયાદ
રાજકોટના ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામના ગુરુકુળના સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ઈંઙઈ 376 (2)(ગ), 313, 114 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટની યુવતી સાથે છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં ધર્મસ્વરૂપદાસ સ્વામીએ 30 વર્ષીય મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું અને નારાયણ સ્વરૂપસ્વામી અને મયુર કાસોદરિયા નામના શખ્સે મદદગારી કરી હોવાનો ઉલ્લેખ છે. એટલું જ નહીં દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બની હતી. જેમાં ધર્મપ્રસાદ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરીયા સાથે ગર્ભપાતની દવા મોકલી પીડિત યુવતીની ઈચ્છા વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હોવાનું ખુલતાં ચકચાર મચી ગઈ છે.
વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તોનો વિરોધ
વડોદરાના વાડી સ્વામીનાયરણ મંદિરની લંપટ સ્વામી જગતપ્રકાશને લઈને હરિભક્તો રોષે ભરાયા છે. લંપટ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. લંપટ સ્વામીને લઈને મોટી સંખ્યામાં હરિભક્તો વડતાલ સ્વામી નારાયણ મંદિર ખાતે પહોંચ્યા છે. હરિભક્તોએ લંપટ સ્વામીને લઈને ખંદિર ખાતે વિરોધ કર્યો હતો. વડતાલ મંદિર પરીસરમાં હરિભક્તોએ બેનર સાથે લંપટ સ્વામીનો વિરોધ કર્યો હતો. વિરોધને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ દરમિયાન સુરતથી આવેલા હરિભક્ત ધર્મેશભાઈએ જણાવ્યું કે, આજે ગઢડા મંદિર ખાતે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો આવ્યા છે. દુષ્કૃત્ય કરનાર સ્વામી તાત્કાલિક ઘોરણે હટાવવામાં આવે. જો 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
વાયરલ વિડીયોમાં આંતરિક રાજકારણ હોય શકે : કોઠારી સ્વામી
વડતાલ સ્વામીનારાયણ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી સંત વલ્લભદાસજીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે આડકતરી રીતે આચાર્ય પક્ષ પર આરોપ મૂક્યો છે. મુખ્ય કોઠારી સ્વામીએ સમગ્ર ઘટનાઓમાં આંતરિક રાજકારણ હોવાની વાત કરી છે. સંપ્રદાયનું બંધારણ હેઠળ સંતો અને વડીલ સંતોએ સાથે મળીને પગલા લીધા જ છે. શિક્ષાપત્રીમાં પણ બંધારણ આપેલું જ છે. સંતની વાત જ નથી, કોઈપણ જગ્યાએ નાગરિક આ કૃત્ય કરે તે નિંદનીય છે. અમૂક ઘટનાઓ એવી હોય છે જે વર્ષો પહેલાની હોય. જે કોઈની સંડોવણીથી ચાલતું હોય તેવું બને. વર્તમાન આચાર્ય છે તેની પહેલાના આચાર્ય હતા, તે પણ આવા વિડીયોઓનું સંકલન કરવાના મુદ્દાઓનો સીડીકાંડનો કેસ ચાલે છે. સંપ્રદાયનું સારું નરસું છે તે સંપ્રદાયના સંતો નિરાકરણ લાવી રહ્યા છે. આ કૃત્ય સંપ્રદાય, સનાતન અને માનવ સભ્યતા માટે પણ યોગ્ય નથી.