‘પવિત્ર પ્રભાકર’ નામ સાથે પહેલીવાર સ્પાઈડર મેન ભારતીય અવતારમાં જોવા મળશે
ખાસ-ખબર સંવાદદાતા
આઈપીએલની 16મી સીઝનમાં શાનદાર ફોર્મમાં રમી રહેલા ગુજરાત ટાઈટન્સના ઓપનિંગ બેટર શુભમન ગીલ હવે ફિલ્મી દુનિયામાં પણ કમાલ બતાવવા માટે તૈયાર છે. ગીલ એનિમેટેડ ફિલ્ડ સ્પાઈડર મેન અક્રોસ ધ સ્પાઈડર-વર્સમાં ભારતીય સ્પાઈડર મેનનો અવાજ બનશે. શુભમન ગીલ આ એનિમેશન ફિલ્મમાં હિન્દી અને પંજાબી ભાષામાં સ્પાઈડર મેનનો અવાજ બનશે. આ ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયમાં રિલિઝ કરાશે.
વર્ષ 2021માં આવેલી સ્પાઈડર મેન નો વે હોમ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. હવે તમામ ચાહકો તેની આગલી શ્રેણીનો ઈન્તેજાર કરી રહ્યા છે. જો કે દેશી સ્પાઈડર મેન પવિત્ર પ્રભાકરનો અવાજ શુભમન ગીલ આપવાનો હોવાથી ચાહકો તેની આતૂરતાથી રાહ જોઈ
રહ્યા છે.
સ્પાઈડર મેનનો અવાજ બનવા પર શુભમન ગીલે કહ્યું કે, પહેલી વાર ભારતીય સ્પાઈડર મેન આ ફિલ્મ દ્વારા મોટી સ્ક્રીન ઉપર જોવા મળશે. મારા માટે હિન્દી અને પંજાબી ભાષામાં ભારતીય સ્પાઈડર મેનનો અવાજ બનવું ઘણું જ યાદગાર રહ્યું છે. હું આ ફિલ્મની રિલિઝનો આતૂરતાથી ઈન્તેજાર કરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, શુભમન ગીલ પહેલો એવો ખેલાડી બનશે જે કોઈ ફિલ્મમાં પોતાનો અવાજ આપી રહ્યો છે.
ભારતીય સ્પાઈડર મેન અવતારને શુભમન ગીલ અવાજ આપશે!
