50થી વધુ છાત્ર બેભાન થયા બાદ લેવાયો મોટો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ બિહાર
- Advertisement -
બિહાર સરકારે ભીષણ ગરમીને પગલે ચાલતી સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બુધવારે અનેક સ્કૂલમાં છાત્રાઓ તબિયત બગડ્યા અને બેભાન થયા બાદ લેવાયો છે. બુધવારે બેગૂસરાય અને શેખપુરાની સ્કૂલોમાં લગભગ 50 છાત્રાઓ ગરમીના કારણે બેભાન થઈ ગયા હતા, જેમાંથી અનેક છાત્રાઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.
ભીષણ ગરમીને પગલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સ્કૂલોને બંધ કરવાના નિર્દેશ આપ્યા છે. સ્કૂલને 30 મેથી 8 જૂન 2024 સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મુખ્ય સચિવ બ્રજેશ મેહરોત્રાને નિર્દેશ આપ્યા છે કે તેઓ જરુરિયાત મુજબ વર્તમાન સ્થિતિને જોતા સ્કૂલોને બંધ કરવા અંગે યોગ્ય કાર્યવાહી કરે કે જેથી સ્કૂલના બાળકોના સ્વાસ્થ્યને અસર ન થાય. ઈખએ મુખ્ય સચિવને એવા પણ નિર્દેશ આપ્યા છે કે તેઓ ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રૂપની બેઠક આયોજિત કરીને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં અન્ય જરુરી કાર્યવાહી સુનિશ્ર્ચિત કરે.
દેશભરમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે. દિલ્હીમાં 50 ડિગ્રીની આસપાસ પહોંચેલા મહત્તમ તાપમાને છેલ્લાં 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં પણ ભીષણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોની સ્કૂલમાં ગરમીઓની રજા છે પરંતુ બિહારમાં હજુ પણ અભ્યાસ ચાલી રહ્યો છે. બુધવારે બિહારના બેગૂસરાય અને શેખપૂરામાં લગભગ 50થી વધુ સ્કૂલી બાળકો બેભાન થઈને ક્લાસરુમમાં જ પડી ગયા હતા.
શેખપુરાની એક સ્કૂલમાં ભીષણ ગરમીના કારણે છાત્રાઓની તબિયત એટલી બગડી હતી કે તેમણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ભીષણ ગરમીના કારણે શેખપુરા જિલ્લાની અનેક સ્કૂલમાં બાળકો બેભાન થઈ ગયા. પ્રચંડ ગરમીના કારણે કેટલાંક વિદ્યાર્થીઓને પ્રાર્થના દરમિયાન અને કેટલાંક ક્લાસરુમમાં બેભાન થયા હતા. વિદ્યાર્થિનીઓ બેભાન થતા શિક્ષકોમાં અફરાતફરી ફેલાઈ ગઈ, જ્યારે છાત્રાઓના પરિવારને આ અંગેની જાણ કરવામાં આવી તો તેઓ પણ તાત્કાલિક સ્કૂલે પહોંચી ગયા. જે બાદ છાત્રાઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.