શુદ્ધિકરણ પાછળ કરોડોનો ખર્ચ, ગુજરાતમાં સાબરમતી સહિતની 13 નદી પ્રદૂષિત

ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં પ્રદૂષિત નદીઓ અંગે ઈઙઈઇના રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં સાબરમતી નદી દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાંની એક છે. તેમાં દેશની બીજા નંબરની પ્રદૂષિત નદી સાબરમતી બની છે. તથા તમિલનાડુની કોઉમ નદી દેશની સૌથી પ્રદૂષિત નદી છે.
ઉલ્લેખનીય છે કે રાયસણ અને વૌઠાથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં લીટરદિઠ 292 મિલિ. બાયોકેમિકલ ઓક્સિજનની ડિમાન્ડ છે. તેમજ સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટે પણ સંજ્ઞાન લીધું હતુ. છતાં પણ શુદ્ધિકરણ પાછળ કરોડોનો ખર્ચ છતાં સાબરમતી સહિત 13 નદી પ્રદૂષિત છે. તેમાં સાબરમતી, ભાદર અને ખારી નદી અત્યંત પ્રદૂષિત છે. નદીઓના શુદ્ધિકરણ પાછળ કરોડોનો ખર્ચ છતાં ગુજરાતમાં સાબરમતી સહિતની 13 નદીઓ પ્રદૂષિત છે. ગુજરાતની 13 પ્રદૂષિત નદીઓમાં અમલખાડી, ભાદર, ધાદર, ખારી, વિશ્વામિત્રી, મિંઢોળા, મહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણ ગંગા અને તાપીનો સમાવેશ થાય છે. 13 નદીઓ પૈકી સૌથી વધુ સાબરમતી નદી પ્રદૂષિત છે, જ્યાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (બીઓડી-એમજી-એલ) સ્તર 292.0 છે. એ પછી ભાદર નદી સૌથી વધુ પ્રદૂષિત છે, અહીં બીઓડી સ્તર 258.6 જેટલો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ સંદર્ભેનો ડેટા એકઠો કરાયો છે.
નદીમાં પાણી પાંચ દિવસમાં કેટલો ઓક્સિજન ઓગળી શકે તેના આધારે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ નક્કી થતી હોય છે, જો સ્તર વધારે હોય તો પાણીને ઓક્સિજનની જરૂરિયાત વધારે છે તેમ દર્શાવે છે.
આમ બીઓડી સ્તર જોતાં ગુજરાતમાં સાબરમતી નદી અત્યંત પ્રદૂષિત છે, જેને પ્રાયોરિટી લિસ્ટ એક ઉપર મૂકવામાં આવી છે.

સાબરમતીમાં રાયસણથી વૌઠા સુધીનો પટ્ટો વધુ પ્રમાણમાં પ્રદૂષિત છે. ભાદરમાં જેતપુરનો પટ્ટો, અમલખાડીમાં અંકલેશ્વરનો પટ, ખારીમાં લાલી ગામ, વિશ્વામિત્રીમાં ખાલીપુર ગામ આસપાસનો પટ, મિંઢોળામાં સચિન, માહીમાં કોટનાથી મુજપુર, શેઢીમાં ખેડા આસપાસનો પટ, ભોગાવોમાં સુરેન્દ્રનગરનો પટ, ભૂખી ખાડીમાં વાગરાનો પટ, દમણ ગંગામાં કાચી ગામ, ચાણોદ આસપાસનો પટ તદુપરાંત તાપીમાં નિઝર આસપાસનો પટ પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે. ખારી નદીમાં બીઓડી સ્તર 195.0 જ્યારે અમલખાડીમાં 49.0 સ્તર છે. ગુજરાતમાં પ્રદૂષિત નદીઓની સંખ્યા એક વર્ષ પહેલાં 20 જેટલી હતી, જોકે હવે આ યાદીમાં સાત નદીઓ ઓછી થતાં આંકડો 13 ઉપર પહોંચ્યો છે.